Comments

પીએચ.ડી. પદવીની ગુણવત્તા અને ઉપયોગિતા બાબતે ઘણા પ્રશ્નો છે

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી પીએચ.ડી પદવી સંબંધી, છેલ્લા દશકામાં જે પ્રશ્નો ઊઠયા છે તે કંઇક આવા છે: 1. પીએચ.ડી.ની પદવી ચણા-મમરાના ભાવે ખરીદી શકાય છે? 2. દેશની કેટલીક સ્વ-નિર્ભર યુનિવર્સિટીઓએ આવી પદવી પૂરી પાડવાનો ધંધો શરૂ કર્યો છે? 3. પીએચ.ડી.ની થિસીસ લખી આપવાની એજન્સી શરૂ થઇ ગઇ છે? 4. સંશોધક કોપી પેસ્ટ કરીને થિસીસ લખી કે લખાવી પોતાના નામની આગળ ડોકટર વિશેષણ લખી પોરસાય છે? 5. આ પદવીની ગુણવત્તા અને ઉપયોગિતા સતત ઘટતી જાય છે? હજુ યાદી લાંબી ચાલે તેમ છે, આપણે ધીરજ રાખી, અહીં અટકીએ. શું આ પ્રશ્નો સંપૂર્ણ સાચા છે? અને જો હોય તો તેનાં કારણો અને સંદર્ભો તપાસવાં અનિવાર્ય છે.

સામાન્ય રીતે કોલેજ અને યુનિવર્સિટી ક્ષેત્રે કાર્યરત અધ્યાપકો તેમનો એપ્રેઝલ પરફોર્મન્સ ઇન્ડેક્ષ (API) વધારવા માટે, કોલેજમાં કે યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાવાના ભાગ રૂપે કે પછી કાયમી થવા માટેનાં ધોરણો સંતોષવા માટે પીએચ.ડી. કરતાં હોય છે. હાલમાં તો પ્રાથમિક શાળાનાં શિક્ષકો પણ પીએચ.ડીની પદવી ધરાવતાં જોવા મળે છે! ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી પદવીધારકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે એ સારી બાબત છે. જે તે વિષયના જ્ઞાનનો વિસ્તાર તેના થકી થતો હશે એમ માની શકાય. પણ સવા લાખનો પ્રશ્ન એ છે કે આ પ્રકારની પીએચ.ડી. થિસીસની ગુણવત્તા અને ઉપયોગિતા કેટલી? સંખ્યા વધે તેથી ગુણવત્તા વધે એવું સમીકરણ માંડવું આજે શંકાના દાયરામાં છે!

ઉપર જે પ્રશ્નો મૂકયા છે તે માત્ર આમજનતાના નથી,પરંતુ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીઓના પણ છે. તેમનું એવું પણ માનવું છે કે આજકાલ જે પીએચ.ડી.ની પદવી એનાયત થાય છે તેનાથી સંશોધકો સિવાય કોઇને ફાયદો થતો નથી! સંશોધનના નિબંધો ગ્રંથાલયની શોભા વધારે છે!! પ્રતિ વર્ષ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પદવી એનાયત થતી રહે છે. ન્યૂઝ ચેનલ, સમાચારપત્રોમાં ફોટા સાથે તેની નોંધ લેવામાં આવે છે, પણ જે વિષયમાં સંશોધન માટે પીએચ.ડી.ની પદવી એનાયત થઇ છે તે વિષયના મૂળભૂત જ્ઞાનમાં કેટલો વધારો થયો તે કોઇ તપાસતું નથી.

વળી તેનાં તારણો, પરિણામો રાષ્ટ્રને, સમાજને કે સરકારને કેટલી માત્રામાં ઉપયોગી સાબિત થયાં તે પણ જોવાતું નથી! સમાજનો એક વર્ગ એવું પણ માને છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓ પીએચ.ડી. ડિગ્રીની લ્હાણી કરી, તગડી ફી દ્વારા કમાણી કરે છે! સંશોધક-વિદ્યાર્થી પાછળ સરકાર પણ હજારો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં આ સંશોધનો ‘સમાજ કે સરકારને દિશાસૂચક કે ઉપયોગી સાબિત થતા નથી! બહુ અપવાદરૂપ કેસમાં કેટલાંક સંશોધનોનાં તારણો શિક્ષણના નીતિ-નિર્ધારણમાં ઉપયોગી નિવડે છે. બીજી તરફ, સમાજનો બીજો એક શિક્ષિત વર્ગ એવું પણ માને છે કે, પીએચ.ડી. કક્ષાનાં સંશોધનો, સમાજ સુધારણા માટે કે સરકારની નીતિ નિર્ધારણ માટે નથી. તે માત્ર પદવીના ભાગરૂપે કે સંશોધકના લાભાર્થે છે. આવી બે વિરોધાભાસી વિચારધારાઓ શિક્ષણજગતમાં પ્રવર્તે છે અને એમાં કશું ખોટું પણ નથી. આપણે તેમાંથી તટસ્થતાપૂર્વક સત્ય શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ. દ્વિધા એ છે કે જે સત્યશોધન માટે સંશોધન હાથ ધરવામાં આવે છે તેનું પણ સત્ય દોહન કરવું પડે?! હા, વર્તમાન સંજોગોમાં કરવું પડે.

