ભારતને જે પડોશીઓ મળ્યા છે તે પૈકી ચીન અને પાકિસ્તાન સાથે દાયકાઓથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉકેલ મળી શકતો નથી. બાંગલા દેશ સાથે પણ ભારતના ભાગલા થયા ત્યારથી જમીનોનો વિવાદ ચાલી રહ્યો હતો, જેનો સુખદ ઉકેલ છેક ભાજપના રાજમાં આવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૮૫ એકરનું ક્ષેત્રફળ ધરાવતા કચ્છટીપુ ટાપુનો વિવાદ ચાલતો હતો, જેનું સમાધાન વર્ષ ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીના રાજમાં કરવામાં આવ્યું હતું. તામિલનાડુમાં સત્તામાં આવતા પક્ષો ડીએમકે અને અન્ના ડીએમકે તેનાથી નારાજ હતા, પણ તેમના વિરોધને અવગણીને ઇન્દિરાએ સંધિ કરી હતી. હવે પૂરાં ૫૦ વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છટીવુનો મુદ્દો પાછો ઉખેળીને વિવાદનો મધપૂડો છંછેડ્યો તેની પાછળ રાજકીય ગણતરીઓ છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તામિલનાડુમાં ભાજપનો કોઈ ભાવ પણ પૂછતું નથી. તેવા સંયોગોમાં કચ્છટીવુનો મુદ્દો પુનર્જીવિત કરીને નરેન્દ્ર મોદી તમિળ પ્રજાના મતો મેળવવા માગે છે. જો તેમને સફળતા મળી જાય તો પણ ભારતના શ્રીલંકા સાથેના સંબંધો બગડી જશે.
કચ્છટીવુ એ પાલ્કની સામુદ્રધૂનિમાં આવેલો એક નાનો નિર્જન ટાપુ છે, જે બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. આ ટાપુ શ્રીલંકા અને રામેશ્વરમ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે શ્રીલંકાના તમિળો અને તમિલનાડુના માછીમારો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ટાપુ ૧૪મી સદીમાં જ્વાળામુખી ફાટવાના કારણે બન્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. કચ્છટીવુ ટાપુ તામિલનાડુના રામનાથપુરમના રાજા હેઠળ હતો અને બાદમાં તે મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યો હતો. ૧૯૨૧માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ ટાપુ પર દાવો કર્યો હતો. ૧૯૭૪માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાઈકે સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા તે પછી કચ્છટીવુ શ્રીલંકાનો બની ગયો હતો.
બંને દેશોના માછીમારો એકબીજાની જળસીમામાં લાંબા સમયથી કોઈપણ વિવાદ વિના માછીમારી કરી રહ્યા હતા. ભારત-શ્રીલંકાએ મેરીટાઇમ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા ત્યારે આ મુદ્દો ઉભો થયો હતો. આ કરારો ભારત અને શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાને ચિહ્નિત કરે છે. આ કરારનો હેતુ પાલ્કની સામુદ્રધૂનિમાં સંસાધન વ્યવસ્થાપન અને કાયદાના અમલીકરણને સરળ બનાવવાનો હતો. આ કરાર પછી ભારતીય માછીમારોને માત્ર આરામ કરવા, જાળ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ઉત્સવ માટે કચ્છટીવુ ટાપુનો ઉપયોગ કરવાની છૂટ હતી. તેમને માછીમારી માટે ટાપુનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. સમસ્યા ત્યારે ગંભીર બની જ્યારે ભારતીય જળસીમામાં માછલીઓ અને જળચરોના પ્રમાણમાં તીવ્ર ઘટાડો થયો, જેના પરિણામે આ પ્રદેશમાં ભારતીય માછીમારોની સંખ્યામાં વધારો થયો હતો. તેઓ આધુનિક ફિશિંગ ટ્રોલીનો પણ ઉપયોગ કરી રહ્યા છે, જે ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. જો ભારતના માછીમારો કચ્છટીવુના દરિયામાં માછીમારી કરે તો શ્રીલંકા દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે.
