ઇશ્વરે જો આ દુનિયાની રચના કરી હોય અને એ ગમે તેવો મહાન બુધ્ધિશાળી હોય અને તેણે બ્રહ્માંડની દરેક ચીજ એટલા બધા પરફેકટ પ્લાનીંગથી બનાવી હોય તો પણ આપણો માનવસમાજનો હજારો – લાખો વર્ષનો અનુભવ કહે છે કે એ કહેવાતો ઇશ્વર ન્યાયી, દયાળુ, સર્વજ્ઞ, સર્વશકિતમાન અને ભકતોની પ્રાર્થના સાંભળીને તેની મદદે દોડી આવનાર એવો ભકત વત્સલ હરગીજ નથી. વૈજ્ઞાનિકો વિશ્વ રચનાને પૂરેપૂરી સમજી શકયા નથી પરંતુ જેટલી સમજયા છે તે પણ સાધારણ તો નથી જ. ધર્મ ગુરુઓ અને ધર્મ પ્રચારક વિદ્વાનો ઇશ્વરને નામે અને આસ્થાને બહાને હજારો જૂઠાણાં, અજ્ઞાન અને અંધશ્રદ્ધાઓ ફેલાવી સમાજને સ્થાપિત હિતોનો શિકાર બનાવી તેની પાસે તન, મન, ધનથી લૂંટાવા માટે મજબૂર કરે છે.
એવા દૂષ્ટ કૃત્યો વૈજ્ઞાનિકો નથી કરતા. ધર્મગુરુઓના કોઇપણ દાવાથી વૈજ્ઞાનિકો ગભરાઇ નથી જતાં, જ્યારે વૈજ્ઞાનિકોએ ગોડ પાર્ટિકલની કરેલી શોધથી ધર્મગુરુઓ ગભરાઇ ગયા છે. તે દર્શાવે છે કે ધર્મગુરુઓ જે પાયા પર ઊભા છે તે પાયો નિરાધાર કાલ્પનિક અને ખોટો તથા ભયજનક છે. જ્ઞાનસ્વરૂપ કહેવાતા ઇશ્વરે આ અજ્ઞાન સ્વરૂપ જડ ગોડ પાર્ટીકલની રચના શા માટે કરી? કે પછી આ જડ ગોડ પાર્ટીકલની રચના કરનાર કોઇક શૈતાન ઇશ્વરની સમાંતરમાં જ જગતરચનાનું કાર્ય કરે છે કે શું?
કડોદ – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.