જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાંના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેક વાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા તેના આંતરવિરોધને કારણે એક દિવસ તૂટી પડશે અને એ દિવસ બહુ દૂર નથી ત્યારે કલ્પના નહોતી કરી કે ચીની વ્યવસ્થાનું તૂટી પડવું તો બાજુએ રહ્યું, બહુ નજીકના ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે જગતના કહેવાતા સભ્ય દેશો સામે પ્રશ્ન પડશે કે ચીનનો મુકાબલો કેમ કરવો? ચીનને અનુસરીને કે ચીનની સામે સંગઠિત થઈને મોરચો રચીને?
જો તમે ભારતના અને વિશ્વના લોકશાહી દેશોના રાજકારણ ઉપર નજર રાખતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આ દેશો બન્ને દિશામાં ફાંફાં મારી રહ્યા છે. આ દેશોમાં લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોને શિથિલ કરીને ચીનને અનુસરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પાછા લોકતાંત્રિક સભ્ય હોવા માટે ગર્વ પણ અનુભવે છે. ચીનના શાસકો નિયંત્રણમુક્ત આઝાદ છે. આપણે ત્યાં પણ શાસકોને આવી આઝાદી મળવી જોઈએ. તો જ અને તો જ ચીનનો મુકાબલો થઈ શકશે.
આ સિવાય અને આ ઉપરાંત બીજો અભિગમ એવો છે કે ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ. શીતયુગમાં જગતને આનો લાંબો અનુભવ છે. અમેરિકાના નેતૃત્વમાં નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને સોવિયેત રશિયાના નેતૃત્વમાં સીટો (કલેક્ટીવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) તો એ જમાનાના બે વિખ્યાત મોરચા હતા. જાણે કે આખું જગત આ બે દેશોએ વહેંચી લીધું હતું. આ સિવાય આરબ દેશોના, મુસ્લિમ દેશોના અને બીજા મોરચા હતા. વીતેલી સદીનો અનુભવ એવો છે કે કોઈ મોરચા સફળ થયા નથી, પણ એ છતાં મોરચાનો એક રોમાંચ હોય છે. આપણે મળીને પ્રતિસ્પર્ધીને સીધોદોર કરી દઈશું.
ચીનની સફળતાનું રહસ્ય ચીનમાં લોકશાહીનો અભાવ અને ચીની શાસકોની નાગાઈ છે એવું જે કહેવામાં આવી રહ્યું છે એમાં તથ્ય જરૂર છે, પણ સંપૂર્ણ સત્ય નથી. ભારત તો ઠીક, પણ પહેલી હરોળના લોકશાહી દેશો સુદ્ધાં ચીન સામે હાંફી રહ્યા છે એનાં કારણ પણ એ જ છે જે ચીનમાં જોવા મળી રહ્યાં છે. એ છે, લોકશાહી વ્યવસ્થાની અંદર સત્તાકીય સ્વાર્થની નાગાઈ અને લોકશાહી વ્યવસ્થામાં છીંડાં પાડવાં. ભારતની વાત કરીએ તો ભારત હજુ હમણાં સુધી, ૨૧ મી સદીના પ્રભાતે, ૨૧ મી સદીના ટાઇગર અને ચીન પછીના રનર અપ તરીકે ઓળખાતું હતું. શા માટે ભારતે એ તક ગુમાવી દીધી? કારણ દેખીતું છે; કોંગ્રેસ કે ભાજપ, આ સરકાર કે તે સરકાર જશ ન ખાટી જવા જોઈએ. દેશ ભલે ખાડે જાય, પણ તમને જશ ખાટવા નહીં દઈએ એવી જે લોકશાહી અંતર્ગત સત્તાકીય નાગાઈ હતી એનું પરિણામ લોકશાહી દેશોની નિષ્ફળતા અને ચીનની સફળતા છે. ચીનની ઉઘાડી નાગાઈ સામે લોકશાહી દેશોના શાસકોની છૂપી નાગાઈ પરાજીત થઈ છે. લોકશાહી વ્યવસ્થા પરાજીત નથી થઈ.
