Columns

ઈમાનદારીના સ્ટોર નથી હોતા

અમેરિકાથી આવેલી મહિલાએ એક સ્ટોરમાંથી સાડી ખરીદી. એક જ વાર ધોતાં સાડીના રેસા નીકળી ગયા. અમેરિકાના પ્રામાણિક માહોલથી ટેવાયેલી એ મહિલા વિશ્વાસપૂર્વક સાડી સ્ટોરના પગથિયા ચઢી અને દુકાનદારને સાડીની હાલત બતાવી. દુકાનદારે ત્યાં લટકાવેલું બોર્ડ બતાવી કહ્યું: ‘સૉરી મેડમ.., અમે વેચેલો માલ પાછો લેતા નથી…!’

દુકાનદારના વલણથી મહિલા નિરાશ થઈ પણ ઝઘડો કર્યા વિના તે બહાર નીકળી ગઈ. પછી એક ખાસ ઘટના બની. દુકાનની બહાર પગથિયા આગળ જ એક પર્સ પડ્યું હતું. પર્સ ખોલ્યું તો અંદર 5૦૦ની નોટોનું બંડલ હતું. મહિલા પર્સ લઈ અંદર આવી અને દુકાનદારને તે સુપરત કરતાં કહ્યું: ‘આ પર્સ તમારી દુકાનના પગથિયા આગળ પડ્યું હતું. કોઈ ગ્રાહકનું હશે. કોઈ શોધતું આવે તો આપી દેજો..!” (એ પર્સનું પેલા દુકાનદારે શું કર્યું હશે તે અટકળનો વિષય હોઈ તેની ચર્ચામાં ના પડીએ) એ દુકાનદારને અમે ઓળખીએ છીએ.

અમારા જ એક પરિચિતનો એ દૂરનો સગો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે પેલી મહિલાએ સોળ વર્ષના તેના અમેરિકાના વસવાટ દરમિયાન કદી ઈશ્વરની મૂર્તિ આગળ દીવા દીવેટ કર્યા નહોતા. કદી ઘરમાં યજ્ઞ કે સત્યનારાયણની કથા કરાવી નહોતી. જ્યારે બીજી તરફ પેલો દુકાનદાર રોજ સવારે પૂરો એક કલાક પૂજાપાઠમાં ગાળે છે. છતાં તક મળતાં દુષ્ટાચાર આચરી લે છે. તાત્પર્ય એટલું જ કે ઈમાનદાર માણસના ચહેરા પર ઈમાનદારીનું બોર્ડ લટકાવ્યું નથી હોતું, પણ બેઈમાન માણસો બોર્ડ બતાવીને જરૂર બેઈમાની કરી લે છે. અર્થાત્ સાડી સ્ટોરમાંથી ખરીદી શકાય છે. પણ ઈમાનદારીના સ્ટોર નથી હોતા. ચશ્મા પહેરવાથી કેવળ જોઈ શકાય છે.

પણ શું જોવું તે માણસે નક્કી કરવાનું હોય છે. માથા પર વાળ ધોળા છે કે કાળા એનું મહત્વ નથી. એ વાળની બે સ્થિતિ સાચી ગુણમૂલક ગણાય. વાળ પર અબીલ–ગુલાલની વૃષ્ટિ થાય ત્યારે ધોળા વાળ પણ શોભી ઊઠે છે. પણ ક્યારેક એ વાળ પોલીસના હાથમાં ઝલાય અને પોલીસના દંડા પડે ત્યારે કાળાભમ વાળનું પણ નીચાજોણુ થાય છે. કંઈક એવું સમજાય છે કે આસ્તિક્તા ઈમાનદારીની ગેરન્ટી નથી અને નાસ્તિક્તા એ દુષ્ટતાનું સર્ટિફિકેટ નથી. નાસ્તિકો ઈશ્વરના અસ્તિત્વને ઇન્કારે છે એટલું તેમનું વૈચારિક સ્વાતંત્ર્ય સ્વીકારી લઈએ તો તેમની નાસ્તિક્તાથી માનવજાતને રતીભાર નુકસાન નથી.

