અમદાવાદ: બે દિવસ પહેલાં શનિવારે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડથું થઈ ગયા છે. સુરતના તક્ષક્ષિલા અગ્નિકાંડ બાદ આ મોટી આગજનીનો બનાવ છે. તક્ષક્ષિલા કાંડમાં હજુ સુધી આરોપીઓને સજા થઈ નથી ત્યારે આ બીજી મોટી દુર્ઘટનાએ રાજ્યમાં કોઈ નિયમ કે સિસ્ટમ જ નહીં હોવાનું બહાર આવ્યું છે.
ખુદ સરકાર તરફના વકીલે હાઈકોર્ટમાં આ બાબતનો સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં વોટર સ્પોર્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્ક, રોપ-વે સહિતના ઝોન માટે કોઈ નિયમો જ નથી. આ ખૂબ જ આશ્ચર્ય પમાડનારી અને દુ:ખદ બાબત છે કે વિકાસશીલ ગુજરાતમાં પ્રજાની સેફ્ટી માટેના નિયમો જ હજુ ઘડવામાં આવ્યા નથી.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો. રવિવારે રજાના દિવસે કોર્ટે સ્પેશ્યિલ સુનાવણી હાથ ધરી હતી. સ્પેશ્યિલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે કેસ સાંભળ્યો હતો.
હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલે દલીલો રજૂ કરી હતી. આ સાથે જ રવિવારે હાઈકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોન માટેના કેવા નિયમો છે તે અંગેનો રિપોર્ટ સબમીટ કરવા આદેશ આપ્યો હતો.
જે સોમવારે તા. 27 મેના રોજ હાઈકોર્ટમાં બીજી સુનાવણી હાથ પર લેવાઈ છે, ત્યારે રાજ્ય સરકાર તરફના વકીલે જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો છે. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, રાજ્યમાં વોટર સ્પોર્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્ક, એરિયલ રોપ-વે ઉપર નિયમો બની રહ્યાં છે. સરકાર તરફના વકીલની આ દલીલ સાંભળી હાઈકોર્ટની બેન્ચ પણ ચોંકી ગઈ છે. રાજ્ય સરકારના વકીલની આ દલીલ એ પ્રસ્થાપિત કરે છે કે રાજ્ય સરકારે પાસે વોટર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, રોપ-વે માટેના નિયમો જ નથી.
રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, વડોદરાની ઘટના બાદ 1 માર્ચે હાઈ લેવલ કમિટી બનાવાઈ હતી. તમામ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ રોકી લેવાઈ હતી. 21મી મેના રોજ હાઈ લેવલ કમિટીની પાંચમી બેઠક મળી હતી. તેઓ બોટિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક માટે નિયમો અને એસઓપી બનાવી રહ્યાં છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી, નવા નિયમો બનશે
આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને મહત્વની બેઠક શરૂ થઈ છે. સીએમ બંગલે મળી રહેલી મીટીંગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર છે. ગેમઝોનના મુદ્દે નવા નિયમો બનાવી શકાય છે. આ સંદર્ભમાં લાંબી ચર્ચા વિચારણા કરાયા બાદ નિર્ણય લેવાશે અને તેની સત્તાવાર જાહેરાત કરાશે.