સ્ટાર્સના સંતાનોને જ સારી તક મળે છે અને સફળ જાય છે એ ધારણા સરાસર ખોટી છે. કાર્તિક આર્યન કોઇ ફિલ્મી પરિવારમાંથી નથી આવ્યો અને મુંબઇના ફિલ્મ જગત સાથે તેને કોઇ નાતો પણ નહોતો. હકીકતે તેને મુંબઇ સાથે લેવાદેવા જ ન હતી પણ હવે મુંબઇમાં તે સારી સગવડવાળું ઘર ધરાવે છે. શરૂઆત તેણે પેઇંગ ગેસ્ટથી કરેલી પણ આજે આલીશાન ઘરઅને લકઝરી કારનો માલિક છે. પંજાબી અભિનેતાઓ તેનાથી સારું શરીર ધરાવતા હોય છે. કાર્તિકની તો હાઇટ પણ વધારે નથી અને છતાં સકસેસ છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો કાર્તિક મુંબઇના વર્સોવામાં દોઢ કરોડનો ફલેટ ધરાવે છે. જે ઘરમાં તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો એ હવે પોતાનું છે. સાડા ચાર કરોડની લેમ્બોર્ગિની ઉપરાંત બીએમડબલ્યુ કાર ધરાવનાર કાર્તિક મોડી રાત રોયલ એન્ફીલ્ડ બાઇક પર ફરવા નીકળી પડે છે. કાર્તિક એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ ફી લે છે ને લગભગ 16 જેટલી બ્રાન્ડનો પ્રચાર કરે છે. સમજો કે તેને ચાંદી થઇ ગઇ છે.
હમણાં જ 32ના થયેલા કાર્તિકની ‘ફ્રેડી’ ફિલ્મ આ બીજી ડિસેમ્બરે રજૂ થવાની છે. જો કે થિયેટરમાં નહી ડીઝની+ હોટસ્ટાર પર. કાર્તિકને એનો વાંધો નથી કારણ કે ફિલ્મ સારી હોય તો કોઇ પણ પ્લેટફોર્મ પર સફળ થઇ શકે છે. થિયેટરમાં રજૂ થનારી ફિલ્મને મોટી ગણવાનો રિવાજ હવે કોઇ રાખતું નથી. ‘ફ્રેડી’માં તે ફ્રેડી જિનવાલાનું પાત્ર ભજવે છે જે એકલો શરમાળ દંત ચિકિત્સક છે પણ રાત થતાં જ તે હત્યારો બની જાય છે. પ્રેમ અને ઘેલછા વચ્ચે તે ઝૂલે છે. કાર્તિક સાથે આ ફિલ્મમાં અલાયા કે છે. કાર્તિકે આજ સુધી જે પ્રકારની ભૂમિકા નથી ભજવી તેવી આ ભૂમિકા છે. એક અર્થમાં તે તેની ઇમેજને આગળ વધારી રહ્યો છે. જેણે મોટા સ્ટાર તરીકે આગળ વધવું હોય તેણે આમ કરવું જરૂરી છે ને બધી ભૂમિકામાં જો પ્રેક્ષકો સ્વીકારે તો સમજવાનું કે તે રિયલ સ્ટાર મટિરીઅલ છે.
એકતા કપૂર નિર્મીત ‘ફ્રેડી’ કાર્તિકની આ વર્ષની સુપરહીટ ફિલ્મ ‘ભુલભુલૈયા-2’ પછી રજૂ થઇ રહી છે. 2011થી 2022 સુધીમાં આ તેની 13મી ફિલ્મ છે અને 13માંની અડધી ફિલ્મો સફળ રહી છે. એક નવા સ્ટાર માટે આ મોટી ઉપલબ્ધી ગણાય. આ 11 વર્ષમાં તેણે કયાંક પછડાટનો પણ અનુભવ કરવો પડયો છે. કરણ જોહરે તેને ‘દોસ્તાના-2’માં લીધેલો અને 20 દિવસના શૂટિંગ પછી પડતો મુકેલો. કરણ પડતો મુકે તો આખી ઇન્ડસ્ટ્રી કાર્તિક માટે નકારાત્મક બની શકે પણ એવું બન્યું નથી. અત્યારે તે ક્રિતી સેનોન સાથે ‘શહઝાદા’માં કામ કરે છે જે ભુષણકુમારની ફિલ્મ છે. ‘સત્ય પ્રેમકી કથા’ સાજિદ નડિયાદવાલાની છે જેમાં તે કિયારા અડવાણી સાથે છે. આ ઉપરાંત ‘આશિકી-3’માં પણ તે કામ કરે છે. અગાઉ સફળ રહેલી ફિલ્મોની સિકવલ મળે તો તેની સ્ટાર તરીકેની વેલ્યુ પણ વધે છે. લોકો સામે આગળની ફિલ્મોનો સંદર્ભ હોય છે. કાર્તિક આર્યન અત્યારે ડિમાંડમાં છે અને વરુણ ધવન, ટાઇગર શ્રોફ, શાહીદ કપૂર વગેરેથી પણ સારી પોઝીશનમાં છે. •