ખેર! કોઇ પણ ક્ષેત્રે હાથ ધરાતાં સંશોધનો સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં હોય છે. 1. મૂળગત (પાયાનું) સંશોધન 2. વ્યાવહારિક સંશોધન અને 3. ક્રિયાત્મક સંશોધન. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે યુનિવર્સિટી કક્ષાએ, સંશોધકો દ્વારા જે સંશોધનો હાથ ધરવામાં આવે છે તે મૂળગત સંશોધન છે જ નહિ, એ તો મહદ્ અંશે વ્યાવહારિક પ્રકારનાં સંશોધનો છે, જેને ગુણવત્તા કે ઉપયોગિતા સાથે ઝાઝો સંબંધ નથી.

તેનો હેતુ તો સંશોધકને કાયમી થવા માટે કે પ્રમોશન આપવા પૂરતો મર્યાદિત છે. જો આપણે ઇચ્છતા હોઇએ કે સંશોધનો રાષ્ટ્ર કે સમાજના નવનિર્માણ માટે કે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક માળખામાં ગુણવત્તાલક્ષી સુધારણા માટે થવા જોઇએ તો તે માટે મૂળગત સંશોધનો જ એક માત્ર વિકલ્પ છે. આ માટે સરકારે વિશિષ્ટ સહાય પૂરી પાડીને, યોગ્ય સંશોધકોને સંશોધન માટે પ્રેરિત કરવા જોઇએ. યુ.જી.સી. માઇનર રિસર્ચ પ્રોજેકટ્‌સ કે મેજર રિસર્ચ પ્રોજેકટ માટે રિસર્ચ સ્કોલરને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે તેના થકી જે સંશોધન પ્રોજેકટ હાથ ધરાય છે તે ઉપયોગી સાબિત થયા છે.

પરંતુ પીએચ.ડી. કક્ષાનાં સંશોધનો અને રિસર્ચ પ્રોજેકટ્‌સ વચ્ચે ઘણો મોટો તફાવત છે, જે સમજી લેવાની જરૂર છે. અલબત્ત અહીં આપણે માત્ર પીએચ.ડી. કક્ષાનાં સંશોધનોને જ ટાર્ગેટ કર્યાં છે જેની ગુણવત્તા અને ઉપયોગિતા અંગે ઘણા પ્રશ્નો પ્રવર્તે છે. મૂળગત સંશોધનો માટે વિશાળ પ્રયોગશાળા, અદ્યતન સાધનસામગ્રી તેમજ ખૂબ જ મોટા બજેટની જરૂર પડે છે એટલું જ નહિ તેનાં પરિણામો માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે.

ધીરજ ધરવી પડે છે. કયારેક પક્ષીઓ અને પ્રાણીઓ પર પ્રયોગો હાથ ધરવા પડે છે. નિયંત્રિત અને અનિયંત્રિત બંને પરિસ્થિતિમાં પ્રયોગ હાથ ધરવા પડે છે. આ પ્રકારનાં સંશોધનો ચોક્કસ જ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કરે છે અને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય છે. સંશોધનનો જે ત્રીજો પ્રકાર છે (ક્રિયાત્મક સંશોધન) તેમાં કોઇ પદવી આપવામાં આવતી નથી પરંતુ કોલેજ કે શાળા કક્ષાના કોઇ પણ શિક્ષક તેની રોજબરોજની શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ શોધવા નાના પાયાનું, અત્યંત ટૂંકા ગાળાનું સંશોધન હાથ ધરે છે.

પીએચ.ડી. પદવી સંબંધે યુનિવર્સિટી એટલું જરૂર કરી શકે કે અમે આટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી અનાયત કરી તેમાંથી આટલાં સંશોધનો સમાજ કે સરકારને સીધી રીતે ઉપયોગી થયાં છે. તેની ડેટા બેંક ઊભી કરી શકે. બીજી તરફ સરકાર એટલું જરૂર કરી શકે કે તે યુનિવર્સિટીને ફરજ પાડી શકે કે તેમણે દર વર્ષે કેટલાં સંશોધનો કરાવ્યાં અને તેમાંથી કેટલાં સંશોધનો સમાજ કે સરકારને નીતિ ઘડવામાં ઉપયોગી સાબિત થયાં તે જણાવે.ઁયુ.એસ.ની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. કક્ષાનાં સંશોધનો મૂળગત પ્રકારનાં જ હાથ ધરવાં પડે છે. તેથી પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી લઘુતમ હોય છે. ત્યાંની યુનિવર્સિટીઓનાં રેન્કીંગનો એક ક્રાઇટેરીયા તે યુનિવર્સિટીમાં કાર્યરત નોબેલ પારિતોષિક પ્રોફેસરોની સંખ્યાનો પણ છે. આવું ભારતમાં શકય છે ખરું? એ તમે જાણો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top