સુરત: દિવાળીના તહેવારમાં મહિલાઓની રસોડામાં હાસ્ય-મજાકની વાતો વચ્ચે બનતી સ્વાદિષ્ટ વાનગીઓ ભુલાતી જાય છે. હવે દિવાળીના ફરસાણમાં ઘરેલું સ્વાદને બદલે રેડિમેડ સ્વાદ વધી ગયો છે. સાથે જ ઘરમાં સાસુ, વહુ, જેઠાણી, દેરાણી, નણંદ વચ્ચેના મીઠાશનો સંબંધોનો સ્વાદ પણ ફીકો પડી રહ્યો છે.
દિવાળીની આવનારી ઋતુ સાથે ઘરમાં સાફસફાઈ, ખરીદી અને મીઠાઈ-ફરસાણ બનાવવાની હોડ શરૂ થતી હતી. એક સમય હતો જ્યારે દરેક ઘરમાં સાસુ, વહુ, જેઠાણી, દેરાણી, નણંદ સહિતની મહિલાઓ ભેગી મળી ચોરાફળી, મઠિયા, ખાખરા, ચેવડો જેવી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરતી. રસોડામાં હાસ્ય-મજાક, વાતો અને પ્રેમભરી જોડાણની સુગંધ ફેલાતી. પરંતુ આજના ઝડપી જીવનમાં આ દૃશ્યો હવે ઈતિહાસ બની ગયાં છે.
હવે મહિલાઓ માટે સમયની અછત, નોકરી-ધંધાની વ્યસ્તતા અને બજારમાં ઉપલબ્ધ તૈયાર ફરસાણની સરળતા જેવાં કારણોએ ઘરના રસોડામાંથી દિવાળીના સ્વાદનો ‘હોમમેઇડ’ તડકો ખોવાઈ ગયો છે. હવે મોટા ભાગનાં ઘરોમાં તૈયાર પેકેટ્સ, મીઠાઈની દુકાનો અને ઓનલાઇન ઓર્ડર વડે દિવાળીની તૈયારી પૂર્ણ થઈ જાય છે.
સંસ્કૃતિ સાથે ‘કનેક્શન’ ખૂટ્યું
જૂના સમયમાં એકસાથે બેસીને ફરસાણ બનાવવાની પરંપરા માત્ર ખોરાકની નહીં, પરંતુ પરિવારવાદ અને જોડાણની ભાવના વ્યક્ત કરતી. એ પ્રસંગો પરિવારના સભ્યોને જોડતા, પ્રેમ અને સહયોગની લાગણી વધારતા. હવે તે સાંસ્કૃતિક જોડાણ ધીમે ધીમે ખોવાઈ રહ્યું છે. વડીલો કહે છે કે “પહેલા દીકરીઓ-વહુઓને રસોઈની કળા શીખવવામાં આવતી, હવે તો બધું રેડિમેડ છે. એકસાથે બેસવાનો, વાતો કરવાનો અને ઘરેલું આનંદ માણવાનો સમય હવે કોઈ પાસે નથી.”
કામકાજી મહિલાઓ માટે આ સૌથી સરળ વિકલ્પ
આજની પેઢી સુવિધા અને સમય બચાવને વધુ મહત્ત્વ આપે છે. મોટાં શહેરોમાં ‘ફેસ્ટિવલ પેકેજ’ તરીકે ફરસાણ-મીઠાઈ ઉપલબ્ધ હોય છે. આ સાથે કામકાજી મહિલાઓ માટે આ સૌથી સરળ વિકલ્પ બની ગયો છે. પરંતુ આ સુવિધા સાથે ઘરની ઉષ્ણતા અને સ્વાદનો પ્રેમ ધીમે ધીમે ગુમ થઈ રહ્યો છે.
પેઢીઓ વચ્ચેના સંબંધોમાં અંતર વધતું જાય છે
જ્યાં એક સમયે દિવાળીની તૈયારી આખા પરિવારને જોડતી હતી, ત્યાં આજે દરેક સભ્ય પોતાના કામ અને ગેજેટમાં વ્યસ્ત છે. પેઢીઓ વચ્ચેના સંબંધોમાં અંતર વધતું જાય છે. વડીલોની અનુભૂતિ પ્રમાણે “પહેલા રસોડું પરિવારનું હૃદય હતું, હવે રસોડું ફક્ત માઇક્રોવેવ અને પેકેટ સુધી સીમિત થઈ ગયું છે.”