બીજી તરફ આસ્તિકો મુખમાં રામ અને બગલમેં છૂરી રાખીને ફરતા હોય તો તેવી આસ્તિક્તાથી પણ માનવજાતને કોઈ ફાયદો નથી. દોસ્તો, સત્ય એ છે કે ધર્મસંપ્રદાયોથી ફાટફાટ થતા આ દેશમાં લોકો ટીલાં ટપકાંવાળા લોકોને વધુ આદરથી જુએ છે. પરંતુ જે રીતે ખોટા કાટલાંને કારણે વજનમાં છેતરાવાનો ભય રહે છે તે રીતે ખોટા માપદંડોને કારણે શ્રદ્ધામાં પણ છેતરાવાનો ભય રહે છે.

ગળામાં રૂમાલ નાખી ફરતા સડકછાપ મવાલીઓ કરતાં ભગવાછાપ મવાલીઓને ઓળખવાનું અઘરુ બની રહે છે. એક કોલેજીયને 2500 ના બૂટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. આજના યુવાનો હજાર બારસોના બૂટને બિલો ડિગ્નિટી સમજે છે. ગરીબ મા-બાપ દીકરાની ડિગ્નિટી જાળવવા દેવુ કરી છૂટે છે. પણ દુ:ખ એ વાતનું છે કે અઢીહજારના બૂટ પહેરીને કયા માર્ગે ચાલવું તેનું દીકરાને વિવેકભાન નથી હોતું. તેમની મંજિલ બહુધા પાનનો ગલ્લો, નુક્કડ કે સિનેમા હૉલ હોય છે. એ લિસ્ટમાં દૂર દૂર સુધી પુસ્તકાલયનો સમાવેશ થતો નથી.

દોસ્તો, આપણી મૂળ ચર્ચા આસ્તિક્તા અને નાસ્તિક્તાની છે. એ બે વચ્ચે જ ક્યાંક પ્રેમનું પવિત્ર તત્વ પડેલું છે. આંખ કાન અને હોઠ જેવાં પ્રેમવાહક સાધનો બીજાં એકે નથી. ઈશ્વરે સ્ત્રીઓને સુંદર હોઠ આપ્યાં છે. તે પર લાલી લાગે છે ત્યારે એ સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ હજી એવી લિપસ્ટિક શોધાઈ નથી જે સ્ત્રીના હોઠ વચ્ચેથી નફરત અને ક્રોધના વાવાઝોડાને પ્રગટી ઉઠતું અટકાવી શકે. આંખ અને કાનના કોલાબોરેશનથી પ્રેમના કેવા ઈન્દ્રધનુષ રચાય છે તે જોઈ કુદરતની કોઈ રોમાંચક કવિતા માણતા હોઈએ એવું પ્રતીત થાય છે. આંખ અવાજ વિનાનું બોલે છે અને કાન તરંગ વિનાનું સાંભળે છે.

અમે એક કુટુંબને ઓળખીએ છીએ જ્યાં નવરાત્રી સિવાય પણ સાસુ વહુ વચ્ચે નિયમિત દાંડિયારાસ રમાતા રહે છે. હમણાં એ સાસુ વહુએ અલગ ઘર માંડ્યા ત્યારે તેમનો ફાઈનલ રાઉન્ડ જોવાની તક આખા મહોલ્લાને સાંપડી. દોસ્તો, સંસારના સ્ટેજ પર નિરંતર આક્રોશની આતશબાજી થતી રહે છે. સ્વ. જયન્ત પાઠકે એથી જ લખ્યું છે: ‘રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે..!’
ધૂપછાંવ
કોઈ લડાક વહુ નવરાત્રીમાં શણગાર સજી ડિસ્કો કરવા નીકળે અને ઘરડા સાસુમા છોકરાઓને સાચવવાની અશક્તિ જાહેર કરે છે ત્યારે વહુના લાલી રંગ્યા હોઠમાંથી જે ગાલી વછૂટે છે તે સાંભળી મહાકાલી માતાના મગજને ય ખાલી ચઢી જાય છે.

Most Popular

To Top