Comments

શિક્ષણ ક્ષેત્રે ડિજીટલ પેમેન્ટનો (કેશલેસ) વ્યાપ વધારવાની જરૂર છે

દેશ ડીજીટલ ટ્રાન્ઝેકશન તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે રોકડ વ્યવહારો ઓછા થાય અને કેશલેસ વ્યવહારો વધે. આનાથી આર્થિક લેવડદેવડની પારદર્શિતા વધે. કાળું નાણું અને તેના વ્યવહારો ઘટે! આ બધા જ મુદ્દાની વચ્ચે સમાચાર એ છે કે ગુજરાત સરકારના શિક્ષણ ખાતાએ નિર્ણય કર્યો છે. ખાસ તો નાણાં વિભાગે કે શિક્ષક અધ્યાપકોના પગાર બિલમાંથી જૂથ વિમાના હપ્તા તથા શાળા કોલેજમાં ચાલતી સરકારી મંડળીના હપ્તા જે સીધા જ કપાઇ જવાની સુવિધા હતી તે હવે બંધ કરવામાં આવે છે. સરકારનું શિક્ષણખાતું નાણાં વિભાગ શિક્ષક અધ્યાપકના પગાર સીધા જ કપાત વગર જમા આવશે. કર્મચારી પોતે જૂથ વીમા કે સહકારી મંડળીની કપાતના હપ્તા ભરશે એટલે હવે શાળા કે કોલેજ લેવલે આ કપાતો કરવાની વ્યવસ્થા ગોઠવવાની થાય અને તમામ શાળા કોલેજોએ આ વહીવટીય ગોઠવણ ઊભી કરવી પડશે.

નાણાં વિભાગે કદાચ પોતાના વહીવટીય ભારણને ઘટાડવા અને જેની કપાત પોતાને લેવાની નથી તેમાંથી છૂટકારો મેળવવા આ નિર્ણય કર્યો હશે. બાકી આ ડીજીટલ ટ્રાન્ઝેકશનના યુગમાં આ આખી કામગીરી ‘વનકિલક’ કામ હતું. જૂથવીમા કે સહકારી મંડળીના હપ્તાની કપાત પગારબીલમાં આકારવાની કામગીરી તો શાળા કોલેજ કક્ષાના વહીવટીય કર્મચારી જ કરતા. ખાતાને તો આમાં સગવડ આપવા સિવાય લાંબો કોઇ બોજો હતો નહીં અને આટલાં વર્ષોથી સરળતાથી આ કપાતો થતી જ હતી. હવે તો રાજયની તમામ ગ્રાન્ટેડ – કોલેજોમાં આ કામ કોલેજ કક્ષાએ કરવાનું થશે! વળી જૂથવીમાની રકમ તો સરકારી વીમા કંપનીમાં જ જવાની હતી. નવી રચાયેલી સરકાર વહીવટીય અધિકારીઓ સાથે મસલત કરી કોઇ વિશેષ સમસ્યા ન હોય તો આ ‘સીધા કપાતની’ યોજના ચાલુ રાખે તો સારું. આમ પણ ડીજીટલ ટ્રાન્ઝેકશનના સરકારશ્રીના ઉદ્દેશ માટે તો એ જ શ્રેષ્ઠ બાબત છે.

જો આપણે કેશલેશનું ચલણ વધારવા માંગતા હોઇએ અને સરકાર પણ કાળાં નાણાંના વ્યવહારો ઘટાડવા તેમ કરવા માંગતી હોય તો નવા નાણાંકીય વર્ષથી શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ કેશલેસ વ્યવહાર કેવી રીતે થાય? તે રસ્તા વિચારવા જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં પાણી પુરી – કે ફાસ્ટફુડના બીલ પેટીએમથી ચૂકવાય છે જયારે સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોમાં તોતિંગ ફી રોકડમાં જ ઉઘરાવાય છે! સરકારે કડક કાયદો કરવાની જરૂર છે કે શાળા કોલેજો કોઇ પણ પ્રકારની ફી રોકડમાં ઉઘરાવી શકશે નહીં! તેણે ડીજીટલ કે ચેકથી જ આ ફી લેવાની રહેશે! વિદ્યાર્થી એક પણ રૂપિયો શાળા કોલેજના કાઉન્ટર ઉપર રોકડમાં ભરશે નહીં! જો સરકાર આ નિયમ કરે તો સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોમાં રોકડેથી અને વધારે ફી ઉઘરાવતાં તત્ત્વોમાં ફફડાટ જરૂર પેસે! આપણે જાણીએ છીએ કે આવા સંચાલકો નિયત ફી ચેકમાં અને ઉપરના રૂપિયા રોકડેથી લે પણ એ ડર સતત રહે. વળી અનેક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો સરકારી નિયમથી વિરુધ્ધ વધારે ફી ઉઘરાવે છે તેના પર રોક લાગશે!

બહુ ઓછા લોકોને એ ખબર હશે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજો – યુનિવર્સિટીઓમાં આવકના નવા નવા માર્ગ ખૂલ્યા છે. કોલેજ – યુનિ.ના પગારદાર સત્તાવાળાઓ, ઉપરની લાખોની રકમ કમાય છે અને તે બધી જ પાછી કેશમાં. ભ્રષ્ટાચાર દ્વારા મળતી રકમની તો વાત જ અલગ છે. નિયમિત રસ્તે થનારી આવકો પણ હવે લાખોમાં છે. જેમકે પરીક્ષાની કામગીરી મોટી આવકનું કારણ છે. આજે અધ્યાપકોને પેપર તપાસવાના સાતથી દસ રૂપિયા ચૂકવાય છે. જો તમે હજાર પેપર તપાસો તો સાતથી દસ હજાર રૂપિયા કમાવ! અને હજારના ગુણાંકમાં પેપર તપાસતા જાવ એટલા રૂપિયા વધતા જાય. ઘણી યુનિવર્સિટીઓ હવે આ રકમ બેંક એકાઉન્ટમાં જમા આપે છે. પણ અધ્યાપકો આ રકમ સેલેરી એકાઉન્ટમાં લેતા નથી. યુનિવર્સિટીએ તમામ ચૂકવણીઓ પાન નંબર લીધા બાદ જ કરવી જોઇએ તો જ આ રકમ વેરાપાત્ર રકમમાં સામેલ થાય.

આજે સેલ્ફ ફાયનાન્સ કોલેજોનો રાફડો ફાટયો છે. આ કોલેજોમાં મંજૂરી સમયથી દર વર્ષે જુદા જુદા કારણસર તપાસ સમિતિઓ જાય છે. આ તપાસ સમિતિ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ‘એલઆઇસી’ ના નામે લોકપ્રિય છે.આ એલ.આઇ.સી.માં જનારા અધ્યાપકો, સત્તાવાળાઓ ઓછામાં ઓછા પાંચ હજારનું કવર મેળવે છે. લક્ષ સાથે જીવનારા અધ્યાપકો, ઇસી મેમ્બર, સત્તાવાળા વરસની ઓછામાં ઓછી પચાસ કમીટીમાં જવાનું આવે છે. આ રોકડના કવર કદી આવકના ચોપડે ચડતા નથી. સરકાર સ્પષ્ટપણે તમામ ચુકવણી સીધી ખાતામાં જમા આપવાના નિયમ બનાવે અને પાન નંબર સંલગ્ન કરે તો જ આ ઉપરની આવકો વેરાપાત્ર બને!
જોઇએ નવી સરકાર વડાપ્રધાનશ્રીના કેશલેસ અભિયાનને શિક્ષણ ક્ષેત્રે વ્યાપક બનાવે છે કે નહીં!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top