તા.21-12-21ના મંગળવારના ‘ચર્ચાપત્ર’માં મહેશભાઇ નાયક, નવસારીનો ‘મૃત્યુ પછી છે કોઇ જીવન?’ વિશે વાંચ્યું. તેઓ લખે છે કે – ‘માણસનું જીવન સમાપ્ત થાય પછી એ કયાં જાય છે તે અંગે પ્રશ્નાર્થ મુકે છે. મૃત્યુ પછી શું તે એક રહસ્ય છે.’ હું મારી જાણકારી વહેંચવા ચાહીશ.(1) ભાગવતમાં આત્મદેવ બ્રાહ્મણની કથામાં તેના પુત્ર ધુધુંકારીની કથા છે. તેમાં વર્ણન છે કે સાત દિવસની ભાગવત કથા બાદ પ્રેતયોનિમાંથી વાંસમાં રહેલા ધુધુંકારીની મુક્તિ થાય છે. આ શું સૂચવે છે? (2) આદ્ય શંકરાચાર્ય ‘ચર્પટ પંજરિકા સ્તોત્રમ’માં કહે છે કે- ‘પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનં’ આ વાત શું પુનર્જન્મની સાક્ષી નથી પૂરતી? (3) સમાજમાં આપણે જોઇએ છીએ કે, નાની ઉંમરમાં બાળક પોતાની આગવી વિશિષ્ટતા લઇ જન્મ્યો હોવાની જાણકારી જોવા મળે છે.
તે પછી સંગીત હોય કે શાસ્ત્રીય જ્ઞાન કે ગણિતની જાણકારી કેમ ન હોય? ત્યારે આ પુનર્જન્મની વાત આપણે ચોકકસપણે માનવા પ્રેરાઇએ છીએ. (4) કથામાં સાંભળ્યું છે કે ‘નાના બાળકને લોબીમાં લંબાવીએ તો એ તરત જ પોતાની જાતને બચાવવાની કોશિશ કરશે! એ બતાવે છે કે બાળક અનુભવ લઇને જન્મ્યું છે. મતલબ બીજો જન્મ છે. (5) આ ઉપરાંત ભાગવતમાં ‘જડભરતજી’ની કથા આવે છે. જડભરતજીને હરણમાં આસકિત થઇ. એમની પરોપકારી વૃત્તિને કારણે હરિ ભૂલાયા અને હરણનું ચિંતન શરુ થયું. ‘અંતકાળે જેવી મતિ તેવી ગતિ’ તે ન્યાયે જડભરતજીનો બીજો જન્મ હરણનો થયો! તો શું આ બધી શાસ્ત્રીય વાતો પુનર્જન્મને માન્યતા નથી આપતી? આ જન્મે કરેલાં કર્મને લઇને મનુષ્ય જાય છે અને એને આધારે તેને નવો જન્મ મળે છે.
સચીન – નીલાક્ષી પરીખ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.