મતદાર યાદીમાંની માહિતીઓને આધાર સિસ્ટમ સાથે સાંકળવા માટેનો એક ખરડો લોકસભામાં પસાર થયો છે. આ ખરડો મતદાર યાદીમાંની વિગતોને મતદારોના આધાર ડેટા સાથે સાંકળવાની જોગવાઇ ધરાવે છે. આ ખરડો સંસદીય સમિતિ પાસે ચકાસણી કરાવ્યા વિના પસાર કરાવી દેવા સામે વિપક્ષે ભારે વિરોધ કર્યો છે, જો કે સરકાર કહે છે કે સંસદની કાયદા બાબતોની સમિતિ દ્વારા જ આ ખરડાની જોગવાઇઓની ભલામણ કરવામાં આવી હોવાથી હવે તેની સંસદીય પ્રવર સમિતિ પાસે ચકાસણી કરાવવાની જરૂર નથી.
ચૂંટણી કાયદા(સુધારા) ખરડો, ૨૦૨૧ કે જે કાયદા મંત્રી કિરણ રિજિજુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, તે ટૂંકી ચર્ચા પર ધ્વની મતથી પસાર થયો હતો. ચર્ચા દરમ્યાન કેટલાક વિપક્ષી સભ્યોએ માગણી કરી હતી કે આ ખરડો ચકાસણી માટે સંસદીય સમિતિને સોંપવો જોઇએ, પણ વિપક્ષની આ માગણી સરકારે નકારી કાઢી હતી. સોમવારે લોકસભામાં આ ખરડો પસાર થયા બાદ મંગળવારે રાજ્યસભામાં પણ પસાર થઇ ગયો છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બનશે અને તેના પછી ચૂંટણી અધિકારીઓને મતદારો પાસે તેમનો આધાર નંબર માગવાની સત્તા મળી જશે.
આ ખરડો ચકાસણી માટે સમિતિને સોંપવા માટેની માગણી નકારી કાઢતા કાયદા મંત્રીએ કહ્યું હતું કે આ ખરડાની વિવિધ જોગવાઇઓ સંસદની લો એન્ડ પર્સોનેલ સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા જ સૂચવવામાં આવી છે. મંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ કાયદો ચૂંટણી સિસ્ટમને સ્વચ્છ કરશે અને એકથી વધુ એન્ટ્રીઓ નાબૂદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર આ ખરડા પર એક પૂર્ણ ચર્ચા ઇચ્છતી હતી પરંતુ ગૃહમાં ધાંધલ અને ઘોંઘાટને કારણે આવું કરી શકી નથી. વિપક્ષો અનેક મુદ્દે બંને ગૃહોમાં ધમાલ મચાવતા રહે છે અને આવા કેટલાયે ખરડા હાલમાં પૂરતી ચર્ચાઓ વિના જ પસાર કરાવી દીધા છે.
મોટા ભાગના વિપક્ષી સભ્યોએ માગણી કરી હતી કે આ ખરડો ચકાસણી માટે સંસદની ખડી સમિતિને ચકાસણી માટે સંસદની ખડી સમિતિને સોંપવો જોઇએ. ઘણા વિપક્ષી સભ્યોએ માગણી કરી હતી કે આવો અગત્યનો ખરડો પસાર કરતા પહેલા પ્રજાનો મત લેવો જોઇતો હતો. આ ખરડામાં એવી જોગવાઇ છે કે જેઓ મતદાર યાદીમાં નામ નોંધાવવા માગતા હોય તેમને તેમનો આધાર નંબર મતદાર નોંધણી અધિકારી પૂછી શકે છે. આ જ રીતે જેમનું નામ મતદાર યાદીમાં છે જ તેમને પણ મતદાર નોંધણી અધિકારીઓ ખરાઇ માટે તેમનો આધાર નંબર માગી શકે છે.
એક નામ એકથી વધુ મતવિસ્તારોમાં નથી કે એક જ મત વિસ્તારમાં એકથી વધુ વખત નથી ને? તે આના પરથી ચોકસાઇ કરી શકાશે એમ જણાવાયુ઼ં છે. ખરડામાં એવી પણ સ્પષ્ટતા છે કે વાજબી કારણોસર જેમની પાસે આધાર નંબર નથી તેમને આધાર નંબર આપવાની ફરજ પાડવામાં આવશે નહીં અને તેમને બીજા દસ્તાવેજોનો વિકલ્પ આપવામાં આવશે. પ્રથમ દષ્ટિએ જોતા તો આમાં કશું વાંધાજનક લાગતું નથી. સિવાય કે ચૂંટણી અધિકારીઓ દ્વારા આ કાયદા હેઠળ તેમને મળતી સત્તાનો દુરૂપયોગ કરવામાં આવે અને લોકોને પરેશાન કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે.
મનમોહન સિંહની સરકારે જે યોજના શરૂ કરી હતી અને તે સમયે હાલના વડાપ્રધાન જેની ટીકાઓ કરતા હતા તે આધાર ઓળખ કાર્ડ યોજના હવે ખૂબ ઉપયોગી સાબિત થઇ રહી છે અને હાલની મોદી સરકાર આ જ આધારને અનેક રીતે ઉપયોગમાં લઇ રહી છે જે તેની ઉપયોગિતા દર્શાવે છે. આધાર ડેટા એ પ્રમાણમાં ખૂબ ચોક્કસ ડેટા છે અને તેને આવકવેરાના કાયમી ખાતા નંબરો(પાન) સાથે સાંકળવાથી ખૂબ લાભ થયો છે.
હવે સરકાર આધારને મતદાર યાદીઓ સાથે સાંકળવા માગે છે, સ્વાભાવિક રીતે લોકોના મતદાર ઓળખ પત્રો પણ તેમના આધાર ઓળખ પત્ર સાથે સંકળાઇ જશે એમ માની શકાય. આમ થવાથી ડબલ એન્ટ્રિઓ નાબૂદ થશે અને ચૂંટણી વ્યવસ્થા સ્વચ્છ બનશે એવી સરકારની દલીલ વાજબી લાગે છે. હાલમાં એવા નોંધપાત્ર કેસો હશે જેમાં એક મતદારનું નામ એક થી વધુ મત વિસ્તારોમાં બોલાતું હોય, આધાર સાથે મતદાર ઓળખ સાંકળવાથી આ દૂષણ નાબૂદ થશે તો ઘણી સારી બાબત હશે.
આશા રાખીએ કે આ વ્યવસ્થા ઇચ્છિત લાભો આપી શકે. વિપક્ષોએ મતદાર યાદીનો ડેટા આધાર સિસ્ટમ સાથે સાંકળવા બાબતે વિવિધ બાબતે ચિંતાઓ અને વિરોધ વ્યક્ત કર્યા છે. ચૂંટણી પંચે દિલ્હીના રમખાણો વખતે મતદાર યાદીનો ડેટા નિયમનો ભંગ કરીને દિલ્હી પોલીસને આપી દીધો હતો, તેવું આધારના ડેટાની બાબતમાં પણ બની શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની યોજનાનો કોઇ રીતે દુરૂપયોગ નહીં થાય તે બાબતનું સરકારે ધ્યાન રાખવું પડશે.