બીજું, આર્થિક રીતે સંપન્ન લોકશાહી દેશોએ આર્થિક રીતે વિકસી રહેલા કે અવિકસિત ગરીબ લોકશાહી દેશોને ક્યારે દિલથી મદદ કરી છે? જગતના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશે (અમેરિકા) જગતના સૌથી મોટા લોકશાહી દેશ (ભારત)ને ક્યારેય મદદ કરી નથી. દિલથી શું, દિલ વિના પણ મદદ કરી નથી. તેનું મિત્ર તો પાકિસ્તાન હતું. લોકશાહી દેશોએ જેટલા મોરચા રચ્યા છે કે રચ્યા હતા તેના કેન્દ્રમાં પ્રજાકેન્દ્રીય અને પ્રજાલક્ષી લોકતાંત્રિક શાસનવ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ ક્યારેય નહોતો. એ બધા મોરચાઓ કાં તો લશ્કરી હતા અથવા આર્થિક હિતના હતા. ગામના ઉતાર જેવા શાસકો અને એવા શાસિત દેશો અમેરિકા અને બીજા વિકસિત લોકશાહી દેશોના મિત્ર રહ્યા છે.
તો વાતનો સાર એ છે કે લોકશાહી નિષ્ફળ નથી નીવડી, લોકશાહી દેશોમાં શાસન કરનારા શાસકો નિષ્ફળ નીવડ્યા છે. દુષ્ટ શાસકો જગતની શ્રેષ્ઠ શાસનવ્યવસ્થાને પણ નિષ્ફળ બનાવી શકે છે એમ પ્રાચીન યુગથી મનીષિઓ કહેતા આવ્યા છે અને લોકશાહીના ઉદય પછી તો લિંકન અને નેહરુ જેવા અનેક મુત્સદી્ઓ અને રાજનીતિશાસ્ત્રજ્ઞો કહેતા આવ્યા છે. છૂપી નાગાઈ હંમેશા ઉઘાડી નાગાઈ સામે પરાજીત થાય એ સનાતન સત્ય છે. પણ સનાતન સત્ય તો એ પણ છે કે બંધિયારપણું ખુલ્લાપણા સામે હંમેશા પરાજીત થતું હોય છે. તમે તમારા સગાંસંબંધીઓ તરફ એક નજર કરી જુઓ. જે પરિવારોમાં મોકળાશ અને આઝાદી વધુ હશે એ પરિવારો આર્થિક અને બીજી દરેક રીતે વધારે સુખી હશે. મોકળાશ સમૃદ્ધિ રળી લાવે છે એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. બાકી તો છૂપી નાગાઈ ઉઘાડી નાગાઈ સામે હંમેશા પરાજીત થવાની છે.
બીજા વિશ્વયુદ્ધ પછીના સાત દાયકામાં લોકશાહી અર્થવ્યવસ્થા વિકસવી જોઈતી હતી. જો સામ્યવાદનો એટલો બધો ભય હતો અને ભવિષ્યને લઈને ચિંતિત હતા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા સામે લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવી જોઈતી હતી. આવી સલાહ આપવામાં પણ આવી હતી, પણ ત્યારે તેને કાને ધરવામાં આવી નહોતી. ત્યારે લોકશાહી દેશોના શાસકોએ લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવાની જગ્યાએ લોકશાહીનો લાભ લેનારી મૂડીવાદી અર્થવ્યવસ્થા વિકસાવી હતી. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ પરિપક્વ થયા પછી કલ્યાણ રાજને જાકારો આપ્યો અને સાપણ જેમ પોતાનાં બચ્ચાંને જ ખાય એમ લોકશાહીને ખાવાનું શરૂ કર્યું. જેટલી પ્રજાની ભાગીદારી ઓછી એટલો લાભ વધુ. ટૂંકમાં કહીએ તો એક બાજુએ શી ઝિંગપિન્ગોએ અને બીજી બાજુએ લોકશાહી દેશોમાં શેઠજીઓએ જગત આખામાં પ્રજા ઉપર, શાસકો ઉપર, શાસનવ્યવસ્થા ઉપર અને એકંદરે રાજ્ય ઉપર કબજો કર્યો છે. બન્ને પક્ષે પ્રજાને બને એટલી બહાર રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે એક ઉઘાડી નાગાઈ છે અને બીજી છદ્મ નાગાઈ છે અને છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે પરાજીત થઈ રહી છે.
