ભૂતકાળમાં જેવી રીતે વેપારીવૃત્તિથી બ્રિટને આખા વિશ્વમાં પગદંડો જમાવી દીધો હતો તેવી જ રીતે હવે ચીન પણ આખા વિશ્વને પોતાના વર્ચસ્વ હેઠળ લાવવા માટે મથી રહ્યું છે. ચીનની વિસ્તારવાદ નીતિ જાણીતી છે. જે તે પ્રદેશ પચાવી પાડવા માટેનું નક્કી કર્યા બાદ ચીન તે માટે ગમે તે હદે જઈ શકે છે. અગાઉ પોતાનો વેપાર વધારવા માટે પાકિસ્તાનને સહાય આપી પોતાના પડખામાં ચીને લઈ લીધું હતું. બાદમાં પીઓકેમાંથી રસ્તો બનાવ્યો. ત્યારબાદ પોતાના વેપારને વધુ સવલતો માટે બાંગ્લાદેશના બંદરોનો ઉપયોગ કરવા માટે ચીન દ્વારા ડોકલામ પર પોતાનો ડોળો સ્થિર કરવામાં આવ્યો. ભારતના પ્રચંડ વિરોધને કારણે ચીન હજુ સુધી ડોકલામ પચાવી પાડવામાં સફળ રહ્યું નથી પરંતુ ચીન શાંતિથી બેઠું નથી અને તેણે વિશ્વના અન્ય નાના દેશોના શાસન પર કબ્જો કરી લેવા માટે પ્રયાસો જારી જ રાખ્યા છે. તાજેતરમાં ચીન દ્વારા શ્રીલંકામાં પોતાનું રાજ સ્થાપવા પ્રયાસો કર્યા અને તેમાં તેને સફળતાં પણ મળી છે. શ્રીલંકાએ હાલમાં જ પોતાના દેશમાં અનેક વિરોધની વચ્ચે પોર્ટ સિટી ઈકોનોમિક કમિશન બિલ પસાર કર્યું છે.
આ બિલ પ્રમાણે ચીનને 269 હેકટર જગ્યા આપવામાં આવશે. ચીન આ જગ્યાનો ઉપયોગ કરીને ત્યાં સ્પેશિયલ ઈકોનોમી ઝોન બનાવશે અને તેમાં શ્રીલંકાના રૂપિયાની બદલે પોતાની કરન્સી યુઆન ચલાવશે. ચીન દ્વારા એવી કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે કે તે નાના અને મજબુર દેશો સાથે સ્થાનિક વિકાસના નામે કરાર કરે છે. આ કરાર કરીને જે તે પ્રોજેકટ માટે પોતાની બેંકમાંથી પૈસા આપે છે. બાદમાં જે તે દેશ નાણાં ચૂકવી નહીં શકે તો ચીન આખો પ્રોજેકટ પોતે હાથમાં લઈ લે છે. આ રીતે ધીરેધીરે ચીન જે તે દેશમાં ઘુસણખોરી કરે છે. ચીનને શ્રીલંકામાં જે જમીન આપવામાં આવી છે તે રાજધાની કોલંબોની નજીક છે. જેથી ચીન પોતાને મળેલી આ જગ્યામાં ધંધા સ્થાપી શ્રીલંકાના કોલંબો પોર્ટનો ઉપયોગ કરશે. ચીન આ પહેલા શ્રીલંકાના હંબનટોટ નામના પોર્ટને પણ ગળી ચૂક્યું છે. હંબનટોટમાં ચીને પોતાના પૈસા લગાડીને પ્રોજેકટો ઉભા કર્યા છે. આ રીતે હવે ચીનનું રાજ જ ચાલી રહ્યું છે.
શ્રીલંકા એવું માની રહ્યું છે કે ચીનના સથવારે તે દેશમાં પ્રગતિ કરશે પરંતુ ચીનની નજર શ્રીલંકાની જમીન અને તેની પ્રાકૃતિક સંપત્તિઓ પર છે. શ્રીલંકાની જેમ અગાઉ પાકિસ્તાનમાં પણ ચીન પગદંડો જમાવી દીધો છે. પાકિસ્તાન સાથે કરેલા કરારો પ્રમાણે આગામી 40 વર્ષ સુધી ગ્વાદર પોર્ટ ચીનના કબજામાં રહેશે. ચીને આ બંદરમાં નૌકાદળ માટે પોતાનો એક બેઈઝ પણ ઉભો કરવાની શરૂઆત કરી દીધી છે. આ રીતે ભવિષ્યમાં યુદ્ધ થાય તો ચીન ગ્વાદર બંદરનો ઉપયોગ પણ કરી શકે છે. જે પાકિસ્તાનની આસપાસના દેશો માટે જોખમીરૂપ છે. ચીન તજાકિસ્તાન, મોટેનેગ્રો, લાઓસ, અંગોલા જેવા નાના દેશોમાં પણ પોતાનો બેઈઝ ઊભો કરી દીધો છે. ચીને એવી રીતે પોતાની જાળ પાથરી છે કે તે વર્લ્ડ બેન્ક અને આઈએમએફ કરતાં પણ વધુ લોન આ નાના દેશોને આપે છે.
નાના દેશને નાણાંની જરૂરીયાત હોય છે અને ચીનની જાળમાં ફસાઈ જાય છે. ચીન બાદમાં તેની જગ્યા પર કબજો કરી લે છે અને આર્થિક તેમજ રાજકીય અત્યાચારો શરૂ કરી દે છે. તિબેટ, હોંગકોંગ જેવા દેશ ઉદાહરણરૂપ છે. જે રીતે ચીન દ્વારા નાના દેશોને પોતાના કબજામાં લઈ પોતાના શાસનનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે તેણે દુનિયાના અન્ય દેશો તો ઠીક પરંતુ ભારત સામે મોટો ખતરો ઊભો કર્યો છે. ચીનની નજીકમાં હોય અને જે દેશ સમૃદ્ધ હોય તેમાં ભારતનો સમાવેશ થાય છે. ચીન આ માટે સતત ભારતના વિસ્તારોને ધીરેધીરે પોતાના કબજામાં લેવા માટે મથામણ કરી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ પર ચીન સતત પોતાનો દાવો કરી જ રહ્યું છે. તાજેતરમાં લદાખમાં પણ ચીને ઘુસણખોરી કરી હતી અને ત્યાં બાંધકામો કર્યાં છે. ભારતે ચીનથી ખુબ સાવધ રહેવાની જરૂરીયાત છે. જે રીતે ચીન નાના દેશોને ગળી રહ્યું તે દેશોને બચાવવા માટે ભારત પણ તેમને નાણાંકીય મદદ કરી શકે છે. ભારત ધ્યાન નહીં આપે તો ચીનને ખાળવું મુશ્કેલ બનશે અને તે ભારતના સાર્વભૌમત્વ માટે મોટો ખતરો છે તે નક્કી છે.