Editorial

દવામાં ભેળસેળ કરનારાઓને અતિ સખત સજા કરવાની જોગવાઇ ધરાવતા કાયદાઓની જરૂર છે

ગયા વર્ષે પશ્ચિમ આફ્રિકાના એક નાનકડા દેશ ગામ્બિયામાં જુલાઇ મહિનામાં બાળકોના કિડનીની તકલીફોથી ઉપરા છાપરી મોતના બનાવો બનવા માંડ્યા, માસૂમ બાળકોના આ રહસ્યમત મૃત્યુઓ બાબતે તપાસ કરાતા એવું જણાયું કે આ તમામ બાળકોને તેમના વડીલોએ કફના ઇલાજ માટે કફ સિરપ પીવડાવી હતી જે સિરપની આયાત ભારતથી કરવામાં આવી હતી. આના પછી મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાનમાં પણ બાળકોના ઉપરા છાપરી મોતનાં બનાવો બન્યા અને ત્યાં પણ ખલનાયક કફ સિરપ જ જણાઇ.

આ બાબતે વિશ્વ આરોગ્ય સંગઠને પણ તપાસ શરૂ કરી. ગામ્બિયામાં બાળકોના જે મોત થયા હતા તે માટે જે જવાબદાર જણાઇ હતી તે કફ સિરપ ભારતના હરિયાણા રાજ્યમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા ઉત્પાદિત બાળકો માટેની કફની સિરપ હતી. આ કંપનીઓ ફક્ત અન્ય દેશોમાં નિકાસ માટે જ દવાઓનું ઉત્પાદન કરતી હતી. શરૂઆતમાં તો આ કંપનીઓએ પોતે દવાના ઉત્પાદનમાં કોઇ ગેરરીતિ નહીં કર્યું હોવાનું જણાવ્યું પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ સંપૂર્ણ તપાસ કરીને દૂષિત દવાઓની ઉત્પાદ કંપનીઓની યાદી બહાર પાડી દીધી છે ત્યારે હવે આ કંપનીઓ માટે છટકવાનું કદાચ મુશ્કેલ બનશે.

જેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ૨૦૦ કરતા વધુ મોત થયા હતા તે ભેળસેળયુક્ત કફ સીરપોના પુરવઠાની બાબતમાં તપાસ કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ એવી ૨૦ દવાઓ જુદી તારવી છે જેના કારણે આ મૃત્યુઓ થયા છે અને આમાંથી સાત દવાઓ ભારતમાં ઉત્પાદિત થઇ હતી. બાકીની દવાઓ ઇન્ડોનેશિયામાં ઉત્પાદિત થઇ હોવાનું જણાવાયું છે. ગયા વર્ષે આફ્રિકા ખંડના નાનકડા દેશ ગામ્બિયામાં વિદેશથી મંગાવેલી કફ સિરપ પીધા પછી ૬૦થી વધુ બાળકોનાં મોત થયા હતા અને તે જ વર્ષે ઉઝબેકિસ્તાનમાં પણ આયાતી કફ સિરપથી ૨૦ જેટલા મોત થયા હોવાના અહેવાલ આવ્યા હતા.

આ બંને દેશોમાં જે મોત થયા હતા તે માટે જવાબદાર મનાતી કફ સિરપોનું ઉત્પાદન ભારતમાં થયું હોવાનું તે સમયે જણાયું હતું. હુ એ પણ તે બાબત તરફ અંગુલી નિર્દેશ કર્યો હતો. હરિયાણા સ્થિત મેઇડન ફાર્માસ્યુટિકલ્સ, મેરિઅન બાયોટેક અને ક્યુપી ફાર્મા કેમ નામની કંપનીઓ આ દવાઓની મુખ્ય ઉત્પાદકો હોવાનું જણાવ્યું હતું અને હુ દ્વારા પણ આ દવાઓ માટે એલર્ટ જારી કરાયું હતું. પરંતુ આ વખતે સંપૂર્ણ તપાસ પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)એ આવી ઝેરી ૨૦ દવાઓની યાદી બહાર પાડી છે અને તેમાં ભારતની સાત દવાઓ છે.