તો પછી આનો ઉપાય શું? આર્થિક રીતે મહાસત્તા બની ગયેલું ચીન લશ્કરી રીતે પણ તાકાતવાન બની ગયું છે અને હવે તો તેનો વિસ્તારવાદ છડેચોક નજરે પડી રહ્યો છે. એશિયા અને પ્રશાંત મહાસાગરના ૧૮ દેશો એવા છે જેની જમીન અથવા પાણી ઉપર ચીને કબજો જમાવ્યો છે કે દાવો કરી રહ્યું છે. ૧૮ એ કોઈ નાની સંખ્યા નથી. જાગતિક રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે. જ્યારે વાસ્તવિકતાનો સામનો ન કરવો હોય ત્યારે અભ્યાસપંચ રચવાનો આપણે ત્યાં શિરસ્તો છે એમ જ્યારે કોરી વાસ્તવિકતા સ્વીકારતા ડર લાગતો હોય ત્યારે મોરચા રચો એવો વિશ્વદેશોનો શિરસ્તો છે. આ ન્યાયે ચીનનો મુકાબલો કરવા માટે ભારત, જપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મળીને ક્વાડ નામે ઓળખાતો quadrilateral security dialogue નામનો ચતુર્ભૂજીય કે ચતુષ્કોણીય મોરચો રચ્યો છે. એની બેઠક ગયા અઠવાડિયે મળી હતી, જેમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા.
ક્વાડનું કોઈ ભવિષ્ય નથી એ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેઓ ક્વાડમાં આવતા હતા અને ભાગતા હતા. ચીનને ગાળો આપતા હતા અને જ્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લેતા હતા. ઓસ્ટ્રેલિયાની નીતિમાં પણ સાતત્ય નથી. આ વખતે ઓસ્ટ્રેલિયાનું વલણ પીછેહઠ કરનારું હતું. ભારતના નેતાઓ હજુ હમણાં સુધી નક્કી નહોતા કરી શકતા કે ચીનના નેતાઓ સાથે હિંચકે બેસીને ઢોકળાં ખાવાં કે પછી મોરચામાં અગ્રેસર રહેવું. ગયા વરસની ગાલ્વાનની ઘટના પછી ભારત માટે ઢોકળાં ખાવાં-ખવડાવવાનો વિકલ્પ બંધ થઈ ગયો છે.
જો ચીનના માર્ગે ચીનનો મુકાબલો કરવો હોય તો ચીનની જેમ ઉઘાડી નાગાઈ કરતાં શીખી લેવું જોઈએ અને જો એ શક્ય ન હોય તો મોકળાશ દ્વારા વિકાસ તરફ લઈ જનારા લોકશાહી માર્ગની ગુણવત્તા સુધારવી જોઈએ. આ અકસીર ઈલાજ છે અને એમાં સાશંક રહેવાની જરૂર નથી. બાકી, ઇન્ડિયા ઈઝ ધ મધર ઓફ ઓલ ડેમોક્રસીઝ પણ કહેવું અને લોકશાહીની ઘોર ખોદવી એ બન્ને સાથે ન ચાલી શકે. આગળ કહ્યું એમ છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે જીતી ન શકે. નેવર, ક્યારેય નહીં, આ સનાતન સત્ય છે. આ બાજુ ચીનના શાસકોએ ચીની પ્રજાને ડરાવવાનું શરૂ કરી દીધું છે કે જુઓ, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે માટે તમારે ખામોશ રહીને શાસકોને મદદ કરવાની છે. સવાલ એ છે કે પ્રજાના ખામોશ રહેવાથી રાજા વધારે શક્તિશાળી બને કે વધારે નાગો બને? વિચારો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.