ઝુલન ગોસ્વામીની ક્રિકેટ કેરિયર રોમાંચથી ભરપુર રહી છે અને 39 વર્ષીય ઝુલનના જીવનમાં ફૂટબોલે મોટી ભૂમિકા ભજવી છે. ઝુલનને રમત પ્રત્યે પ્રેમ ત્યારે થયો હતો, જ્યારે 1990ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિનાની હાર પછી તેણે ડિએગો મારાડોનાની આંખમાં આંસુમાં જોયા. ઝુલન તે સમયે માત્ર આઠ વર્ષની હતી. પ્રેરણાસ્ત્રોત સંદર્ભે આ એક નાનકડી કથા હતી, પરંતુ ઝુલનની પોતાની જીવનકથા તેનાથી અલગ નથી. બંગાળના એક નાના શહેરની એક છોકરી કેવી રીતે વિશ્વની મહાન મહિલા ઝડપી બોલર બની તે જાણવા ઝુલનને સમજવી પડે અને બીજી ખાસ વાત કે તેના પર બાયોગ્રાફિકલ ફિલ્મ બની રહી છે.
ઝુલન જ્યારે ઇંગ્લેન્ડમાં સીરિઝ રમવા જતા પહેલા ઝુલન ઇડન ગાર્ડન્સ મેદાન પર પોતાની પ્રેક્ટિસ માટે આવી ત્યારે ત્યાંના સુરક્ષા કર્મીઓ પણ એ જાણતા હતા કે તેમની ‘દીદી’ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ લોર્ડ્સમાં રમવા જઈ રહી છે. ઝુલન જ્યારે ઇડન ગાર્ડન મેદાન પર પ્રવેશી ત્યારે બંગાળની સીનિયર ટીમની ખેલાડીઓ તેને મળવા માટે ચેન્જ રૂમમાંથી બહાર આવી હતી પણ તેમાંથી કોઇપણ તેની કદની ખેલાડી નહોતી, ના શારીરિક દૃષ્ટિએ કે ના રમતની દૃષ્ટિએ. જો કે ઝુલન પ્રત્યેનો પ્રેમ અને આદર તેમની આંખોમાંથી ડોકિયા કરતો હતો, આમાથી મોટાભાગની મહિલા ક્રિકેટર કદાચ ઝુલનને જોઇને જ ક્રિકેટમાં આવી હશે..
ઝુલનને પ્રેક્ટિસ કરતી જુઓ તો કોઇને પણ એમ થાય કે આજે પણ આટલા વર્ષે તેની રિધમમાં કોઇ ફેરફાર આવ્યો નથી. ઝુલન પોતાના નિયમિત રન-અપથી આવીને મેચની સમાન શૈલીમાં જમ્પ કરીને દરેક બોલ ફેંકે છે. ઇન્ટરનેશલ મેચમાં તે જે રીતે બોલ ફેંકે છે તેટલી જ તિવ્રતા અને સ્ટાઇલથી તે પ્રેક્ટિસમાં પણ બોલ ફેંકે છે. કારકિર્દિના અંતિમ પડાવમાં જ્યારે અન્યો પોતાની ઉર્જાને બચાવવાનું વિચારે છે ત્યારે ઝુલન હજુ પણ એ જ તિવ્રતા દાખવી રહી છે. ઝુલન કંઇક અલગ વિચારસરણી ધરાવે છે. તેણે પોતાના દરેક પ્રેક્ટિસ સેશનને એટલુ જ માન આપ્યું છે જેટલું તેના અત્યાર સુધીના હજારો સેશનને તેણે આપ્યું હોય. ભલે લોર્ડ્સમાં તે પોતાની કેરિયરની અંતિમ મેચ રમવાની હોય પણ તે છતાં પ્રેક્ટિસમાં તે પહેલા જેટલા જ બોલ ફેંકે તે દર્શાવે છે કે આ મહિલા અલગ માટીની બનેલી છે.
ઝુલન આ બોલીંગ પ્રેક્ટિસ પછી માત્ર પાંચ મિનીટનો બ્રેક લે છે અને એક કપ ચાની ચુસકી મારીને ફરી પાછી પોતાના રૂટીન પર અર્થાત નેટ પ્રેક્ટિસ પર પાછી ફરે છે. આ હંમેશનું તેનું રૂટીન છે અને તે પોતાના છેલ્લા પ્રેક્ટિસ સેશનમાં પણ તેને વળગી રહે છે. નેટ્સમાં પાછી ફરીને તે થ્રો ડાઉનની સામગ્રી નિહાળીને ખેલાડીઓની પ્રેક્ટિસને નજીકથી ઝીણવટપૂર્વક નિહાળે છે અને અંતે તે ચાર યુવા ખેલાડીઓને ખૂણામાં લઇ જઇને કંઇક સમજાવે છે. ઝુલને જેમની સાથે વાતચીત કરી હતી તેમાંથી એક હતી ધારા ગુર્જર, જે 21 વર્ષીય ડાબોડી બેટિંગ ઓલરાઉન્ડર છે. ધારા કહે છે કે ‘ઝુલન દી’એ સમજાવ્યું કે તમે દરેક બોલને હિટ નથી કરી શકતા ત્યારે સ્ટ્રાઈકને રોટેટિંગ શા માટે મહત્વનું હોય છે. તે કહે છે કે ઝુલન દીનું માનવું છે કે બોલર હંમેશા એક ડગલું આગળ વિચારે છે અને એ સ્થિતિમાં બેટરોએ પણ હોશિયારી બતાવવી પડે છે.”
ચેલેન્જર ટ્રોફી રમી ચૂકેલી ધારા જેવા યુવા ખેલાડીઓ માટે ઝુલન પાસેથી રમતના ગુણો શીખવાની આ એક સુવર્ણ તક છે. ઝુલન ખેલાડી સાથે માર્ગદર્શકની ભૂમિકા એટલી સરળતાથી ભજવે છે કે નિવૃત્તિ પછી કોચિંગમાં જોડાવું તેના માટે સ્વાભાવિક પગલું લાગે છે. આગામી સમયમાં BCCIની યોજનાઓમાં રાષ્ટ્રીય અંડર-16 ટૂર્નામેન્ટ તેમજ મહિલા IPLનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવતા વર્ષે પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. ઘરેલુ ક્રિકેટરોને વિકસીત કરવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઇ નથી.
જ્યારે ઝુલનને પુછાયું કે તે ટૂંક સમયમાં શું કરશે, તો તે ઉત્સાહ સાથે કહે છે કે હું અહીં આવીશ. અમારા પછી અંડર-16 ખેલાડીઓની પ્રેક્ટિસ પણ છે. તેમનામાં જબરદસ્ત પ્રતિભા છે. જો તેમને સારી રીતે સંભાળવામાં આવશે તો ભારત આવનારા સમયમાં વિશ્વની સૌથી શક્તિશાળી ટીમ બનશે. પછીના દોઢ કલાક સુધી, તે આ યુવા ખેલાડીઓને જુએ છે અને પછી તેમને પોતાની ટિપ્પણીઓ કહે છે. ઘણા ખેલાડીઓને તેમની ક્રિયામાં સુધારો કરવાની સારી તક મળે છે.