Health

સ્તન કેન્સરથી હવે ડરવાની જરૂર નથી

ભારતીય સ્ત્રીઓને કેન્સરની બીમારી વળગે છે તેમાંથી ચૌદ ટકાને સ્તનનું કેન્સર વળગે છે. લગભગ દરેક જાણકાર અને ભણેલી સ્ત્રીઓને સ્તન અને ગર્ભાશયના કેન્સરની ચિંતા સતાવતી હોય છે. ઘણાને આ બિમારી વારસામાં મળે છે. હોલીવૂડની પ્રસિધ્ધિ અભિનેત્રી એન્જેલીના જોલીના ખાનદાનના DNAમાં જ સ્તનની બીમારી વળગવાની શકયતા 85% જેટલી ઊંચી રહે છે. તેનાથી સાવચેત રહેવા કાજે જ આ પ્રસિધ્ધ સ્વરૂપવાન અભિનેત્રીએ કેન્સર થાય તે અગાઉ જ આગોતરા જામીનની માફક પોતાનાં સ્તન સર્જરી કરાવીને રિમૂવ કરાવી નાખ્યાં છે.

સ્ત્રીઓનું સ્ત્રીત્વ જે અંગથી શોભે છે. સ્ત્રીને કમનીય કાયા અને બાળકને જીવન પ્રદાન કરે છે એ અંગ ભરીયુવાનીમાં ગુમાવી દેવું એ ખૂબ દુ:ખદાયક હકીકત હોય છે. અહીં એ કહેવત અરધી પરધી લાગુ પડે કે સર સલામત તો પઘડિયાં બહોત. કારણકે સ્તનનો કોઇ યોગ્ય વિકલ્પ હજી મળ્યો નથી. માસ્ટેકટોમી અર્થાત સ્તન દૂર કરાવવાની શસ્ત્રક્રિયા બાદ ખાસ તબીબો તે જગ્યાને નોર્મલ બનાવવા માટે થોડો કૃત્રિમ ઊભાર ઘડી આપે છે, પણ તે મૂળ છાતીની જગ્યા લઇ ન શકે. છતાં એન્જેલીના જેવી ઘણી સ્ત્રીઓએ કૃત્રિમતાથી દૂર રહેવા અને ફલેટ અથવા સપાટ છાતી સાથે જીવવાનો નિર્ધાર કર્યો છે. એન્જેલીના અને એકટર પતિ બ્રાડ પિટની જોડી હોલીવૂડમાં ખૂબ મશહૂર ગણાતી હતી. એન્જેલીનાએ છાતી દૂર કરાવી પછી પતિ બ્રાડ પિટ પણ દૂર થઇ ગયો છે. એણે એન્જેલીનાને હેરાન પરેશાન કરીને છૂટાછેડા આપી દીધા.

તો આ છે સ્તન કેન્સરની ભયાવહતા. પણ હવે વિજ્ઞાનના વિકાસ સાથે એ ભયાવહતા, સ્તન જીવન ગુમાવવાની સંભાવના ખૂબ મોટા પાયે ઓછી થવાની છે. ભારતમાં સર્વાઇકલ કેન્સર કરતા પણ સ્તન કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. હજી ગયા ઓકટોબરને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ (મહિના) તરીકે ભારત અને દુનિયામાં પાળવામાં આવ્યો હતો. ગ્લોબોકોન 2020 ના એક સર્વે પ્રમાણે ભારતમાં પ્રત્યેક 4 મિનિટે એક મહિલાને સ્તન કેન્સરની બિમારી વળગવાનું નિદાન થાય છે. ચિંતાજનક બાબત એ છે કે જે 1 લાખ 78 સ્ત્રીઓને આ કેન્સર લાગુ પડે છે તેમાની 90,000 સ્ત્રીઓનાં દર વરસે મૃત્યુ નીપજે છે.

બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક 8 મિનિટે બ્રેસ્ટ કેન્સરથી પીડિત એક સ્ત્રીનું અવસાન થાય છે. અર્થાત 50% બ્રેસ્ટ કેન્સર પીડિત સ્ત્રીઓનાં મૃત્યુ નીપજે છે. આજે ઘણી બહેનો સ્તન કેન્સર વળગવાની ધાસ્તીથી હાઇપોકોન્ડ્રીઆ પ્રકારનો માનસિક ડર ધરાવતી થઇ જાય છે. તેઓને કહેવામાં આવ્યું છે કે સ્તનનું કદ વધી જાય અથવા અચાનક નાનું થઇ જાય તો નિષ્ણાંત ડોકટરને બતાવી દેવું. સ્તન જાતે દબાવીને જોઇ લેવું કે અંદર કોઇ ગાંઠ કે ટયુમર જેવું કશું હાથમાં આવે છે ખરુ?

સ્તનની નીપલ પણ જો અંદરની તરફ વળેગી કે ઝૂકેલી જોવા મળે અથવા તેના સ્થાન અને શેપમાં ફેરફાર જોવા મળે તો પણ નિષ્ણાત તબીબને બતાવી દેવું. દરેક ગાંઠ કેન્સરની ગાંઠ જ હોય એવું નથી હોતું. નિર્દોષ ગાંઠ પણ હોઇ શકે. પરંતુ કેન્સરની બાબતમાં જેટલું જલ્દી નિદાન થાય એટલું વધારે સારું. તેથી આ અવેરનેસને કારણે સમયસર ઇલાજ થઇ રહ્યાં છે અને મોટાં નુકશાનો ટાળવામાં આવી રહ્યાં છે. છતાં સ્વાભાવિકપણે જ ઘણી મહિલાઓને તે ચિંતા સતાવતી રહે છે. એન્જેલીના જોલીના ખાનદાનના DNA થોડા અલગ છે, છતાં એન્જેલીનાએ સ્તન દૂર કરાવ્યા હોત તો પણ એને કેન્સર થયું ન હોત.

