Comments

નીતીશકુમારના રાજકીય પલટાઓનો કોઈ બચાવ ન થઈ શકે

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથી વાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ વધારો થવાનો નથી. ઉલટું કદાચ એ વધારે ક્ષીણ થશે. આમાં સેક્યુલર ભારતની ચિંતા કરનારાઓએ રાજી થવાની જરૂર નથી, ઉલટું શ્રદ્ધેય રાજકીય વિકલ્પ ક્યાં છે એવા પ્રશ્નનો જવાબ આપવો તેમના માટે મુશ્કેલ બનશે.

૨૦૧૩ માં નરેન્દ્ર મોદીને બીજેપીના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે નીતીશકુમારે બીજેપી સાથે છેડો ફાડ્યો હતો. ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં કુલ ૪૦ બેઠકોમાંથી બીજેપીને ૨૨ બેઠકો મળી હતી. આ સિવાય બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએ મોરચાના ઘટક પક્ષ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને છ બેઠક અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને ત્રણ બેઠક મળી હતી. કુલ ૪૦ માંથી ૩૧ બેઠકો. નીતીશકુમારને સમજાઈ ગયું હતું કે સમય બદલાઈ રહ્યો છે અને બિહારમાં બીજેપીનો ઝડપી પ્રવેશ થઈ રહ્યો છે. આવો અનુભવ અન્ય રાજ્યોમાં અન્ય પ્રાદેશિક પક્ષોને પણ થયો હતો.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં. બીજેપીના જગન્નાથના રથને રોકવો કઈ રીતે? ૧૯૫૨ ની પહેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો જોઇને વિરોધ પક્ષો સામે સવાલ ઉપસ્થિત થયો હતો કે કોંગ્રેસ સામે જગ્યા બનાવવી કેવી રીતે? ૨૦૧૪ પછી સવાલ ઉપસ્થિત થયો કે બીજેપી સામે જગ્યા ટકાવવી કેવી રીતે? ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પછી અને આ વરસે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પછી આ સવાલ વધારે આકરો બન્યો હતો.

અત્યારે બીજેપીના નેતાઓ પાસે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ છે અને વિરોધ પક્ષોના નેતાઓ પાસે ખરડાયેલો ઈતિહાસ છે. મુખ્યત્વે ત્રણ ચીજ તેની ઉધાર બાજુએ છે; પરિવારવાદ, તકવાદ અને ભ્રષ્ટાચાર. નીતીશકુમારની વાત કરીએ તો તેમની સામે અત્યાર સુધી ભ્રષ્ટાચારના કોઈ ગંભીર આરોપ થયા નથી, તેમના પરિવારનો કોઈ સભ્ય રાજકારણમાં નથી અને તેઓ કાર્યક્ષમ અને કાર્યદક્ષ શાસકની ખ્યાતિ ધરાવે છે. તેઓ બે દાયકાથી શાસનમાં છે પણ કાળો ડાઘ લાગ્યો નથી અને બિહાર જેવા રાજ્યની તેમણે ઠીકઠીક પ્રમાણમાં કાયાપલટ કરી છે.

આ સિવાય તેઓ મિતભાષી છે. આક્રમક મિજાજ ધરાવતા નથી. નરેન્દ્ર મોદીનો સામેના છેડાનો એક ઠાવકો માણસ છે. માટે દેશમાં સર્વસાધારણપણે એમ માનવામાં આવતું હતું કે બીજેપીના વિકાસના ધ્યેય વિનાના અને ગરીબ માણસ માટેની નિસ્બત વિનાના ખોખલા રાષ્ટ્રવાદનો વિકલ્પ નીતીશકુમાર બની શકે. બીજેપીને હિંદુ સર્વોપરિતા સ્થાપવા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી અને કોઈ એક પ્રજાની સર્વોપરિતા સ્થાપવી હોય તો દેખીતી રીતે લોકતંત્ર સાથે અને કાયદાનાં રાજ સાથે ચેડાં કરવાં પડે. ભારત એવો દેશ ન રહે જેવા દેશની કલ્પના ભારતનું બંધારણ ઘડનારાઓએ કરી હતી.
જો ભારતને બંધારણમાં કલ્પવામાં આવ્યો છે એવા દેશ તરીકે ટકાવી રાખવો હોય તો એમાં નીતીશકુમાર કામમાં આવે એમ છે. નરેન્દ્ર મોદીના હિંદુ ચહેરા સામે નીતીશકુમારને સર્વસમાવેશક ભારતના ચહેરા તરીકે રજૂ કરી શકાય. શરૂ શરૂમાં અરવિંદ કેજરીવાલ તરફ પણ નજર દોડાવવામાં આવી હતી, પણ સરવાળે એવું સાબિત થયું કે આ માણસ રતીભાર પણ ભરોસાપાત્ર નથી. તે રાજકીય રીતે બીજેપીના નેતાઓ કરતાં પણ વધારે નિર્દયી છે. નરેન્દ્ર મોદીની બરાબરી કરી શકે એવા સ્વકેન્દ્રી છે અને સૌથી વધુ તો એ કે તેઓ તેમની રાજકીય વિચારધારા છુપાવે છે. આ માણસ સંઘપરિવારનો જ વૈકલ્પિક ચહેરો નીવડે તો જરાય આશ્ચર્ય ન થાય.

