નડિયાદ: નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી રીટ પીટીશનમાં અરજદાર દ્વારા શહેરની સ્થિતિના લાઈવ ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે. નડિયાદની પરીસ્થિતિ અંગે હાઈકોર્ટમાં 45 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને અંતે કોર્ટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. આ વચ્ચે પણ નડિયાદ નગરપાલિકા રખડતા ઢોરોનું સમાધાન આપવામાં નિષ્ફળ હોય તેવા દ્રશ્યો આજે શહેરભરમાં દેખાયા હતા.
રખડતા ઢોરો મામલે નડિયાદ નગરપાલિકા કોઈ ચોક્કસ એક્શન પ્લાન વગર માત્ર હાઈકોર્ટમાં રીપોર્ટ સબમીટ કરવાના હેતુથી કાગળ પર સમસ્યાનું સમાધાન થઈ ગયુ હોવાના બંડ પોકારી રહી છે. તેમજ નડિયાદમાં આ સમસ્યાનું સમાધાન આવી ગયુ છે, તેવો રીપોર્ટ તૈયાર કરી આર.સી.એમ. કચેરીને મોકલ્યો હતો. જે રીપોર્ટ આર.સી.એમ. કચેરીએ હાઈકોર્ટમાં રજૂ કર્યો.
આ રીપોર્ટ રજૂ કરતાની સાથે જ તે જ દિવસના નડિયાદમાં રખડતા ઢોરના લાઈવ ફોટોગ્રાફ્સ, બિસ્માર રસ્તાના ફોટોગ્રાફ્સ પીટીશનર અને આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા રજૂ કરી દેવાયા હતા. જેથી હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લઈ સરકારને પ્રાથમિક સુવિધાઓ અને રખડતા ઢોર મામલે નડિયાદની સ્થિતિ ખૂબ ગંભીર છે અને તેનું ખાસ ધ્યાન રાખવા ટકોર કરી હતી. એટલુ જ નહીં, પરંતુ કોર્ટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ અને આ અરસામાં ચોક્કસ કાર્યવાહી કરવા જણાવી દીધુ હતુ.
તેમ છતાં આજે 48 કલાકની મુદ્દત વચ્ચે 10 ઓક્ટોબરના રોજ નડિયાદ નગરપાલિકાના ગેટની બહાર જ સાંસદ સુવિધા કેન્દ્રની પાસેના રોડ પર જ ગાયોનું ઝુંડ બપોરે 1:33 કલાકે દેખાયુ હતુ. તો નૂતનનગર સોસાયટીની સામે આવેલી નગરપાલિકાની કચરાની નાની સાઈટ પર પણ 1:26 કલાકે રખડતા ઢોરનું ટોળુ હતુ. એટલુ જ નહીં, કબ્રસ્તાન ચોકડી નજીકથી અમદાવાદી બજાર તરફ જતા રસ્તાના નાકા પર જ ઢોરોનું ઝુંડ બપોરે 1:28 કલાકે દેખાયુ હતુ. જેથી શહેરમાં હજુ રખડતા ઢોરની સમસ્યાનું સમાધાન નથી આવ્યુ તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.