દરેક વ્યક્તિના જીવનમાં વિધ્યાર્થી જીવનના વેકેશનના સંભારણાઑ સચવાયેલા જ હોય છે. આજે ભલે તેઓના બાળકો કે બાળકોના પણ બાળકો થઈ ગયા હોય પણ તેમની સ્મૃતિમાથી એક કિસ્સો તો વેકેશનનો સાંભળવા મળશે જ. આજે તો વેકેશન પણ અને બહાર ફરવા ઉપાડી જવાનું પ્લાનીંગ થઈ જ જાય પણ જે પોતાના ગામથી દૂર શહેરમાં આવીને વસ્યા છે તેઓ આજે પણ પોતાના વતન વેકેશન ગાળવા માટે જાય છે. જ્યારે કેટલાક બાળકોને વેકેશનમાં મામાના ઘરે જવાનો ક્રેઝ ઓછો થયો જ નથી. જો કે વાત વેકેશનની નીકળે એટલે જૂની યાદોનો પટારો ખૂલી જ જાય.. આજે આપણે કેટલાક સુરતીઓ સાથે આવી જ કેટલીક વેકેશનની ખાટીમીઠી યાદો વાગોળવાનો પ્રયાસ કર્યો છે જે વાંચીને તમને પણ કઈક તો યાદ આવી જ જશે…
હું આંબે ચઢ્યો, ને હાથ છટકતાં પટકાયો : મિનેશ પટેલ
મિનેશ પટેલની તો એક વેકેશનમાં મજા જ બગડી ગયેલી પણ આજે એ કિસ્સો યાદ કરીને હસી પડે છે. મિનેશ પટેલ કહે છે કે, વેકેશન પડે એટલે મામાનું ઘર યાદ આવે. શહેરથી થોડે જ દૂર, અસ્સલ ગામડું હતું એ વખતે. હકીકતમાં મારો જન્મ પણ મોસાળે જ થયેલો. ધો. 7ની પરીક્ષા પતી અને ઘર આખું ઉપડ્યું કેરીગાળો કરવા મામાને ત્યાં. ખેતર અમારા રમવા માટેનું પ્રિય સ્થળ હતું. પરંતુ હજુ યાદ છે કે ગામના છોકરાઓ સાથે કેરી તોડવા જેમતેમ કરીને હું આંબે ચઢ્યો, ને હાથ છટકતાં પટકાયો. પગ અને હાથ બંને મચડાઈ ગયા. બહુ દુઃખેલું મને, પણ હજુ યાદ છે કે મને પડેલો જોઈને બધા બહુ હસેલાં. આજે પણ આ લોકો મળે ત્યારે મને ચીઢવે છે.
ઘરે કહેવાનું ભૂલી ગયેલો અને શોધખોળ ચાલતી હતી : ચેતન ત્રિવેદી
ચેતન ત્રિવેદી કહે છે કે, નવમા ધોરણની પરીક્ષા પતી, વેકેશન પડ્યું ને મામાને ત્યાં જવાની જીદ ઉપડી. જાતે જ થેલીમાં બે જોડી કપડા નાંખ્યા ને ઉપડ્યો. મોસાળ ખાસ દૂર ન હતું, પગપાળા જઈ શકાય. એ વખતે મોબાઈલ ન હતાં, ફોનના ડબલાં પણ ક્યારેક જ ચાલતાં. મામાને ત્યાં કઝીન્સ સાથે રમવા-જમવા, મોજ-મસ્તીના સપના જોવામાં ઘરે કહેવાનું જ ભૂલી ગયો. રાત્રે જમી-પરવારીને ગપ્પાં મારવા ઓટલે બેઠાં ત્યાં ઘર પાસે રહેતાં એક પરિચિત કાકા દેખાયા અને મને જોતાં જ ખીજવાવા લાગ્યા. ત્યારે ખબર પડી કે ઘરે કહેવાનું ભૂલી ગયેલો અને મારી શોધખોળ ચાલતી હતી.
ભાઈ સાથે કપડાની બેગ બદલાઇ ગઈ : હિના દવે
હિના દવે કહે છે કે, વેકેશન પડે એટલે ભાઈ ઉપડે મામાને ત્યાં, પણ મને ગમે માસીને ત્યાં. એક વખત બન્યું એવું કે હું ને ભાઈ બંને કપડાની બેગ તૈયાર કરીને બેઠાં. મમ્મી મને મુકવા આવી હતી અને હોંશે હોંશે માસીને ત્યાં પહોંચ્યાં. રાત્રે સુવા માટે કપડા બદલવા બેગ ખોલી તો ચોંકી ઉઠી. કારણકે બેગમાં મારા નહીં, ભાઈના કપડા હતાં. પછી તો શું, માસીના મોટા ઝબ્બા જેવા કપડા પહેરીને સમય કાઢ્યો. બીજા દિવસે માસી દુકાને લઈ ગયા ને નવા ફ્રોક-ટોપ અપાવ્યા. આ યાદગીરી હજુ પણ સાચવી રાખી છે, મજા આવેલી.
એસ્સેલ વર્લ્ડ પહોંચ્યા, તો ખબર પડી બે દિવસ બંધ છે.: દિપેશ ચૌધરી
થોડા વર્ષો પહેલાં મુંબઈમાં એસ્સેલ વર્લ્ડનો જબરો ક્રેઝ હતો. દિપેશ ચૌધરી કહે છે કે, અમારી જીદ તો હતી જ ત્યાં જવાની. પપ્પાએ કહ્યું શનિ-રવિ કે રજાના દિવસે નહીં, આડે દિવસે જશું તો ભીડ ઓછી હશે ને મજા આવશે. એ વખતે મોબાઈલ કે ઓનલાઈન બુકિંગનો જમાનો ન હતો, ને હું, બંને ભાઈ, પપ્પા-મમ્મી ફ્લાઈંગ પકડીને બોરિવલી માસીને ત્યાં પહોંચી ગયા. ત્યાંથી તુરંત જ ટેક્સી કરીને એસ્સેલ વર્લ્ડ પહોંચ્યા, તો ખબર પડી કે મેઈન્ટેનન્સ માટે બે દિવસ વર્લ્ડ બંધ છે. પછી તો શું, મુંબઈમાં આમતેમ રખડીને બે દિવસ કાઢ્યાં, ને કંટાળ્યા, થાક્યા તો સુરત પાછા આવી ગયા.