તામિલનાડુના માછીમારોને ખુશ કરવા માટે ૧૯૯૧માં તમિલનાડુ વિધાનસભાએ કચ્છટીવુ ટાપુ ભારતને પરત કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. એલટીટીઇના સમય દરમિયાન શ્રીલંકાની સરકારે લશ્કરી કાર્યવાહીને કારણે તેના માછીમારોને કચ્છટીવુની નજીક સમુદ્રના પાણીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ભારતીય માછીમારો માટે આ એક મોટી તક મળી ગઈ હતી. ૨૦૦૯માં શ્રીલંકાએ પાલ્કની સામુદ્રધૂનિમાં દરિયાઈ સરહદ પર કડક દેખરેખ શરૂ કરી હતી. તેનો ઈરાદો તમિળ બળવાખોરોને દેશમાં પાછા ફરતા અટકાવવાનો હતો. યુદ્ધ સમાપ્ત થયા પછી શ્રીલંકાના માછીમારોએ ફરીથી આ વિસ્તારમાં જવાનું શરૂ કર્યું અને આ પ્રદેશ પર દાવો કર્યો હતો.૨૦૦૮માં તામિલનાડુનાં તત્કાલીન મુખ્ય મંત્રી જયલલિતા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયાં હતાં અને તેમણે કચ્છટીવુ ટાપુ અંગેના શ્રીલંકા સાથેના કરારને અમાન્ય જાહેર કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે શ્રીલંકાને કચ્છટીવુની ભેટ ધરવી તે ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટમાં તેનો ચુકાદો આવ્યો નહોતો, પણ તામિલનાડુના શાસકો દ્વારા કચ્છટીવુના વિવાદને જીવતો રાખવામાં આવ્યો છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે કચ્છટીવુનો મુદ્દો ઉઠાવવા જણાવ્યું છે, જેમાં શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા તમિળ માછીમારોની અટકાયત અને તમિળોની ભાવનાનો સમાવેશ થાય છે. સ્ટાલિને પત્રમાં જણાવ્યું હતું કે કચ્છટીવુ ટાપુ ભારતનો એક ભાગ છે અને તમિલનાડુના માછીમારો પરંપરાગત રીતે ટાપુની આસપાસના પાણીમાં માછીમારી કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પર હુમલો કરવા માટે કચ્છટીવુનું ધારદાર હથિયાર મળી ગયું છે. તામિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી આ મુદ્દો જેટલો વધુ ચગે તેટલો ભાજપને રાજકીય લાભ થાય તેમ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છટીવુ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું કચ્છટીવુ ભારત માતાનો ભાગ નથી? તે સમયે શ્રીમતી ઈન્દિરા ગાંધીનું શાસન હતું. કોંગ્રેસ પાસે ભારત માતાને વિખેરી નાખવાનો ઇતિહાસ છે.
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નવાં તથ્યો દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસે કચ્છટીવુ ટાપુને નિર્દયતાથી છોડી દીધો હતો. દરેક ભારતીય આનાથી ગુસ્સે છે અને લોકોના મનમાં એવું બેસી ગયું છે કે આપણે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ નહીં. ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નુકસાન પહોંચાડવું એ ૭૫ વર્ષથી કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી રહી છે.
તેમની ટિપ્પણી તમિલનાડુ ભાજપના વડા અન્નામલાઈના રાઇટ ટુ ઇન્ફોર્મેશનના જવાબના આધારે આવી છે. ભાજપના નેતાએ ઈન્દિરા ગાંધીના કચ્છટીવુ ટાપુને સોંપવાના નિર્ણય અંગે વિગતો માંગી હતી. આ પહેલી વાર નથી જ્યારે મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હોય. ૨૦૧૪માં જ્યારે તેઓ ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે નરેન્દ્ર મોદીએ માછીમારોને વચન આપ્યું હતું કે જો તેમને મત આપવામાં આવશે તો આ મુદ્દો કાયમી ધોરણે ઉકેલાઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છટીવુનો મુદ્દો ઉઠાવ્યા પછી તરત જ કૉંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કઝગમ બંને સાથી પક્ષોએ મોદીની તેમની ટિપ્પણી માટે ટીકા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેને ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીની નિરાશા ગણાવી હતી. તેમણે ૨૦૧૫ના બાંગ્લા દેશ જમીન સીમા કરાર તરફ ધ્યાન દોર્યું હતું, કે જેના કારણે બાંગ્લાદેશના ૫૫ ભૂખંડ સામે ભારતના ૧૧૧ ભૂખંડની અદલાબદલી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે કહ્યું હતું કે આ કરાર માત્ર જમીનની પુનર્વહેંચણી વિશે નથી, તે હૃદયના જોડાણ વિશે છે.
ભારત સરકારના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ૧૯૭૪માં થયેલા એક કરાર મુજબ કચ્છટીવુ શ્રીલંકામાં ગયો હતો. જો તમે કચ્છટીવુ પાછો મેળવવા ઈચ્છતા હોવ તો તેને માટે તમારે યુદ્ધ કરવું પડશે. દરમિયાન અમેરિકાના એક અખબાર દ્વારા ચોંકાવનારો હેવાલ બહાર પાડવામાં આવ્યો છે કે ૨૦૧૫માં બાંગ્લા દેશને ૧૧૧ ભૂખંડ ભેટ ધરવામાં આવ્યા તેના બદલામાં અદાણી જૂથને બાંગ્લા દેશને વીજળી પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. જો આ આક્ષેપ સાચો પુરવાર થાય તો ભાજપ સરકાર માટે મુશ્કેલી પેદા થઈ શકે છે.
–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે