Columns

નેપાળના વડા પ્રધાનપદની રેસમાં ઓછામાં ઓછા ચાર નેતાઓ છે

ભારતના પડોશી દેશ નેપાળમાં યુવાનો દ્વારા હિંસક ક્રાંતિ તો થઈ ગઈ, પણ જૂની સરકારની વિદાય પછી હવે સત્તા કોણ સંભાળે તે બાબતમાં જબરદસ્ત સસ્પેન્સ પેદા થયું છે. જે યુવા નેતાઓ દ્વારા હિંસક તોફાનોની આગેવાની લેવામાં આવી હતી, તેમને શાસનનો કોઈ અનુભવ નથી અને રાજકારણમાં પણ તેઓ નવા નિશાળિયા છે, માટે સૈન્ય દ્વારા તેમને સત્તા સોંપવામાં આવે તેવી સંભાવના બહુ ઓછી છે. આ સંયોગોમાં રાજનીતિના કોઈ અનુભવીને સત્તા સોંપવાની વાત ચાલી રહી છે, જેમાં સૌથી મોખરે સુપ્રિમ કોર્ટનાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી છે. જો કે, સુશીલા કાર્કીને વડાં પ્રધાન બનાવવા બાબતમાં હજુ આખરી નિર્ણય થયો નથી. સુશીલા કાર્કી ઉપરાંત વડાં પ્રધાનપદ માટે ઘણાં નામો ચર્ચામાં છે, જેમાં કુલમાન ઘીસિંગ, સાગર ધકાલ અને હરકા સંપાંગનો પણ સમાવેશ થાય છે. જો સુશીલા કાર્કી સંમત થાય તો તેમણે પહેલાં નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્દેલ અને પછી રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને મળવું પડશે અને તેમની મંજૂરી મેળવવી પડશે. આ પછી જ સુશીલા કાર્કી વડાં પ્રધાનપદ સંભાળી શકશે.

વડા પ્રધાનપદ સંભાળવા માટે ફેવરિટ ગણાતા કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે. તેમણે પોતાના ટ્વિટમાં એ પણ સમજાવ્યું છે કે તેઓ વડા પ્રધાનપદ સંભાળવા માટે કેમ સંમત ન થયા. બાલેન્દ્ર શાહે પોસ્ટમાં લખ્યું છે કે બધા નેપાળીઓને મારી વિનંતી છે કે દેશ આ સમયે અભૂતપૂર્વ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તમે હવે સુવર્ણ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો. કૃપા કરીને આ સમયે ગભરાશો નહીં; ધીરજ રાખો. ઐતિહાસિક ક્રાંતિને બચાવવા માટે એક વચગાળાની સરકારની રચના કરવી જોઈએ અને સંસદને તાત્કાલિક વિસર્જિત કરવી જોઈએ. હવે દેશને એક વચગાળાની સરકાર મળવા જઈ રહી છે. આ વચગાળાની સરકારનું કામ નવી ચૂંટણીઓ કરાવવાનું અને દેશને નવો જનાદેશ આપવાનું છે. આ વચગાળાની સરકારનું નેતૃત્વ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સોંપવાના તમારા પ્રસ્તાવને હું સંપૂર્ણ સમર્થન આપું છું. બાલેન્દ્ર શાહે ફેસબુક પોસ્ટમાં આડકતરી રીતે જણાવ્યું છે કે તેમણે વડા પ્રધાનપદ કેમ ન સ્વીકાર્યું. હકીકતમાં બાલેન્દ્ર શાહ ચૂંટણી જીતીને સત્તામાં આવવા માંગે છે.

નેપાળના કાઠમંડુમાં થયેલા બળવાના બે દિવસ પછી ગુરુવારે જનરલ-ઝેડના નેતાઓ આગળ આવ્યા હતા. અનિલ બાનિયા અને દિવાકર દંગલે કહ્યું કે યુવાનોએ વિરોધ કર્યો છે, કારણ કે તેઓ જૂના નેતાઓથી કંટાળી ગયા હતા. અમારો ઉદ્દેશ બંધારણને તોડવાનો નથી પરંતુ સંસદનો ભંગ કરવાનો છે. જનરલ-ઝેડના નેતા અનિલ બાનિયાએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ રાજકીય કાર્યકરોએ આગચંપી અને તોડફોડ કરી હતી. દિવાકર દંગલે કહ્યું કે અમે દેશનું નેતૃત્વ સંભાળવા માટે સક્ષમ નથી. અમને પરિપક્વ થવામાં સમય લાગશે. અમને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જનરલ-ઝેડએ ઓનલાઈન સર્વે દ્વારા વડા પ્રધાનપદ માટે મતદાન કર્યું હતું. કાર્યકારી વડા પ્રધાન અંગે કોઈ સર્વસંમતિ સધાઈ નથી. ગુરુવારે સવારે આર્મી હેડક્વાર્ટરમાં જનરલ-ઝેડ અને અધિકારીઓ વચ્ચે બીજી વખત વાતચીત શરૂ થઈ હતી. અગાઉ સુશીલા કાર્કીના નામ પર સર્વસંમતિના સમાચાર હતા, પરંતુ બપોરે ૧ વાગ્યા સુધીમાં લાઇટ મેન તરીકે જાણીતા કુલમાન ઘીસિંગનું નામ સામે આવ્યું હતું.

કુલમાન ઘીસિંગ નેપાળમાં વીજળી કાપની સમસ્યા દૂર કરવા માટે જાણીતા છે. જ્યારે તેઓ ૨૦૧૬ માં નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA) ના મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે દેશમાં વીજળીની ગંભીર સમસ્યા  હતી. ૧૮-૧૮ કલાક માટે વીજળીકાપ રહેતો હતો. આગામી ૨ વર્ષમાં તેમણે સમગ્ર દેશમાં વીજળીની સમસ્યા લગભગ દૂર કરી દીધી હતી. આ સિદ્ધિને કારણે તેઓ ઉજ્યાલો નેપાળ કા એન્જિનિયર એટલે કે નેપાળને પ્રકાશનો માર્ગ બતાવનાર તરીકે જાણીતા થયા હતા. કુલમાનના નેતૃત્વમાં નેપાળે ૨૦૨૩-૨૪ માં ભારતમાં વીજળીની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે NEA ને ખોટમાંથી બહાર કાઢ્યું અને તેને પહેલી વાર નફાકારક બનાવ્યું હતું.

નેપાળના વડા પ્રધાનની રેસમાં સૌથી આગળ જણાતાં સુશીલા કાર્કીનો જન્મ ૭ જૂન ૧૯૫૨ના રોજ બિરાટનગરમાં થયો હતો. તેમણે રાજકીય વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે હિમાયત અને કાનૂની સુધારામાં કારકિર્દી બનાવી. તેમણે ૧૯૭૨માં બિરાટનગરના મહેન્દ્ર મોરાંગ કેમ્પસમાંથી બીએ, ૧૯૭૫માં વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી અને ૧૯૭૮માં ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. સુશીલા કાર્કીએ ૧૯૭૯માં બિરાટનગરમાં કાયદાકીય પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ૧૯૮૫માં ધારણના મહેન્દ્ર મલ્ટીપલ કેમ્પસમાં સહાયક શિક્ષક તરીકે કામ કર્યું હતું. ૨૦૦૭માં તેઓ સિનિયર એડવોકેટ બન્યાં હતાં. ૧૮ નવેમ્બર ૨૦૧૦ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમણે જુલાઈ ૨૦૧૬ થી જૂન ૨૦૧૭ સુધી સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. સુશીલા કાર્કી પાસે રાજકારણીઓના ભ્રષ્ટાચારના જેટલા પણ કેસો આવ્યા તેમાં તેમણે કડકમાં કડક ચુકાદાઓ આપ્યા હતા.

