Comments

સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના ન કાયદા હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય!

કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં ફરિજીયાતપણું રહેલું છે એવી) ફરજ ગણાય કે વિવેક? આનો જવાબ તમે શું આપો છો એનાં આધારે તમારું, તમારાં પરિવારનું, તમારા સમાજનું અને તમે જે દેશમાં રહેતા હો એ દેશનું ભવિષ્ય ઘડાશે. ગાંધીજીએ અસહકાર અને ખિલાફતનું આંદોલન શરુ કર્યું અને દેશ અને દુનિયાએ ક્યારેય ન જોઈ હોય એવી હિંદુ-મુસ્લિમ એકતા નજરે પડી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા કેટલાક હિંદુઓએ ગાંધીજીને સલાહ આપી હતી કે આ સુવર્ણ અવસરનો લાભ લઈને ગાયની હત્યા કરવામાં ન આવે એ માટે ગૌવધ પ્રતિબંધ સારુ મુસલમાનોને સમજાવી લેવા જોઈએ. મુસ્લિમ નેતાઓ માની જશે અને તમારો શબ્દ તો તેઓ નહીં જ ટાળે. મુસલમાનો પણ તમને મહાત્માજી તરીકેનો આદર આપે છે.

જો ગાંધીજીની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો તેણે સો ટકા મુસલમાનો સાથે આવી સમજુતી કરી હોત કે કરાવી હોત. વળી, ગાંધીજી તો ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં ગર્વ લેતાં હતાં. ગાંધીજી તો પોતાને સનાતની હિંદુ તરીકે પણ ઓળખાવતા હતા. પણ ગાંધી જુદી માટીનો હતો એને માટે તો એ મરતો નથી. તેમણે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના કાયદા ન હોય કે ન શરતો હોય કે ન સમજુતી હોય. જો કાયદા ઘડશો કે ફરજ પાડશો તો તેમાં ફાયદા કરતાં નુકસાન વધુ થશે. કેટલીક બાબતો એવી હોય છે જે સદિ્ચ્છા (ગુડવિલ)નાં ક્ષેત્રમાં આવે છે અને તે કેળવણીનો ભાગ છે.

ઈબાદત ટાણે મસ્જીદ પાસે વાજિંત્ર નહીં વગાડવાં એમાં હિંદુની સભ્યતા/ સદિ્ચ્છા છે અને ગાયની હત્યા નહીં કરવી એમાં મુસલમાનની સભ્યતા/ સદિ્ચ્છા છે. સ્મશાનયાત્રા અને વરઘોડો રસ્તામાં સામસામે આવી જાય ત્યારે વરઘોડાવાળા બેન્ડ વગાડતા અટકી જાય એ વિવેક છે. આનાં કોલ-કરાર અને કાયદા ન હોય. જો એ કરવા જશો તો ઊલમાંથી ચૂલમાં પડશો. આ ગાંધી. જે સહજ થઈ શકતું હતું એ તેમણે નહીં કર્યું. તેમના અધ્યાત્મિક વારસદાર અને ભાષ્યકાર વિનોબા ભાવે ગોવધ પ્રતિબંધનો કાયદો કરાવવાની લાલચ નહીં રોકી શક્યા અને એક વાર ઉપવાસ પણ કર્યા, જ્યારે ગાંધીજી માટે જે સહજસાધ્ય હતું એ તેમણે ધરાર નહીં કર્યું. તેમાં તેમને અર્થ કરતાં અનર્થ નજરે પડતો હતો.

શું અનર્થ નજરે પડ્યો હતો તેમને? અનેક. એક તો એ કે લાગણીની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે ત્યાં તમે લાગણીઓના આઘાત-પ્રત્યાઘાતોને કાયદામાં કેવી રીતે બાંધો? જો તમે તેને બાંધશો અને પ્રજા ઉપર ફરજ પાડશો તો તેમાં તમે ન્યાય કરતા અન્યાય જ વધુ કરશો. લાગણી દુભવવાને લગતાં કાયદાનો દુરુપયોગ થવાનો છે અને મોટાભાગે કાયદાઓનો દુરુપયોગ અસમર્થ લોકો સામે વધુ થાય છે. ગોવધ પ્રતિબંધક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કોની સામે થઈ રહ્યો છે એ તો તમે જાણો છો.

બીજું એ કે તેને કારણે અભિવ્યક્તિ રૂંધાશે. ડૉ. રામમોહન લોહિયાએ એક જગ્યાએ કહ્યું છે કે દ્રૌપદી સંસારની શ્રેષ્ઠ નારી છે, સીતા કે સાવિત્રી નહીં. તેમણે કારણ આપતાં કહ્યું છે કે દ્રૌપદીએ વડીલો (ભીષ્મપિતામહ) આચાર્યો (દ્રોણ અને કૃપાચાર્ય), બુદ્ધિમાનો (વિદુર), ચક્રવર્તી રાજા (ધૃતરાષ્ટ્ર), મોટી સંખ્યામાં ઉપસ્થિત દુષ્ટો (કૌરવો), કપટીઓ (શકુની), પોતાની પત્નીને દાવ પર લગાડવા જેટલો સ્ત્રી પર અધિકાર ધરાવનાર પતિઓ (પુરુષો) જે દરેકે દરેક કોઈને કોઈ પ્રકારની સત્તા ધરાવતા હતા તેમની સામે ભરી સભામાં અવાજ ઉઠાવ્યો.

