મે ક્યારેય દોરડા પર ખેલ કરતા કે રિંગો સાથે શરીરની કસરતો ને કરતબો બતાવતા નટના છોકરાંને જોયાં છે? એની એક ખાસિયત એ હોય છે કે એને જોવાવાળા પ્રેક્ષકોની સંખ્યા ગમે તેટલી હોય પણ એનો ખેલ સરખો જ રહે. સવારનો પહેલો શો હોય એવો જ સાંજનો છેલ્લો અને એવો જ બપોરનો. ઘણી વાર એવું થાય આપણે ત્યાં – શહેરોમાં તો ખાસ કે એમને કોઈ જોતું ના હોય, રસ્તેથી બધા પસાર થઈ જતાં હોય. ત્યારે એક વાર કોઈએ એમને પૂછ્યું કે તમને જોવાવાળું અત્યારે ખાસ કોઈ નથી તો પછી આખો ખેલ અને આટલી બધી કરતબો બતાવવાની શું જરૂર છે? ત્યારે એ નટના છોકરાએ ઉપર આંગળી કરીને કહ્યું કે કોઈ જોવે કે ના જોવે, મારો ઈશ્વર બધું જ જોવે છે. આ ખેલ તો હું એમની સામે કરું છું, બીજાઓને તો એક્સ્ટ્રા જોવા મળે છે.
કેવી અદભુત શાસ્ત્રોના સાર સમી વાતો કરી નાખી એણે. આપણા કરતાં તો એમને જીવનની ફિલસૂફીઓ નું અઢળક જ્ઞાન હોય છે, ક્યારેક આવા લોકોને સાંભળીએ તો જાણવા મળે. એની વે જે સંદર્ભે આજે કહેવું છે એ એ જ છે કે કોઈ નથી જોતું છતાંયે એણે એની પ્રામાણિકતા નથી છોડી અને એની જગ્યાએ આપણે હોઈએ તો..?? (અઘરું છે ને?) જન્મ પછી જે ગુણો કેળવવા પડે છે એમાંનો એક અતિ મહત્ત્વનો ગુણ એટલે પ્રામાણિકતા. આમ તો, પ્રામાણિકતા એ આપણે ત્યાં વાર્તાઓ દ્વારા પછી શીખવાડાય છે એ પહેલાં તો બાળકને મા જ શીખવાડે છે કે,’ આ આપણું રમકડું નથી, આપણાથી ના લેવાય.’ પણ, પ્રામાણિકતાની ખરી શરૂઆત તો આપણા જન્મ પહેલાં આપણી પેઢીઓથી થયેલી હોય છે.
કૂવામાં હોય તો જ હવાડામાં આવે. જનીનિક પ્રકૃતિઓમાંની એક પ્રકૃતિ એટલે પ્રામાણિકતા પણ થાય. જો કે એવું જ હોય એમ ન બને, એને ડેવલપ પણ બહુ સારી રીતે કરી શકાય. આજે નવી પેઢીમાં ક્યાંક ક્યાંક આ લોયાલીટીનું પ્રમાણ લેસ જોવા મળે છે. એ પછી એજ્યુકેશન હોય, જોબ હોય, બિઝનેસ હોય કે રીલેશનશીપ હોય. ઉચ્ચ કારકિર્દીના આશીર્વાદ આપતી વખતે એકાદ આશીર્વાદ કે શીખ પ્રામાણિક રહેજો એવી પણ વડીલોએ આપવી જોઈએ.(પણ હા, વડીલ પોતે હોવા જોઈએ હોં પહેલાં)
આપણે ત્યાં પ્રામાણિકતાને પ્રોત્સાહન બહુ ઓછી રીતે અપાય છે. વળી એક માહોલ એવો પણ ઊભો કરવામાં આવેલો છે કે પ્રામાણિક માણસ હંમેશાં ટીપાતો જ રહે કે પછી ગરીબ જ રહે. (કેમ કે સારી બાબતમાં સાંઠિકા ખૂંચાડવાની ટેવ છે આપણને) પ્રામાણિકતા એ માણસનું ખરું મૂલ્ય છે. અત્યારના સમયમાં પ્રામાણિક રહેવું એ પણ કંઈ અચિવમેન્ટથી કમ નથી અને એના કરતાં પણ મોટું અચિવમેન્ટ છે સતત પ્રામાણિક રહેવું. માણસ તરીકે આપણને જન્મ ઘણી ફ્રીડમ સાથે મળ્યો છે, એવી જ રીતે કેટલીક ફરજો પણ આપણે ભાગે ભોગવવાની આવી છે જેમાંની પ્રામાણિકતા એ સૌથી મોખરે છે. માણસ તરીકે જીવવાના કે જન્મવાના જે જવાબદાર આધારભૂત પરિબળો છે એમાનું એક અગત્યનું એટલે પ્રામાણિકતા, તે ઓપ્શનલ નથી.
ઉપરની વાતમાં બીજાઓ કરતાં તો પોતાની જાત પ્રત્યે, પોતાના ઈશ્વર પ્રત્યે આપણે કેટલાં પ્રામાણિક છીએ કે પછી વાસ્તવિક છીએ એની જ સ્તો વાત છે. બેશક અન્યો પ્રત્યે પ્રામાણિકતાથી વર્તવું એ આપણી જવાબદારી કરતાં પણ વધારે આપણી ફરજ છે. ફરજ ચૂકની માફી ના હોય કેમ કે કોઈ જગ્યાએ આપણે પ્રામાણિક નથી રહ્યાં તો એ આપણે આપણી જાત સાથે કરેલો અપરાધ છે.
થોડી વાર યાદ કરીએ કે શું આપણે પ્રામાણિક છીએ?? જો છીએ તો દરેક જગ્યાએ છીએ કે માત્ર કોઈ એકલ – દોકલ વાત માં જ?? આપણા પરિવાર પ્રત્યે, પાડોશીઓ પ્રત્યે, દોસ્તો પ્રત્યે, અજાણ્યા લોકો પ્રત્યે, ઈશ્વર પ્રત્યે અને સૌથી વિશેષ તો આપણી જાત પ્રત્યે પણ છીએ કે કેમ?? જો આ બધાના જવાબ હકારમાં હોય તો કોંગ્રેચ્યુલેશન, તમે માણસ તરીકે બરાબર જીવો છો પણ એકાદી પણ નાની અમથી ના આવી હોયને તો એ તરફ ધ્યાન દોરજો. અને હા, જ્યારે આ સવાલના જવાબ વિચારો ત્યારે તો એટલિસ્ટ પ્રામાણિક રહેજો. આવા પ્રામાણિક માણસોના દર્શન કરવાથી પણ પુણ્ય મળે છે. નરસિંહે વૈષ્ણવજનમાં લખ્યું છે ને,
“વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે.”
લોયાલીટીના કોઈ લર્નિંગ સેશન ના હોય, એ તો બાય બોર્ન લલાટે લખાવીને જ આવ્યા હોઈએ. આ નટના છોકરાવ તો ભલે દોરડા ઉપર ખેલ કરતાં હોય પણ ખરા ખેલ તો આપણે કરીએ છીએ. પણ તો ય એકાદ લેબલ લોયાલીટીનું લાગી જાય તો એ પણ મોટી સિદ્ધિ છે.