નેપાળમાં અસ્થિર રાજકીય પરિસ્થિતિને કારણે ૬-૭ કેબિનેટ મંત્રીઓ, ઘણા મેયર, કાઉન્સિલ સભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓએ પોતાનો જીવ બચાવવા માટે ભારતમાં તેમનાં સંબંધીઓનાં ઘરોમાં આશરો લીધો છે. વિરોધીઓનો ગુસ્સો સીધો તેમના પર ભડકી ઊઠ્યો છે. ઘણા મંત્રીઓ અને નેતાઓનાં ખાનગી નિવાસસ્થાનો પર આગચંપી અને તોડફોડ થઈ છે. આંદોલનકારીઓ તેમને શોધી રહ્યાં છે. તેથી તેઓ નેપાળની સરહદે આવેલાં ભારતીય શહેરો, રક્સૌલ, આદાપુર, ભેલહી, છોડાદાનો, મોતીહારી, બેતિયા, અરેરાજ, કેસરિયા તરફ વળ્યા છે.

નેપાળના ભૂતપૂર્વ એટર્ની જનરલ પ્રો. ડૉ. યુવરાજ સંગ્રોલાએ કહ્યું છે કે નેપાળનું બંધારણ ભલે નબળાઈઓથી ભરેલું હોય, પણ તેને નાબૂદ કરવાને બદલે તેને સાચવવું અને સુધારવું મહત્ત્વપૂર્ણ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જનરેશન-ઝેડની ચળવળને શંકાસ્પદ તત્ત્વો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી, જેમણે વિરોધ પ્રદર્શનોને હિંસક આગચંપી અને લૂંટફાટમાં ફેરવી દીધા હતા. સોશ્યલ મિડિયા પર એક પોસ્ટમાં સંગ્રોલાએ દલીલ કરી હતી કે બંધારણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વર્તમાન આહ્વાન દેશને વિનાશક માર્ગે લઈ જશે. તેમણે કહ્યું કે બંધારણમાં ઘણી ખામીઓ છે, પરંતુ આગામી સંસદ ચૂંટાયા પછી તેને સુધારી શકાય છે અને સુધારવી જોઈએ. તેને હમણાં જ સમાપ્ત કરવાથી જનરેશન-ઝેડની આકાંક્ષાઓની નહીં, પરંતુ સ્વાર્થી હિતોની જ સેવા થશે. સંગ્રોલાએ નેપાળની તુલના ભયંકર પૂરમાં ફસાયેલી હોડી સાથે કરીને ચેતવણી આપી કે જો આપણે આ હોડીને બચાવી નહીં શકીએ તો આપણી યાત્રા અને આપણું જીવન બંને ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે આ હોડી આપણો દેશ છે. આપણે તેનું રક્ષણ કરવા માટે સાવધ રહેવું પડશે.

અત્યાર સુધી સુશીલા કાર્કીને વચગાળાની સરકારનો ચહેરો માનવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે જો સુશીલા કાર્કી વચગાળાની સરકારનાં વડાં બને છે, તો તેમના નેતૃત્વમાં નેપાળના ભારત સાથેના સંબંધો કેવા રહેશે? ખરેખર, સુશીલા કાર્કી ભારત સાથે સંકળાયેલાં અને જોડાયેલાં રહ્યાં છે. તેઓ ભારતના વડા પ્રધાન મોદીને એક મહાન નેતા તરીકે જુએ છે. તેમણે બીએચયુમાંથી અભ્યાસ કર્યો છે. નેપાળમાં હાલના સંકટ પછી વચગાળાની સરકારનાં વડાં તરીકે સુશીલા કાર્કીનું નામ ઊભરી આવ્યું છે. નામ બહાર આવ્યા પછીના પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં સુશીલા કાર્કીએ ભારત સાથે નેપાળના સંબંધો કેવા રહેશે તે પ્રશ્નનો જવાબ આપ્યો છે. પહેલા ઇન્ટરવ્યુમાં સુશીલા કાર્કીએ ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. તેમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભારત પ્રત્યે સારા વિચારો ધરાવે છે. બાંગ્લા દેશમાં વચગાળાની સરકારના વડા યુનુસના નેતૃત્વએ શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન તંદુરસ્ત રહેલા ભારત અને બાંગ્લા દેશ વચ્ચેના મજબૂત સંબંધોને નબળા પાડ્યા હતા, પરંતુ નેપાળમાં વચગાળાની સરકારનો ચહેરો ગણાતાં સુશીલા કાર્કી કટોકટીના સમયમાં નેપાળના ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top