Columns

રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મુર્મુની પસંદગી પાછળ ઊંડી રાજકીય ગણતરીઓ છે

દ્રૌપદી મુર્મુનું નામ જે ગઈ કાલ સુધી જાણીતું નહોતું તે આજે ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થઈ ત્યાં સુધી તેમનું નામ અજાણ્યું હતું. દ્રૌપદી મુર્મુની જીવનયાત્રા ચોંકાવનારી અને ખાસ કરીને તમામ મહિલાઓ માટે ભાવનાત્મક અને પ્રેરણાદાયી છે. તેમનો જન્મ ૨૦ જૂન, ૧૯૫૮ ના રોજ ઓરિસ્સા રાજ્યના મયુરભંજ જિલ્લામાં એક ખૂબ જ સામાન્ય વનવાસી પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૭૯ માં સ્નાતક થયાં હતાં. તેઓ ઓરિસ્સા સરકારના સિંચાઈ વિભાગમાં ક્લાર્ક બન્યાં હતાં. પછીથી તેઓ શિક્ષિકા બન્યાં હતાં.

તેમના પતિનું નામ શામચરણ મુર્મુ છે. આજે પણ તેઓ મયુરભંજમાં એક સાદા બે માળના મકાનમાં રહે છે. ૬૪ વર્ષનાં દ્રૌપદી મુર્મુ ઝારખંડનાં પ્રથમ મહિલા ગવર્નર હતાં. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. પુત્રનું ૨૦૦૯ માં અવસાન થયું હતું. તે આઘાત દ્રૌપદી મુર્મુ સહન કરી શક્યાં નહોતાં. તેઓ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં. તેમણે જીવનમાંથી બધો રસ ગુમાવી દીધો હતો. તે પરિસ્થિતિમાં તેમણે આધ્યાત્મિકતાનો આશરો લીધો હતો. તેઓ ફરીથી ઊભાં થયાં હતાં. તેમના બીજા પુત્રનું ૨૦૧૩ માં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે જ મહિનામાં તેમની માતાનું પણ અવસાન થયું હતું.

તેમના કર્તવ્યનિષ્ઠ ભાઈનું પણ અવસાન થયું. નિયતિએ તેમની સાથે અન્યાય કર્યો હતો, પરંતુ આધ્યાત્મિકતા તેમની સાથે હતી. તેમણે દલિતોની અને વનવાસીઓની સેવામાં પોતાની જાતને લીન કરી દીધી હતી. તેમણે પોતાના દુ:ખને દુનિયાના દુ:ખ સાથે ભેળવી દીધું હતું. તેઓ ૨૦૨૧ સુધી ઝારખંડનાં રાજ્યપાલ તરીકે રહીને રિટાયર થઈ ગયાં હતાં. તેમનો જન્મદિવસ ૨૦ મી જૂને હતો અને ૨૧ મી જૂને ભારતનાં રાષ્ટ્રપતિપદ માટે તેમનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ રાબેતા મુજબ શિવ મંદિરે ગયાં હતાં.

આ નાનકડા ઘરમાંથી તેઓ ટૂંક સમયમાં જ ૩૫૦ એકર જમીન, ૧૯૦ એકરનો બગીચો અને ૭૫૦ કર્મચારીઓ સાથે વિશાળ રાષ્ટ્રપતિ ભવન તરફ જાશે અને ભારતનાં રાષ્ટ્રપતિ બનશે.  ભારતના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા માટે એક વનવાસી મહિલાની પસંદગી કોઈ અકસ્માત નથી, પણ ભાજપના તેમ જ સંઘપરિવારના એજન્ડાનો એક ભાગ છે. ભાજપ હવે પોતાનો હિન્દુત્વનો પાયો વિશાળ બનાવવા માગે છે. ભૂતકાળમાં તેના હિન્દુત્વમાં માત્ર ઉચ્ચ વર્ણના હિન્દુઓ જ આવતાં હતાં. દલિતો અને વનવાસીઓ હિન્દુ વસતિનો બહુ મોટો હિસ્સો છે. તેમની ઉપેક્ષા કરીને કોઈ પક્ષ ભારત પર રાજ કરી શકે નહીં. તેમાં પણ વનવાસીઓ હમણાં હમણાં હિન્દુઓથી અલગ થવાની વાતો કરી રહ્યા છે.

કેટલાંક વનવાસી સંગઠનો માગણી કરી રહ્યા છે કે આગામી વસતિગણતરીમાં વનવાસીઓની ગણતરી હિન્દુઓથી અલગ કરવામાં આવે. કેટલાક વનવાસીઓ વટલાઈને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી રહ્યાં છે. તેમને હિન્દુત્વમાં સ્થિર કરવા માટે સંઘનાં હજારો કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યાં છે. તેઓ વનવાસી વિસ્તારોમાં જઈને મંદિરો, શાળાઓ અને હોસ્ટેલો શરૂ કરી રહ્યાં છે. ડાંગ જેવા વનવાસી વિસ્તારમાં શબરી ધામ જેવું મંદિર બાંધવું તે પણ સંઘપરિવારના હિન્દુત્વના એજન્ડાનો ભાગ હતું. ડાંગમાં સંઘપરિવાર સાથે જોડાયેલા અનેક સંન્યાસીઓ હિન્દુત્વની રક્ષાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ વટલાયેલા વનવાસીઓનું પુન: ધર્માંતરણ કરાવી રહ્યા છે.

