National

મુંબઈમાં કોરોનાનું સંકટ વધ્યું: ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ

મુંબઈ: COVID-19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં (Mumbai) ધોરણ 1 થી 9 ની શાળાઓ (Schools) 31 જાન્યુઆરી સુધી બંધ (Closed) રહેશે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોમવારે આ આદેશ જારી કર્યો હતો. BMCએ કહ્યું કે શાળાઓ ધોરણ 10 અને 12 સુધી ખુલ્લી રહેશે. મુંબઈમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશની આ આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસ જોર પકડી રહ્યા છે. 

રવિવારે મુંબઈમાં કોરોનાના લગભગ 8 હજાર કેસ નોંધાયા હતા. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા ચહલે જણાવ્યું હતું કે મુંબઈમાં કોવિડના કેસો વધતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ (Student) માત્ર રસીકરણના (Vaccination) હેતુસર જ શાળામાં જઈ શકે છે. ભારતે સોમવારથી 15 થી 18 વર્ષની વય જૂથના લોકોનું રસીકરણ શરૂ કર્યું છે.

BMC જાન્યુઆરીના અંત સુધીમાં 15 થી 18 વર્ષની વય જૂથના તમામ 4.5 લાખ બાળકોને રસી આપવાની અપેક્ષા રાખે છે. મુંબઈમાં બે અઠવાડિયાના ગાળામાં ચેપનો દર 1% થી વધીને 17% થઈ ગયો છે. રવિવારે મુંબઈમાં દૈનિક 8,000 થી વધુ COVID-19 કેસ નોંધાયા હતા. 

મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે

રવિવારે મુંબઈમાં કોવિડના કેસોમાં દૈનિક વધારા સાથે બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ તમામ નાગરિકોને ‘અત્યંત’ COVID-યોગ્ય વર્તનનું સખતપણે પાલન કરવા, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને ભીડવાળા સ્થળોને ટાળવા વિનંતી કરી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી નોંધાયેલા કેસોમાં થયેલા વધારાને પરિણામે નવેમ્બર મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં મુંબઈમાં કોવિડ કેસોની સંખ્યામાં 252% નો વધારો થયો છે. રાજ્ય સરકારના ડેટા મુજબ મુંબઈમાં ડિસેમ્બરમાં કુલ 21,585 કોવિડ કેસ નોંધાયા હતા જ્યારે સમગ્ર નવેમ્બરમાં માત્ર 6,125 કેસ નોંધાયા હતા. 

રવિવારે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન જાહેર થયું હતું

આ અગાઉ કોરોનાના કેસ વધતા પશ્ચિમ બંગાળમાં રવિવારે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સ્કૂલો બંધ, મેટ્રોમાં 50 ટકા ક્ષમતાથી મુસાફરી સહિતના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top