રાજ્યમાં ધોરણ 1 થી 5 ના શાળાના વર્ગો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ કરાશે નહીં. બાળકોના આરોગ્યની ચિંતા રાખીને આ અંગે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેનો નિર્ણય લેવાશે, તેવું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ માટે તજજ્ઞોની કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા અપાનાર રિપોર્ટના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વધુમાં કહ્યું હતું કે હાલમાં ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે વિચારણા કરવાની કોઈ ઉતાવળ કરાશે નહીં. દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા ગયા હોય છે, ત્યારે ઉતાવળે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરાશે નહીં. રાજ્ય સરકાર બાળકોના આરોગ્ય લઈને ચિંતિત છે. જેને પગલે સંપૂર્ણ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે.
સ્કુલવાનમાં એસીનો ઉપયોગ ન કરવો
બીજી તરફ શાળાઓ શરૂ કરવામાં આવે તો નાના બાળકોએ વર્ગોમાં શું ધ્યાન રાખવું તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવ્યું હતું કે મોટા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અંગે વધારે કંઈક સમજાવવાનું હોતું નથી, પરંતુ નાના બાળકોને સતત માસ્ક પહેરી રાખવાનું કહેવું મુશ્કેલ છે, ત્યારે ખાસ કરીને વાલીઓ, શાળા સંચાલકો અને શિક્ષકોએ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં શાળાએ જતા આવતા સ્કુલવાનનો ઉપયોગ કરતાં હોય તો વાનમાં એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ બાળકને ખાંસી કે શરદી હોય તો તેને શાળાએ ન મોકલવું જોઈએ. બાળકને શરદી-ખાંસી હોય તો શાળા સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવી જોઈએ. આ બધી જ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું પડશે.