બાકીની દવાઓ ઈન્ડોનેશિયામાં ઉત્પાદિત થઇ હોવાનું જાણવા મળે છે. અગાઉ અમેરિકાના સેન્ટર ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી) અને ગામ્બિયાના આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા કરાયેલ સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં ઘણા બાળકોના મોત અને મેડ ઇન ઇન્ડિયા કફ સિરપ્સ વચ્ચે મજબૂત કડી જણાઇ હતી. હુની તપાસમાં જણાયું છે કે આ કફ સિરપોમાં ડાઇઇથિલેન અને ઇથિલેન ગ્લાયકોલનું ઉંચુ પ્રમાણ વિશ્વભરમાં ઘણા મૃત્યુઓ માટે જવાબદાર છે. જ્યારે આ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઝેરી દવાઓ સામે ભારત ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે અને ભારતમાં બનાવેલી કફ સિરપોને કારણે મૃત્યુઓ થયા હોવાના અહેવાલ પછી ૭૧ કંપનીઓને શો-કોઝ નોટિસો જારી કરાઇ છે અને આમાંથી ૧૮ કંપનીઓને તો તેમનું વેચાણ બંધ કરી દેવા જણાવાયું છે.

ભારત સરકારે આ સખત અભિગમ અપનાવ્યો તે સારી વાત છે નહીંતર હાલમાં એવું જાણવા મળ્યું છે કે આ દવા કંપનીઓમાંથી એક કંપનીએ તો આ આખી બાબતને કંઇક જુદો જ વળાંક આપવાના દેખીતા પ્રયાસમાં એવું કહ્યું કે વિશ્વમાં ભારતની છાપ બગાડવા માટે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે! પોતાની ભૂલ, અપરાધ કે ગેરરીતિને ઢાંકવા માટે પણ આજકાલ આપણે ત્યાં રાષ્ટ્રની પ્રતિષ્ઠાની આડ લેવામાં આવે છે તે એક વિચિત્ર બાબત છે. સરકારે આરોપી કંપનીના આવા પ્રયાસોને ગણકાર્યા નથી અને મક્કમતાપૂર્વક પગલા લેવાનું ચાલુ કર્યું છે તે સારી બાબત છે.

ભારત અને ઇન્ડોનેશિયામાં ઉત્પાદિત આવી દૂષિત કફ સિરપ વિશ્વના અનેક દેશોમાં વેચાઇ હોવાની શક્યતા છે. કંબોડિયા, ઇસ્ટ ટિમોર, ફિલિપાઇન્સ અને સેનેગલ જેવા દેશોમાં પણ આ દવાઓ વેચાઇ હોવાની શકયતા છે. ભારત અને ઇન્ડોનેશિયાની મોટા ભાગની આરોપી કંપનીઓ આ બાબતે કોઇ ટિપ્પણી કરવાનું ટાળી રહી છે પરંતુ બંને દેશોની સરકારો આ કંપનીઓના માલિકોને અને લાગતા વળગતાઓને સજા કરાવશે એવી આશા રાખી શકાય. ખરેખર તો દવામાં ભેળસેળ એ અનાજ કે અન્ય ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરતા પણ અનેક ગણી ગંભીર બાબત છે અને માનવતા સામેનો ગંભીર ગુનો છે. આપણે ત્યાં અગાઉ વાજપેયી સરકાર વખતે દવામાં ભેળસેળ કરનારને દેહાંત દંડની સજાનો કાયદો લાવવાની હિલચાલ થઇ હતી પણ તેવો કાયદો બની શક્યો નહીં. દવામાં ભેળસેળ કરનારને અતિ સખત સજાની જોગવાઇ કરતા કાયદાઓ ઘડવાની જરૂર છે જ.

Most Popular

To Top