દ્રૌપદી અવિવેકી સત્તા સામે નારીનો સત્યનો અને અધિકારનો અવાજ છે અને માટે એ સંસારની શ્રેષ્ઠ નારી છે. તે સીતા અને સાવિત્રીની જેમ પતિની પાછળ ચાલીને દુઃખ વેઠી લેવામાં નહોતી માનતી. હવે કોઈ હિંદુ એમ કહે કે ડૉ. લોહિયાએ સીતા માતા અને સતી સાવિત્રીનું અપમાન કર્યું છે અને તેમણે હિંદુઓનું દિલ દુભવ્યું છે તો શું થાય? હવે લોહિયાએ જે કહ્યું એને તમે સુંદર મૌલિક નિરીક્ષણ તરીકે જોશો કે પછી સજાને પાત્ર હિંદુવિરોધીનું કથન? લોહિયાનાં નિરીક્ષણ દ્વારા ઈતિહાસ-પુરાણો કે કાવ્યોને જોવાની આપણી સમજમાં વધારો થયો કે ઘટાડો?

આ પ્રકારનાં સુંદર અને મૌલિક નિરીક્ષણો અને અભિપ્રાયો દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. આપણી સમજણની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. પરિઘ વધુને વધુ મોટો થાય છે. જેની વ્યાખ્યા જ શક્ય નથી એવી લાગણીઓને અને જે પ્રત્યક્ષ નજરે પડતી નથી એવી દુભામણીઓને કાયદે બાંધવા જતાં સમાજને મોટી ખોટ પડવાની છે. બને કે કોઈની અભિવ્યક્તિ અણઘડ પ્રકારની હોય. બને કે કોઈ વિચાર્યા વિના કે સરખો અભ્યાસ કર્યા વિના બોલતું હોય. બને કે કોઈ જાણીબૂજીને બીજાને ઠેસ પહોંચાડવા માટે બોલતું હોય. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવા પ્રકારની અભિવ્યક્તિઓને રોકવા માટે કાયદાઓ ઘડવામાં આવે તો ડૉ લોહિયા જેવાઓનાં અર્થગર્ભ અભિપ્રાયોથી સમાજ વંચિત રહી જાય અને એ ખોટ ન પૂરાય એવી છે.

આ સિવાય કલાત્મકતા અને સર્જનાત્મકતાથી પણ સમાજ વંચિત રહે. વળી સંસારનો નિયમ છે કે જે કચરો છે એ કાળના ચાળણામાં ચળાઈ જવાનો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજું એ કે જો કાયદા ઘડવામાં આવે અથવા અભિવ્યક્તિની બાબતે અમુક પ્રકારની ફરજ પાડવામાં આવે તો લાગણી અને દુભામણીના ઠેકેદારો પેદા થાય અને તેનું રાજકારણ કરવામાં આવે. દેશમાં અને જગતમાં અત્યારે આ જોવા મળી રહ્યું છે. લાગણી અને દુભામણીના ઠેકેદારોએ અને તેનું રાજકારણ કરનારાઓએ આ જગતમાં જેટલો આતંક મચાવ્યો છે અને હિંસા કરી છે એટલી હિંસા તો જમીન અને સત્તા માટેની લડાઈઓએ પણ નથી કરી. આ હકીકત છે. ઈતિહાસ તપાસી જાવ.

માટે ગાંધીજીએ કહ્યું હતું કે વિવેક અને સદિ્ચ્છાના કાયદા ન હોય એ કેળવવાની ચીજ છે. મોટું મન રાખીને આંખ આડા કાન કરવા એ વિવેક છે. સહિષ્ણુતા કેળવવી એ વિવેક છે. બીજા માણસને બોલવા દેવો એ વિવેક છે. તેની પાસેથી જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરવું એ વિવેક છે. કબીરે અમસ્તું નથી કહ્યું કે નિંદક નીઅરે રાખીએ. એ વગર પાણીએ હજામત કરી આપે. કાયદાઓ ઘડીને કોઈને રોકશો અને ટોળાઓ રચીને કોઈને વારશો કે મારશો તો સરવાળે નુકસાન સમાજને થવાનું છે. પણ આ તો એમને માટેની વાત થઈ જેઓ સદ્ગુણ અપનાવવા અને વિકસાવવા માગે છે. જ્યારે વિનાયક દામોદર સાવરકર કહીને ગયા છે કે સદ્દગુણ એ વિકૃતિ છે.

Most Popular

To Top