ગાંધીનગર: (Gujarat) ગુજરાતમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણ દરમ્યાન રાજયમાં કાતિલ ઠંડીનું (Cold Wave) યથાવત રહ્યું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી 5 દિવસ સુધી ઠંડીનો પારો હજુયે 5 ડિગ્રી સુધી નીચે ગગડી શકે છે. જેના પગલે રાજયમાં કાતિલ કોલ્ડ વેવની અસર જોવા મળશે.
ઉત્તરાયણ દિવસે રાજયમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. જયારે આજે શનિવારે પણ કોલ્ડ વેવની અસર જોવા મળી હતી. કચ્છનું નલિયા 4 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યું હતું. ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. રાજયમાં ગાત્રો થીજાવતી ઠંડીના કારણે જનજીવનને અસર થવા પામી છે. ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણ દરમ્યાન રાજયમાં 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે પતંગ રસીયાઓએ મન મૂકીને પતંગ ચગાવી હતી.
રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 10 ડિ.સે.,ગાંધીનગરમાં 7 ડિ.સે., ડીસામાં 9 ડિ.સે., વડોદરામાં 11 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 4 ડિ.સે., ભાવનગરમાં 10 ડિ.સે., રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
નવસારીમાં 14, વલસાડમાં 15 ડિગ્રી તાપમાન : ઠંડી યથાવત
નવસારી, વલસાડ : નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગની યાદી મુજબ આજે લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી નોંધાયું હતું, જે મકરસંક્રાંતિના દિવસે લઘુતમ તાપમાન કરતાં એક ડિગ્રી નીચું ગયું હતું. જ્યારે આજે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું, જે મકરસંક્રાંતિના દિવસે મહત્તમ તાપમાન કરતાં એક ડિગ્રી ઊંચું નોંધાયું હતું. એક જ દિવસમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં આખો દિવસ લોકોને ઠંડીનો અહેસાસ થતો રહ્યો હતો. શનિવારે દિવસ દરમ્યાન કલાકે 6.8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો અને તેને કારણે પણ ઠંડીની લહેર ફરી વળી હતી. સવારે ભેજનું પ્રમાણ 95 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 45 ટકા હતું. પવનને કારણે શનિવારે ઠંડીનો અહેસાસ થયો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તપામાન 15.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 29 ડિગ્રી, જ્યારે ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું.
આગામી 3-4 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. જેમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 9.6 ડીગ્રી નોંધાયુ તો પાટનગર ગાંધીનગરમાં પારો 7.3 ડીગ્રીએ પહોંચતાં લોકો ઠૂંઠવાયા હતા. ઉત્તર ગુજરાતના ડીસામાં 9.2 ડીગ્રી તો સૌરાષ્ટ્રના કેશોદમાં 8.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે. ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં આગામી થોડા દિવસો ઠંડીનું જોર રહેશે. તો સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કાતિલ ઠંડીના પ્રવાહો આગામી 24 જાન્યુઆરી સુધી યથાવત્ રહી શકે છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાન 10 ડીગ્રીથી નીચું નોંધાશે, તો ક્યાંક પારો 8 ડીગ્રી કરતાં પણ ગગડી જશે.