એક માણસ ખુબ જ નિરાશાવાદી હતો…હંમેશા બેચેન અને સતત તેના મોઢા પર કોઈ ને કોઈ ફરિયાદ જ હોય.કોઈ પૂછે ‘કેમ છો ?’ તો કહે , ‘મને શું થયું છે તમે ઈચ્છો છો કે હું બીમાર પડું ??’ કોઈ કહે ,’દુકાન કેવી ચાલે છે ??’ તો કહે , ‘ભાગ્યેજ કોઈ ઘરાક આવે છે.’ કોઈ પૂછે, ‘ઘરમાં બધા કેમ છે ??’ તો કહે , ‘ઘરમાં બધા મને જ હેરાન કરે છે.માતા પિતા નારાજ રહે છે, પત્ની નાની નાની વાતે ઝઘડા કરે છે ,બાળકો સાંભળતા જ નથી.’ આમ આ માણસની ફરિયાદો અને ઉદાસીનતા વધતી જ જતી હતી.તેના ઘરવાળા તે માણસને માનસશાસ્ત્રી પાસે લઇ ગયા.માનસશાસ્ત્રીએ તેમની બધી વાતો સાંભળી અને પછી કહ્યું, ‘તમારા જીવનમાં એવો કોઈ ખાસ તકલીફ નથી જેવું બધાનું ચાલી રહ્યું છે તેવું જ તમારું જીવન ચાલી રહ્યું છે.
બસ તમે તમારી જાતને જે સારું ચાલી રહ્યા છે તે કહેતા નથી અને જે ખરાબ છે તે બોલતા રહો છો.તેથી તમારી ઉદાસીનતા વધી રહી છે અને આ ઉદાસી અને ચિંતા વધતા જ રહેશે. આ ઉદાસી અને ચિંતા દુર કરવા માટે આજથી એક જ કામ કરજે જયારે કોઈ કોઈપણ સવાલ પૂછે તો હંમેશા જવાબ સકારાત્મક શબ્દો સાથે આપજે જેમ કે સારું છે ..સરસ છે ..શાનદાર છે …લાજવાબ છે …બધું સુંદર છે….વગેરે વગેરે શબ્દો વાપરીને જવાબ આપજે.તું જવાબ બીજાને આપીશ પણ આ સકારાત્મક શબ્દો તું બોલીશ અને તું સાંભળીશ એટલે તારી ઉદાસીનતા ઓછી થશે સકારાત્મકતા વધશે. અઠવાડિયા પછી માણસ ફરી માનસશાસ્ત્રી પાસે ગયો.માનસશાસ્ત્રીએ પૂછ્યું, ‘કેમ છો ?’ માણસે જવાબ આપ્યો, ‘એકદમ મજામાં..’ તેમણે બીજો સવાલ પૂછ્યો, ‘દુકાન કેવી ચાલે છે ??’ માણસે જવાબ આપ્યો, ‘ખુબ જ સરસ..’ ત્રીજો સવાલ પૂછ્યો, ‘ઘરમાં બધા કેમ છે?’ માણસે જવાબ આપ્યો, ‘બધા શાનદાર છે..’
માણસે જવાબ તો બધા સકારાત્મક આપ્યા પણ તેના ચહેરા પર તો પહેલા કરતા વધારે ઉદાસીનતા હતી.માનસશાસ્ત્રીએ કહ્યું, ‘અરે વાહ તમારા જીવનમાં આટલી બધી સારી બાબતો બની રહી છે તો પછી ચહેરા પર આટલી બધી ઉદાસીનતા અને ચિંતા કેમ છે??’ માણસે કહ્યું, ‘તમે મારામાં સારા શબ્દો બોલવાની ટેવ પાડી હવે મને મારા આશાવાદ પર ચિંતા થાય છે કે આ સકારાત્મક શબ્દો બોલીને મારામાં આશાવાદ અને ખુશી વધી રહ્યો છે આ વધારે પડતો આશાવાદ મને નુકસાન તો નહિ કરે ને…’ માનસશાસ્ત્રી વિચારવા લાગ્યા કે આશાવાદની પણ ફરિયાદ કરે અને તેમાં ચિંતા કરે આ વિચારસરણીનો તો કોઈ ઉપાય જ નથી. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.