Editorial

ઓક્ટોબર મહિનામાં ગુજરાતની ચૂંટણીની જાહેરાતની કોઇ શક્યતા નથી

ઇલેક્શન કમિશને ગઇકાલે શુક્રવારે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેતા જ ગુજરાતમાં પણ રાજકીય ગતિવિધી વધી જવા માપી છે. ચૂંટણી કમિશને કરેલી જાહેરાત મુજબ હિમાચલ પ્રદેશમાં 12 મી નવેમ્બરના રોજ મતદાન થશે અને 8 મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. છેલ્લાં કેટલાંક સમયથી રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં હતા કે, હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાત અને સંભવ હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ઇલેક્શન કમિશન નિર્ણય કરી શકે છે. PM મોદીની હાકલ બાદ ચુંટણી પંચે પણ વન નેશન વન ઇલેક્શન યોજવા અંગે સહમતિ દર્શાવી હતી.

2022 અને 2023 માં યોજાનારી આ વિધાનસભા ચૂંટણીઓ આ પ્રોજેક્ટનું એક ટ્રેલર હોઇ શકે.  જોકે, ઇલેક્શન કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે, તેવા સવાલનો જવાબ આપતા કહ્યું કે, શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર યોજાવી જરૂરી છે. સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે 40 દિવસનો તફાવત છે એટલે કે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હિમાચલના 68 બેઠકોના આયોજનની સામે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે મોટા આયોજનની
જરૂર પડશે.

પ્રેસવાર્તામાં તેમણે આપેલ સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે હિમાચલના માત્ર મતદાન નહિ પરંતુ મતગણતરી બાદ જ હવે ગુજરાત અને સંભવિત જમ્મુ કાશ્મીર અંગે નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં ગુજરાતમાં એક જ મતદાર હોય કે પછી રાજકારણી કે કોઇ પક્ષના હોદ્દેદાર તમામ વચ્ચે એક જ ચર્ચા  ચાલી રહી છે કે, ચૂંટણીની જાહેરાત ક્યારે થશે? આ વખતની ચૂંટણી એટલા માટે રસપ્રદ રહેવાની છે કારણ કે, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ આમ બે જ પક્ષ ચાલે છે પરંતુ પ્રથમ વખત આમ આદમી પાર્ટીનું ફેક્ટર ઉમેરાયું છે.

જો કે, કેટલાક લોકો એવું માની રહ્યાં છે કે દિવાળી બાદ તરત જ ચૂંટણી કમિશન ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરશે પરંતુ ચૂંટણીની જાહેરાત પહેલી નવેમ્બરે જ થશે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે, 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મતિથી છે. તે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટા સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે કદાચ દેશના વડા પ્રધાન પણ હાજર રહે તેવી શક્યતા છે. આમ પણ ગુજરાતની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામનો ઉપયોગ દરેક પક્ષ કરે જ છે. એટલે આ કાર્યક્રમ બાદ તરત જ પહેલી નવેમ્બરે ચૂંટણી કમિશન ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે.

Most Popular

To Top