પણ નીતીશકુમારે એટલી રાજકીય પલટીઓ મારી છે કે જેનો કોઈ બચાવ ન થઈ શકે. ૨૦૧૫ માં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી જીતી. લાલુપ્રસાદના પક્ષને નવ બેઠક વધારે મળી હોવા છતાં તેમણે ત્યારે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. સામે નીતીશકુમારના પક્ષની બેઠકમાં ૨૦૧૦ ની તુલનામાં ૪૪ બેઠકનો ઘટાડો થયો હતો. હજુ વરસ પહેલાં (૨૦૧૪)માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૪૦ માંથી ૨૨ બેઠક (એનડીએની ૩૧) મેળવનાર બીજેપીને વિધાનસભામાં માત્ર ૫૩ બેઠકો મળી હતી. બીજેપીની ૩૮ બેઠકો ઘટી હતી. આમ છતાં એવી ખાતરી થવા લાગી કે નીતીશકુમાર બીજેપીનો અને નરેન્દ્ર મોદીનો રાજકીય વિકલ્પ બનશે. ૨૦૧૭ માં નીતીશકુમારે ફરી વાર ગુલાંટ મારી. રાષ્ટ્રિય જનતા દળનો સાથ છોડીને તેમણે બીજેપી સાથે હાથ મિલાવ્યો. એ માટેનાં તેમના રાજકીય કારણો હતાં, પણ તેમનું એ પગલું અનૈતિક હતું. એને કારણે દેશના સેક્યુલર પોલિટિક્સને મોટું નુકસાન પહોંચ્યું હતું. કોના પર ભરોસો મૂકવો? આ માણસ પ્રામાણિક છે, કાર્યક્ષમ છે, પરિવારની દુકાન નથી ચલાવતો તો ભરોસાપાત્ર નથી.

નીતીશકુમારને ૨૦૨૦ ની વિધાનસભાની ચૂંટણીમાં આનો કડવો અનુભવ થયો હતો. બીજેપીએ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાનને એનડીએના ગઠબંધનમાંથી જાણીબૂઝીને બહાર રાખ્યો હતો. તેનું કામ નીતીશકુમારનો ખેલ બગાડવાનું હતું. બીજેપીએ નીતીશકુમારના જનતા દળ યુનાઈટને હરાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ૨૦૧૦ ની વિધાનસભામાં જે પક્ષ પાસે ૧૧૫ બેઠકો હતી એ ઘટીને ૨૦૧૫ માં ૭૧ થઈ ગઈ અને ૨૦૨૦ માં હજુ વધુ ઘટીને ૪૩ થઈ ગઈ. સૌથી વધુ ૭૫ બેઠકો તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતા દળને મળી હતી. બીજા ક્રમે બીજેપીને ૭૪ બેઠકો મળી હતી. ૨૪૩ સભ્યની વિધાનસભામાં નીતીશકુમાર ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા હતા. આ બીજેપની ચાલ હતી એ નીતીશકુમાર જાણતા હતા પણ લાચાર હતા.

બીજેપીનો ઈરાદો દેશમાંથી પ્રાદેશિક પક્ષોને ખતમ કરી નાખવાનો છે. મહિના પહેલાં મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરવામાં આવી. પંજાબમાં અકાલી દળને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. હજુ ગયા અઠવાડિયે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નદ્દાએ કહ્યું હતું કે બીજેપી તમામ પ્રાદેશિક પક્ષોને હજમ કરી જવાનો ઈરાદો ધરાવે છે. આના ભાગરૂપે બિહારમાં જનતા દળ યુનાઈટેના વિધાનસભ્યોને ખરીદવાની તૈયારી ચાલી રહી હતી. આની જાણ નીતીશને થઈ અને બીજેપીને તેમાં સફળતા મળે એ પહેલાં તેમણે પાલો બદલીને બીજેપીની યોજના રોળી નાખી.

બીજેપીના નેતાઓને ખબર છે દેશના અંદાજે ૬૦ ટકા હિન્દુઓ હિંદુ રાષ્ટ્રના વિરોધી છે. તેમને ખબર છે કે દક્ષિણ ભારતમાં, કંઇક અંશે પૂર્વ ભારતમાં, પશ્ચિમ બંગાળમાં, કંઇક અંશે ઓડિશામાં, પંજાબમાં અને કાશ્મીરમાં પ્રવેશ અઘરો છે. તેનો મદાર ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારત પર છે અને માટે તે લાજશરમ નેવે મૂકીને સરકારો તોડે છે અને પ્રાદેશિક પક્ષોને ખતમ કરે છે.
આ બીજેપીની જરૂરિયાત થઈ. દેશની પણ એક જરૂરિયાત છે અને તે છે બીજેપી અને નરેન્દ્ર મોદીના વિકલ્પની. લોકશાહીમાં પણ રાજકીય વિકલ્પ હોવો જોઇએ અને જ્યારે સત્તાધારી પક્ષનો એજન્ડા બંધારણ વિસંગત ભારતના નિર્માણનો હોય ત્યારે તો તેની વધુ જરૂર છે. દેશનાં ૬૦ ટકા હિન્દુને વિકલ્પ જોઇએ છે.

પણ નીતીશકુમાર વિકલ્પ નહીં બની શકે. દરમ્યાન તમે એક વાત નોંધી? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશ માટે એક પક્ષ એક નેતાનું રાજકારણ હિતાવહ નથી. આમ કહીને તેમણે નરેન્દ્ર મોદીની ટીકા કરી છે એમ નહીં માનતા. તેઓ તેમની મદદમાં આગળ આવ્યા છે. વખત આવ્યે અનેક રીતે અને અનેક મોઢે બોલવાની સંઘપરિવાર પ્રવીણતા ધરાવે છે. એકવચની હોવું અને કથની અને કરણીમાં એકવાક્યતા હોવી એ તેમની સાવરકરેરીય ફિલસૂફી મુજબ સદ્ગુણવિકૃતિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top