ઓવરઓલ આંકડો જોઇએ તો જિનેટિક કારણસર અર્થાત કૌટુંબિક લોહી (DNA) ના કારણે જે બ્રેસ્ટ કેન્સર લાગુ પડે છે તેની ટકાવારી અથવા શકયતા કુલ કેસમાં 5થી 10 ટકા હોય છે. હવે બ્રિટનના વિજ્ઞાનીઓએ જે દવા શોધી કાઢી છે તે સ્ત્રીઓને કદાચ બેસ્ટ કેન્સરમાંથી બિલકુલ નિજાત તો નહીં અપાવે, પરંતુ કેન્સરને આગળ વધતુ જરૂર અટકાવે છે અને સ્ત્રીઓના આયુષ્યમાં નોંધપાત્ર વધારો કરે છે. કેપીવાસેરટીબ નામક નવી ઔષધીની સાથે સાથે હોર્મોન થેરપીનો સમન્વય કરવામાં આવ્યો અને તેની ત્રીજા તબકકાની ટ્રાયલ પણ પૂરી થઇ.

પરિણામોમાં જણાયું કે જે સ્ત્રીઓના સ્તનમાં ગાંઠ વધી ગઇ હતી તે પણ સંકોડાઇ ગઇ, કદ નાનું થયું અને અમુકને બીમારી લાગુ પડી હતી તે ડેવલપ થવામાં પણ બમણો સમય લાગ્યો. તેનો અર્થ એ કે કેન્સરના તબકકાઓ આગળ વધવામાં પણ ઘણો સમય લાગે છે તેથી અસરકારક ઇલાજ માટે પણ પૂરતો સમય મળી રહે છે. બ્રેસ્ટ કેન્સરમાં જે સૌથી વધુ કોમન કેન્સર છે તે આગળ વધી ગયા હશે તો પણ આ નવી ટ્રીટમેન્ટ વડે તેનું અસરકારક નિવારણ થઇ શકશે. બ્રિટિશ વિજ્ઞાનીઓનું કહેવું છે કે દર વરસે એકલા બ્રિટનમાં જ 8000 સ્ત્રીઓને જીવતદાન મળશે.

કેન્સરનાં જે નવા કેસો આવે છે તેમાંની 10માંથી 7 સ્ત્રીઓની સફળતાપૂર્વક સારવાર થઇ શકશે. હાલમાં જે સારવારની પધ્ધતિઓ ઉપલબ્ધ છે તેમાં અમુક આગળ વધી ગયેલાં કેન્સરો ગાંઠતાં નથી, પણ નવી ટ્રીટમેન્ટ તેઓને પણ કાબુમાં રાખવામાં સફળ થઇ છે. જેમ કે ER પોઝિટિવ HER ટુ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર હમણાના ઇલાજોને ગાંઠતું નથી, પણ નવી ટ્રીટમેન્ટ વડે એ દરદીઓના આયુષ્યમાં પણ વધારો થશે. જે સ્ત્રીઓનાં સ્તનનાં કેન્સર સ્તનમાંથી હાડકાં અને છાતીની દિવાલ સુધી પ્રસરી ગયા હોય તેઓનો પણ નવી થેરપી વડે ઇલાજ શકય બને છે.

તેઓનું કેન્સર આગળ વધતું અટકી જાય છે. કોઇ નવી ગાંઠો પેદા થતી નથી. વળી હાલમાં જે કીમોથેરપીનો ઇલાજ સામાન્ય ગણાય છે તેના થકી દરદી બેહાલ, અધમૂઆ જેવી થઇ જાય છે. પરંતુ નવી ટ્રીટમેન્ટ કિમોથેરપી જેટલી નકારાત્મક અસર કરતી નથી. લંડનની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટ ખાતે પ્રસિધ્ધ દવા નિર્માતા કંપની અસ્ટ્રાઝેનેકા દ્વારા આ દવાનું સંશોધન થયું છે. નવી ઔષધી વડે એકેટી નામના, કેન્સરને પ્રોત્સાહન આપતાં પ્રોટીન તત્વો, મોલેકયુલ્સને કાબુમાં રાખી શકાય છે. તેઓની ભાંગફોડિયા પ્રવૃત્તિને અટકાવી શકાય છે. એકલા UKમાં જ બ્રેસ્ટ કેન્સરને કારણે દર વરસે 11,500 સ્ત્રીઓનાં મરણ નીપજે છે. તેમાંની 8000 થી વધુ મહિલાઓને હવે બચાવી શકાશે. વળી આ નવી ટેકનિક વડે અન્ય પ્રકારના કેન્સરોની સારવાર કે ઇલાજ શોધી કાઢવામાં મદદ મળશે. અશ્વેત પ્રજામાં સ્તન કેન્સરોનું પ્રમાણ વધુ છે. દર વરસે એકલા બ્રિટનમાં જ 55,000 સ્ત્રીઓને સ્તન કેન્સર લાગ્યાનું નિદાન થાય છે. આમાંની મોટા ભાગની સ્ત્રીઓ હવે રાહતનો દમ લઇ શકશે.

Most Popular

To Top