Charchapatra

તો કાપડ ઉદ્યોગમાં મંદી આવી જશે

હાલમાં કાપડ ઉદ્યોગમાં  મંદી ચાલી રહી છે. રેપીયર વોટર જેટ એરજેટ જેવા હાઈ ટેક મશીનો હજારોની સંખ્યામાં વધી જતાં માલનું ઉત્પાદન હતું તેના કરતાં અનેક ગણું થઈ ગયું છે તે આપણા વપરાશ કરતાં વધારે છે. તેના કારણે પાવરલુમ્સ કે હાઈટેક મશીનો ચલાવતાં નાના મોટા તમામ ઉત્પાદકો  મંદીનો સામનો કરી રહ્યા છે. જો આમ જ મશીનો વધતાં જશે તો પછી તમામ ઉત્પાદકોએ કાપડના ઓવર પ્રોડકશનથી કાયમી મંદીનો સામનો કરવો પડશે. મોટું નુકસાન પણ વેઠવા તૈયાર રહેવું પડશે. વર્ષો પહેલાં પાવર લુમ્સની પરમિટ કઢાવવી પડતી હતી. પરમિટ હોય તો જ પાવરલુમ્સ ચલાવી શકાતા હતા તેના કારણે પ્રોડકશન લિમિટમાં રહેતું હતું.

હવે સરકારનું મશીનો નાખવા પર કોઈ જ નિયંત્રણ નથી તેના કારણે સંખ્યાબંધ મશીનો વધી જતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જૂના ઉત્પાદકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અનુભવ વગરના અમુક વેપારીઓ બીજા ધંધામાંથી કાપડ ઉદ્યોગમાં આવ્યા છે તેઓ પૈસાના જોરે અને બેંક લોનથી કોઈ પણ ગણતરી કર્યા વગર આવા કરોડો રૂપિયાના હાઈટેક મશીનો નાખે છે તેના ઓવર પ્રોડકશનથી બજારનાં તમામ લોકોને અસર પડે છે. આપણે અંદાજે 20 ટકા વસ્તીને કાપડ ઉદ્યોગ રોજગાર આપે છે તે ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી જાય તે પહેલાં સરકારે સફાળા જાગવાની જરૂર છે. કાપડ ઉદ્યોગની મંદીનું કાયમી નિરાકરણ કેવી રીતે કરવું ઓવર પ્રોડકશન કેવી રીતે કાબૂ કરવું તે વિશે વિચારવાની અને અસરકારક પગલાં લેવાની જરૂર છે. સરકાર પાસે કાપડ ઉદ્યોગ માટે કોઈ પ્રોત્સાહક નીતિ જ નથી અને જો આમ જ ચાલશે તો યાર્ન ઉત્પાદકોથી લઈને ડાઈંગ હાઉસો કે રિટેલ કાપડ વેચનારા સુધીની આખી ચેઈનને ખૂબ જ ગંભીર અસર પડી શકે છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કેરી-ગોટલાઓનું પ્રદૂષણ અટકાવો!
હાલમાં કેરી સીઝન ચાલે છે એટલે કેરીના ગોટલાઓ નગરની-શેરીઓને ગંદી કરતાં જોવામાં આવી રહ્યા છે. કેરીના ગોટલાઓનો યોગ્ય રીતે ગારબેજ કરી નિકાલ કરવાની પ્રત્યેક સમજુ નાગરિકની ફરજ બને છે. કેરીના ગોટલાઓની ગંદકી રોકી પ્રદૂષણ અટકાવવું જરૂરી જ છે! શક્ય હોય તો કોઈ સમાજસેવી સંસ્થા આ કેરીના ગોટલાઓની ગોટલી કાઢી મુખવાસ બનાવવાનું વિચારે! પૂ. ગાંધીજીએ પણ આવું સૂચન કરેલું. કેરી સીઝનમાં થતું કેરી-ગોટલાઓનું પ્રદૂષણ અટકાવવું જરૂરી છે.
સુરત     – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top