National

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેના બીજા દિવસે આ ઐતિહાસિક વસ્તુઓ મળી

વારાણસી: કાશી જ્ઞાનવાપી કેસ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડીયોગ્રાફી સર્વેનું કામ રવિવારે બીજા દિવસે પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સર્વેનો રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. સતત બે દિવસ સુધી ચાલેલા સર્વેમાં શું જાણવા મળ્યું તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એડવોકેટ કમિશનરની કાર્યવાહી દરમિયાન રવિવાર મસ્જિદ અને ઘુમ્મટ પછી, ભોંયરાના કેટલાક ભાગોની ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આમાં મસ્જિદના ઘુમ્મટની રચના અસામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘુમ્મટની રચના અંદર અને બહારની બાજુએથી અલગ-અલગ દેખાઈ છે.

ઘુમ્મટ વધારાનો બનાવ્યો હોવાની ચર્ચા
ચર્ચાઓ અનુસાર, ઘુમ્મટ એવો દેખાઈ છે કે તેના બે ભાગ હોય. ઉપરનો ભાગ નીચેના ભાગ ઉપર વધારાનો બનાવવામાં આવ્યો છે. ત્રણ ઘુમ્મટમાંથી વચ્ચેનાં ઘુમ્મટમાં આ રચના વધુ સ્પષ્ટ છે. ઘુમ્મટની છત સુધી પહોંચવા માટે બનાવેલી સીડીઓ પણ અવ્યવસ્થિત છે. એવું લાગે છે કે તેઓ અલગથી બનાવવામાં આવી છે ભોંયરામાં મોટી માત્રામાં કાટમાળ અને ચારે બાજુ ઈંટોની દીવાલોથી ઘેરાયેલો ઓરડો મળી આવ્યો હતો. રૂમ ખોલી શકાયો ન હતો. નંદીની સામેના ભોંયરાના એક ભાગમાં જમા થયેલો કાટમાળ હટાવ્યા બાદ તેમાંથી કળશ મળી આવ્યો હતો. એડવોકેટ કમિશનરની સાથે મંદિર અને મસ્જિદ પક્ષના વકીલો અન્ય કેટલાક ભાગોનું પણ નિરીક્ષણ કરાવવા માંગે છે. જેથી સોમવારે પણ સર્વે ચાલુ રહેશે.

કાટમાળમાંથી કળશ મળ્યો
ભોંયરાના કેટલાક ભાગમાં કાટમાળ જોવા મળ્યો હતો. સફાઈ કામદારોએ કેટલોક કાટમાળ હટાવ્યો પણ હજુ ઘણું બાકી છે. એ જ ભોંયરામાં, એક ભાગમાં લાકડાની મોટી હોડીઓ રાખવામાં આવી છે, અને ચારે બાજુથી બંધ ઈંટોની દિવાલોનો એક ઓરડો પણ છે. એમાં શું છે, કોઈ જાણતું નથી. આ દિવાલોની વચ્ચે એક દરવાજો પણ છે, જે ખોલી શકાયો નથી. તેની બનાવટ એવી લાગે છે કે જાણે કોઈ ખાલી ભાગને દિવાલોથી બંધ કરવામાં આવ્યો હોય. તે ઘુમ્મટની નીચે છે. નંદીની સામેના ભોંયરાના એક ભાગમાં જમા થયેલો કાટમાળ હટાવ્યા બાદ તેમાં કળશ મળી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણી જગ્યાએથી કલાકૃતિઓ મળી આવી છે. મંદિર અને મસ્જિદ પક્ષના વકીલોએ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે કોર્ટમાં રિપોર્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થશે.

ડ્રોનની મદદથી ઘુમ્મટની બહારનાં ભાગની વિડિયોગ્રાફી કરાઈ
પહેલા ઘુમ્મટનું નિરીક્ષણ શરૂ થયું. પહેલા બંને નાના ડોમ, પછી વચ્ચેના મોટા ડોમના અંદરના ભાગના ખૂણે-ખૂણા કેમેરામાં કેદ થયા. પછી ઘુમ્મટની છત પર પહોંચીને બહારનાં ભાગોનું નિરીક્ષણ કર્યું. આ માટે કેમેરામેને ડ્રોનની મદદ લીધી હતી. અહીંથી બધા નીચે આવ્યા અને જ્યાં પૂજા થાય છે. દરેક ખૂણાની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. તે પછી બધા ભોંયરામાં ગયા.

નંદીની સામે જ માટીનો ઢગલો બે ડઝન સફાઈ કામદારોએ હટાવ્યો
એક દિવસ અગાઉ જે ચાર રૂમ સુધી ટીમ પહોંચી હતી તેણે છોડીને અન્ય ભાગોની તપાસ શરૂ કરી હતી. અહીં ઘણા અવરોધો હતા. અમુક ભાગ કાટમાળથી ભરેલો હતો અને એક ભાગમાં લાકડાનો ઢગલો હતો. નંદીની સામે જ માટીનો ઢગલો હતો. બે ડઝન સફાઈ કામદારોને બોલાવીને માટી કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સમયની મર્યાદા અને માટીના વિશાળ ઢગલાને કારણે સંપૂર્ણ સફાઈ ન થઈ શકી. જેટલી સફાઈ થઇ તેટલામા જે મળ્યું તે જ કેમેરામાં કેદ કરાયું. 12 વાગી જતા એડવોકેટ કમિશનરની કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી. મંદિર પક્ષના વકીલો અને એડવોકેટ કમિશનર અન્ય કેટલીક જગ્યાઓની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા માગે છે, તેથી સોમવારે પણ કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી હતી.

સોમવારે પણ કાર્યવાહી યથાવત
17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ આપવાનો છે. વધારાના એક દિવસને કારણે, કોઈપણ પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો ન હતો અને સોમવારે પણ કાર્યવાહી કરવા સંમત થયા હતા. અત્યાર સુધીની કાર્યવાહીથી વાદીઓ ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે દાવો દાખલ કરતી વખતે તેણે જે દાવા કર્યા હતા તેના કરતાં મસ્જિદ પરિસરમાં ઘણું બધું જોવા મળી રહ્યું છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તેને નકારે છે.

Most Popular

To Top