દર વર્ષે 3 જુનને આખા વિશ્વમાં બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. સાયકલ એ એવું વાહન છે જે પ્રદુષણ ફેલાવતું નથી એટલે તે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે અને ઓબેસિટી ઘટાડતું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. એક જમાનો એવો હતો કે સાયકલ સ્ટેટ્સ સિમ્બોલ ગણાતું. પૈસે ટકે સુખી લોકો પાસે જ સાયકલ હતી. જેને પછીથી વિસારે પાડી દેવામાં આવી. પછી લોકો રોગોથી દૂર રહેવા માટે જેમ જેમ ફિટનેસ પ્રત્યે અવેર થયા તેમ લોકો સાયકલિંગને અપનાવવા લાગ્યા. એની પાછળનું એક કારણ કોરોના પણ રહ્યું.
આજે તમે નહીં માનો પણ સુરતના 50 હજાર કરતા વધારે યંગ સ્ટર્સ, અને ફિટનેસ દિવાના લોકો રોજના 75 મિનિટ સાયકલિંગ કરી પોતાને ફિટ રાખી રહ્યા છે. સાયકલિંગનો એટલો ક્રેઝ વધ્યો છે કે હવે સાયકલીસ્ટના ગ્રુપ બનવા લાગ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (U.N.O.) એ 2018 થી દરવર્ષે 3 જુનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું. તો આવો આ દિવસને લઈને આપણે એવા સુરતી યંગસ્ટર્સ અને સાયકલીસ્ટ ગ્રુપ પાસેથી જાણીએ કે તેઓએ કેમ સાયકલિંગને તેમના જીવનનો હિસ્સો બનાવ્યો હતો. સાયકલીસ્ટ ગ્રુપ અઠવાડિયાના ક્યાં એક દિવસને સાયકલિંગ ડે રાખે છે? સોલો અને ગ્રુપ સાયકલિંગના ફાયદા-ગેરફાયદા શું છે?
હું સાયકલિંગથી લોકોને જોડવાનું કામ કરૂં છું: અનિલ મરડીયા
અનિલ મરડીયાએ જણાવ્યું કે, હું પહેલાં જિમમાં બોડી બિલ્ડીંગ કરતો હતો પણ બોડીની ફ્લેકસીબીલીટી ઓછી થઈ હતી. મને ડોક્ટરે સાયકલ ચલાવવા કહ્યું એટલે મેં 2009-10થી સાયકલિંગ શરૂ કર્યું. 2016મા મેં સુરત સાયકલીસ્ટ ગ્રુપ બનાવ્યું જેમાં ઘણા સકયકલીસ્ટ જોડાયેલા છે. દર 15 દિવસે સાયકલિંગની ઇવેન્ટ કરી લોકોને જોડવાનું કામ કરૂં છું. અમારું ગ્રુપ ડુમસ, V.I.P. રોડ, S.V.N.I.T. ટ્રેક પર સાયકલિંગ કરે છે. મને એક ઇન્ટરનેશનલ સંસ્થા.દ્વારા બાયસીકલ મેયર ઓફ સુરત બનાવવામાં આવેલો છે. આમાં મારું કામ લોકોમાં સાયકલિંગ પ્રત્યે અવેરનેસ લાવવાનું છે. સાયકલિંગને કારણે મેં રીગન ડાયટ ફોલો કરવાનું શરૂ કર્યું જેમાં મેં ડેરી પ્રોડક્ટને અવોઇડ કરું છું.
સાયકલિંગથી મને મેડીટેશન જેવો અનુભવ થાય છે : મનીષા તિવારી
મનીષાબેન તિવારીએ જણાવ્યું કે મારા હસબન્ડ સારા સાયકલીસ્ટ છે. તેમને કારણે મને સાયકલિંગનો શોખ જાગ્યો. વળી, કોરોના કાળમાં હું સાયકલિંગ તરફ વળી, હતી. મેં હાલમાં જ મનાલીથી લેહ-લદાખ અને ત્યાંથી ખરદુંગલા સુધી સાયકલિંગ કર્યું છે. હું રોજ સવારે 5 વાગ્યાંથી દોઢ કલાક સાયકલિંગ કરું છું જ્યારે વિકએન્ડમાં 100 કી. મી. સુધી સાયકલિંગ કરું છું. હું સોલો સાયકલિંગ પણ કરું છું અને સોલો સાયકલિંગમાં તમે પોતાની સાથે કનેક્ટ થતા હોવ છો. જ્યારે ગ્રુપ સાયકલિંગમાં લોન્ગ ડિસ્ટન્સ જતા હો ત્યારે બોર નથી થતા અને મોટિવેશન લેવલ હાઈ રહે છે. મેં 35 હજારની હાઇબ્રીડ બાઇક, સાયકલ ખરીદવા પર્સનલ ખર્ચઅો પર કટ મુક્યો હતો.
અમારા 80 સાયકલીસ્ટના ગ્રુપનો દર ગુરુવાર સાયકલ ડે હોય છે: ડૉ. ધર્મેશ બલર
ડૉ. ધર્મેશ બલરે જણાવ્યું કે અમારા 80થી વધારે મિત્રોનું તાપી રાઈડર સાયકલીસ્ટ ગ્રુપ છે. શરૂઆતમાં અમે મિત્રો દર રવિવારે કાપોદ્રાથી પાર્લેપોઇન્ટ સ્થિત અંબાજી મંદિર સુધી વૉકિંગ કરતા. પણ રસ્તામાં લોકોને સાયકલિંગ કરતા જોઈ અમને પણ રોજ સાયકલિંગ કરવાનું મન થયું. પછી અમે સ્કૂલ સ્ટુડન્ટ્સની સાયકલ લઈ રોજનું સાયકલિંગ કરવા લાગ્યાં. પછી અમે અમારી રોડ બાઇક સાયકલ ખરીદી. અમે દર ગુરુવારે સાયકલ ડે રાખીએ છીએ. સવારે 5 કલાકે સાયકલ પર કાપોદ્રાથી કામરેજ થઈ સેવણી ગામ સુધી જઈએ છીએ. ત્યાંથી રિટર્ન થતી વખતે અમે મિત્રો નાસ્તાની મિજબાની કરી નાનકડું ગેટ ટૂ ગેધર કરી લઈએ છીએ. સોલો સાલકલિંગથી શું સાયકલ મેકેનીઝમ શીખ્યો છું. પંક્ચર જાતે કાઢુ છું.