Gujarat

કેબિનેટમાં મોટા ફેરફાર થશે, 5થી 6 મંત્રી પડતા મૂકાશે

ગાંધીનગર: ગુજરાતની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા જ ગાંધીનગર રાજભવનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મહત્વની બેઠક કરી છે, જેના પગલે આજે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. જો કે આજે મંગળવારે સાંજે પાંચ વાગ્યે કેબિનેટ બેઠક બોલાવવામાં આવતા, કેટલાંક મંત્રીઓ માટે આ કેબિનેટ બેઠક હવે છેલ્લી પુરવાર થશે તેવી સંભાવના છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સાથે કરેલી ચર્ચા મુજબ, પાંચથી સાત મંત્રીઓને કેબિનેટમાં તેમના નબળા રિપોર્ટ કાર્ડના કારણે પડતાં મૂકવામા આવે તેવી સંભાવના છે. ખાસ કરીને 10થી 11 જેટલા મંત્રીઓની કામગીરીનું રિપોર્ટ કાર્ડ સંતોષકારક નથી, તેવી માહિતી આંતરિક વર્તુળોમાંથી બહાર આવી છે. સપ્ટે.ના પહેલા સપ્તાહમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે, તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

રાજ્ય સરકાર તેમજ કેન્દ્રના કરોડોના રોકાણ સાથેના વિકાસ પ્રોજેકટને આગળ ધપાવવા માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે, કેન્દ્ર દ્વારા ગુજરાતને આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફંડ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં જોઈએ તેવું પરિણામ હાંસલ થતું નથી અને પ્રજામાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે 5થી 6 મંત્રીઓને પડતાં મૂકીને તેઓના સ્થાને નવા ચહેરાઓને મંત્રીપદ આપવામાં આવે તેવી સંભાવના છે. ખાસ કરીને કેબિનેટ વિસ્તરણ બાદ મંત્રીઓના ખાતામાં ફેરબદલ પણ થઈ જશે.

મંત્રીપદ માટે ધારાસભ્યોએ લોબિંગ પણ શરૂ કરી દીધું
પીએમ મોદીના આગમન પહેલા જ ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાયેલી ભાજપની મહત્વની બેઠકમાં સંબોધન દરમ્યાન પાટીલે જ મંત્રી મંડળના વિસ્તરણના સંકેત આપ્યા હતા. પાટીલે “હજુ આપણે જલ્દી બે વખત મળીશું”, જે આગામી ફેરફારોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ પર ફેરફાર અંગે પણ ઈશારો કર્યો હોવાનું માનવામાં આવે છે. સાથે જ મંત્રીમંડળમાં ફેરફાર અંગે તેમણે સંકેત આપ્યા છે. ભાજપના દિલ્હી દરબારમાં પાર્ટીના સિનિયર નેતા અને કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સતત બેઠકો કરવામાં આવી રહી છે. યાદવે તાજેતરમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક યોજી હતી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને કેબીનેટના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. જેના પગલે કેટલાંક ભાજપના ધારાસભ્યોએ પોતાનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તે માટે લોબીંગ પણ શરૂ કરી દીધું છે.

Most Popular

To Top