ભારતનાં કરોડો વનવાસીઓને હિન્દુ પ્રજાથી અલગ પાડવાનું અભિયાન કેટલાક વનવાસી નેતાઓ પણ ચલાવી રહ્યા છે. તેમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને આગેવાની લીધી છે. તાજેતરમાં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જઈને વ્યાખ્યાન આપી આવ્યા હતા કે ‘‘આદિવાસીઓ પ્રકૃતિના પૂજારી હતા. આ કારણે જ તેમને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.’’સંઘપરિવારને અને ભાજપને આદિવાસી શબ્દ સામે જ વાંધો છે. તેમનો આક્ષેપ છે કે અંગ્રેજોએ ભારતના સવર્ણોને વનવાસીઓથી અલગ પાડવા ‘આદિવાસી’શબ્દનો ઇરાદાપૂર્વક પ્રયોગ કર્યો હતો.

અંગ્રેજોએ ‘આર્યો ભારતમાં બહારથી આવ્યા હતા’, તેવી થિયરીનો ખૂબ પ્રચાર કર્યો હતો. તેમના કહેવા મુજબ આર્યો બહારથી આવ્યા હતા, પણ ‘આદિવાસીઓ’ભારતના મૂળ રહેવાસીઓ હતા. સંઘપરિવાર કહે છે કે ‘‘આર્યો, દ્રાવિડો અને કથિત આદિવાસીઓ, તે બધા ભારતનાં મૂળ વતનીઓ છે. આર્યો બહારથી આવ્યાં હતાં, તેવી થિયરી જ હમ્બગ છે. તેનો કોઈ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક આધાર નથી. આર્યોના અને દ્રાવિડોના જીન્સ એક જ છે. કથિત આદિવાસીઓની રગોમાં પણ તેવું જ રક્ત વહે છે, જેવું અન્ય ભારતીયોની રગોમાં વહે છે. કથિત આદિવાસીઓના મસીહા ગણાતા પક્ષે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ સુધી એક પણ આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા નહોતા.

ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓની વટાળપ્રવૃત્તિ ધમધોકાર ચાલી રહી છે તે સંઘપરિવાર માટે મોટી ચિંતાનો વિષય છે. આ રાજ્યોમાં વનવાસી પ્રજાની બહુમતી હોવાથી તેમને વટલાવવામાં સુગમતા રહી હતી. તેને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં આવી ગયા છે. હવે તેમનું લક્ષ્ય ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા વગેરે રાજ્યો છે, જેમાં વનવાસીઓ મોટી સંખ્યામાં રહે છે. તેમ છતાં આ રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીને ઝાઝી સફળતા મળી નથી. ઝારખંડમાં ખ્રિસ્તીઓની સૌથી વધુ વસતિ છે, પણ તે પાંચ ટકાથી વધુ નથી. દ્રૌપદી મુર્મુ પોતે ઓરિસ્સાનાં ટ્રાઇબલ વિસ્તારનાં છે અને ઝારખંડનાં ગવર્નર રહી ચૂક્યાં છે.

તેમના રાષ્ટ્રપતિ બનવાની ભારતના કરોડો વનવાસીઓમાં સંદેશો જાશે કે ભાજપ તેમને પણ તેમની પાત્રતા મુજબનું સન્માન આપવા માગે છે. સંઘપરિવાર દ્વારા વન વિસ્તારમાં જેટલાં પણ મંદિરો બાંધવામાં આવે છે, તેમાં હિન્દુ દેવીદેવતાની મૂર્તિઓ ઉપરાંત વનવાસીઓ જેની પૂજા કરે છે, તેવા દેવીદેવતાની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવે છે. આ વિસ્તારોમાં તાજેતરમાં કટ્ટર હિન્દુત્વવાદીઓ દ્વારા ચર્ચો પરના હુમલાઓ પણ વધી રહ્યા છે. સંઘપરિવાર માને છે કે સોનિયા ગાંધી પોતે ખ્રિસ્તી હોવાને કારણે કોંગ્રેસના શાસનકાળમાં મિશનરીઓને છૂટો દોર મળ્યો હતો. હવે ભાજપના રાજમાં તેમના પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. એફઆરસીએના કાયદા હેઠળ બિનસરકારી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન રદ કરીને ભાજપ સરકારે વટાળપ્રવૃત્તિઓ માટે આવતાં વિદેશી દાન પર પણ નિયંત્રણ લાદ્યું છે.

ભાજપ જ્યારે પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગી કરે છે, તેમાં રાજકીય ગણતરીઓ હોય જ છે. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે અનેક તથાકથિત સેક્યુલર પક્ષોના ટેકાથી તેમની સરકાર ચાલતી હતી. તેમને સેક્યુલારિઝમનો સંદેશો આપવા ભાજપ તરફથી રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ કલામની પસંદગી કરવામાં આવી હતી, કારણ કે તેઓ મુસ્લિમ હતા. ભાજપના પહેલા શાસનકાળમાં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિદની પસંદગી કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ ઓબીસી છે, જેમના મતોની ભાજપને બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં બહુ જરૂર છે. દ્રૌપદી મુર્મુ મૂળ ઓરિસ્સાનાં છે અને વનવાસી છે, તેને કારણે તેમને ઓરિસ્સાના બીજુ જનતા દળનો ટેકો સરળતાથી મળી ગયો છે. ભાજપના વિરોધી પક્ષોને પણ એક વનવાસીનો અને મહિલાનો વિરોધ કરવામાં બહુ મુશ્કેલી પડશે. રાજકારણમાં યોગ્ય હોદ્દા પર યોગ્ય વ્યક્તિની પસંદગી બહુ મહત્ત્વ ધરાવે છે. દ્રૌપદી મુર્મુની પસંદગી કરીને ભાજપે એક તીર વડે અનેક નિશાન સાધ્યાં છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top