National

‘પત્ની વિનાનો વડાપ્રધાન ના હોવો જોઈએ’, લાલુ પ્રસાદ યાદવ આવું કેમ અને કોના માટે બોલ્યા?

નવી દિલ્હી: બિહારના (Bihar) પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (LaluPrasadYadav) ફરી પોતાના અસલ મિજાજમાં આવી ગયા છે. ભાજપને (BJP) 2024 લોકસભા ચૂંટણીમાં હરાવવા માટે જ્યારે તમામ રાજકીય પક્ષો એક થઈ મહાગઠબંધન બનાવી રહ્યાં છે ત્યારે લાલુ યાદવ પણ આ સંઘમાં સામેલ થયા છે અને હવે રોજ અતરંગી નિવેદનો આપીને સમાચારોમાં ચમકી રહ્યાં છે. હવે લાલુ પ્રસાદ યાદવ એવું કંઈ બોલ્યા છે કે તેની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.

મહાગઠબંધનની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવે જાહેરમાં રાહુલ ગાંધીને (RahulGandhi) લગ્ન કરી લેવા માટે કહ્યું હતું અને હવે એક પત્રકારના સવાલનો જવાબ આપતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, પત્ની વિનાનો વડાપ્રધાન (PM) હોવો જોઈએ નહીં. આવું લાલુ યાદવ કેમ અને કોના માટે બોલ્યા? તેની ચર્ચા ઉઠી છે.

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ મેડિકલ ચેકઅપ માટે ગુરુવારે પટનાથી (Patna) દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે 2024માં પીએમ ચહેરાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. લાલુ યાદવે કહ્યું કે જે પણ પીએમ હોય તેને પત્ની વગર ના રહેવું જોઈએ.

ખરેખર લાલુ યાદવને એક રિપોર્ટરે પૂછ્યું હતું કે મહાગઠબંધન તરફથી પીએમનો ચહેરો કોણ હશે? તમે તે દિવસે કહ્યું હતું કે રાહુલે લગ્ન કરી લેવા જોઈએ. તો શું એ સંકેત હતો કે તમે રાહુલ ગાંધીને પીએમ તરીકે જુઓ છે? આ સવાલનો જવાબ આપતા લાલુ પ્રસાદ યાદવે પોતાના આગવા અંદાજમાં કહ્યું કે, જે પણ પીએમ હોય, તે પત્ની વિનાનો ના હોવો જોઈએ. જે વડાપ્રધાન પત્ની વગર રહે છે તે ખોટું છે. આ સમાપ્ત થવું જોઈએ. જે પણ વડાપ્રધાન બને તે પત્ની સાથે હોવા જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગઈ તા. 23મી જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની મિટીંગ મળી હતી. મિટીંગ બાદ જ્યારે તમામ પક્ષોના ટોચના નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણને હળવું કરવા માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ યાદવે કોંગ્રેસના નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુ યાદવે કહ્યું હતું કે, ‘રાહુલ જી, તમે લગ્ન કરી લો, અમે વરઘોડામાં સામેલ થવા માગીએ છીએ, તમારી માતા પણ એ જ ઈચ્છે છે.’ લાલુ યાદવની આ વાત પર રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ હસી પડ્યા હતા.

શરદ પવાર અંગે લાલુ યાદવે શું કહ્યું?
જ્યારે લાલુ યાદવને શરદ પવાર અને અજિત પવાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, શરદ પવાર શક્તિશાળી વ્યક્તિ છે. તેઓ નિવૃત્ત થશે નહીં. ભલે તેઓ વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેશે નહીં. રાજકારણમાં કોઈ નિવૃત્ત થતું નથી.

Most Popular

To Top