સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે. હવામાન વિભાગે આજકાલમાં સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે બંગાળની ખાડી ઉપર સેટ થયેલી વરસાદી સિસ્ટમના ફોરકાસ્ટ જોઇ આગાહી કરી હતી. પરંતુ ધીરેધીરે વાદળો ફંટાવા લાગ્યા છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે હવે આ સિસ્ટમ સીધી ઉત્તર રાજસ્થાન તરફ મુવ થઇ રહી છે.
જેના કારણે હવે દ.ગુ.માં હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, હવે ઝરમર વરસાદ જોવા મળશે, પરંતુ બંગાળની ખાડીમાં આગામી 23-30 સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ સેટ થઇ રહી છે. હાલના વેધર ફોરકાસ્ટ જોતા આ ઇફેકટ સારી રહેશે. જો આ સિસ્ટમ જે રીતે ડેવલપ થવા સાથે દિશા તરફ ગતિ કરી રહી છે તે બરોબર રહેશે તો મન્થ એન્ડમાં સારો વરસાદ જોવા મળશે.
ઉપરવાસમાં પણ વરસાદથી ડેમમાં 14 હજાર ક્યુસેકની આવક, ટેસ્કામાં અઢી ઇંચ ખાબકયો
સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત છેતરી રહ્યો છે. જયારે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ દેમાર ઝીંકાઇ રહ્યો છે. ઉકાઇ ડેમના તંત્રવાહકોએ જણાવ્યું હતું કે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં અલગ અલગ ગેજ સ્ટેશન ઉપર ભારે વરસાદ પડ્યો છે.
જેમાં ટેસ્કામાં અઢી ઇંચ, લખપુરીમાં ચાર એમએમ, ચીખલધરામાં અઢી ઇંચ, ગોપાલખેડામાં દસ એમએમ, દેડતલાઇમાં બે ઇંચ, બુરહાનપુરમાં દોઢ ઇંચ, યારલીમાં અગિયાર એમએમ, હથનૂરમાં 14 એમએમ તેમજ ગીરના ડેમમાં એક ઇંચ સહિત ગીધાડેમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી 14 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમની સપાટી 325,74 ફુટ નોંધાઇ છે. હથનૂર ડેમની સપાટી 209.38 મીટર તેમજ હથનુરથી ડિસ્ચાર્જ 41 હજાર કયુસેકસ હતો, જે સાંજે ઘટીને 28 હજાર થયો છે.
સુરત જિલ્લામાં માંડવી અને મહુવામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ માત્ર છબછબિયા કરાવ્યા છે. વિતેલા ચોવીસ કલાકમાં બારડોલીમાં 3 એમએમ, ચોર્યાસી તાલુકામાં 4 એમએમ, કામરેજમાં 7 એમએમ, મહુવામાં 21 એમએમ, માંડવીમાં 27 એમએમ તેમજ ઓલપાડમાં 1 અને પલસાણામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. સુરત સિટીમાં માત્ર 2 એમએમ વરસાદ જ પડ્યો છે