Entertainment

બેંક મેનેજરને મંદિરમાં નાક ઘસીને માફી માંગવી પડી, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર કરી હતી ટિપ્પણી

જયપુરઃ રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લામાં એક યુવકને કેટલાક લોકોએ મંદિરમાં નાક રગડવા પર મજબૂર (Forced) કરાયો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. આ યુવકે ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી (The Kashmir Files) અંગે સોશિયલ મીડિયા (Social Media) પર એક ટિપ્પણી કરી હતી. જેથી રોષે ભરાયોલા લોકોએ તેને માફી માંગવા (Apologise) પર મજબૂર કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ (Viral) થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ પીડિત યુવક રાજેશ કુમાર મેઘવાલ ખાનગી બેંકમાં સિનિયર સેલ્સ મેનેજરના પદે નોકરી કરે છે. તેના પર એવો આરોપ છે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીકા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી હતી. તેમાં તેણે કથિત રીતે અપમાનજનક ટિપ્પણીઓ લખી હતી. આ મામલામાં ગઈકાલે રાત્રે બેહરોડ પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે.

ફેસબુક પર આ ફિલ્મની ટીકા કરી
ઘટના બેહરોડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બેહરોડ સર્કલ ઓફિસર આનંદ કુમારે કહ્યું કે રાજેશ કુમારે ચાર દિવસ અગાઉ ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી અંગે ફેસબુક મારફતે ટિપ્પણી કરી હતી. તેના આ પોસ્ટ બાદ આ અંગે આકરી ટિપ્પણીઓ આવવા લાગી હતી. ત્યાર પછી મંગળવારે લોકો દ્વારા સ્થાનિક મંદિરમાં ચોપાલ બોલાવવામાં આવી હતી. તેમાં રાજેશને પણ બોલાવવામાં આવ્યો હતો. જ્યા તેને નાક રગડવા અને માફી માંગવા પર મજબૂર કરવામાં આવ્યો હતો. પોતાની પોસ્ટમાં યુવકે પૂછ્યું હતું કે, શું અત્યાચાર માત્ર પંડિતો સાથે થયો છે? ફિલ્મમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને દર્શાવવામાં આવ્યા છે. જ્યારે અત્યાચાર તો અન્ય જાતિઓ ઉપર પણ થયા હતા.

મંદિરમાં નાક રગડવા પર મજબૂર કરાયો
રાજેશે કરેલી આ પોસ્ટના જવાબમાં કેટલાક લોકોએ ‘જય શ્રી રામ’ અને ‘જય શ્રી કૃષ્ણ’ લખ્યું. આ ટિપ્પણીઓ પર તેણે કથિત રીતે કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેણે કહ્યુ હતુ તે મારી પોસ્ટ અંગે લોકો જય શ્રીરામ અને શ્રીકૃષ્ણ લખે છે. હું જય ભીમ લખું છું. જોકે બાદમાં વિવાદ વધવા લાગ્યો હતો. ત્યારે ઓનલાઈન આવી રાજેશે માફી પણ માગી હતી. પરંતુ કેટલાક સ્થાનિક લોકોએ તેને મંદિરમાં માફી માંગવા પર દબાણ કર્યું હતું. મંગળવારે તેને મંદિર લઈ જવામાં આવ્યો, જ્યાં મેઘવાલે માફી માંગી હતી. ત્યાર પછી અધિકારીએ કહ્યું કે ત્યાં હાજર કેટલાક લોકોએ તેને મંદિરમાં નાક રગડવા માટે દબાણ કર્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક બેહરોડ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 11 લોકો સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. હવે તેઓ સમાજના લોકોની સાથે મળી ભિવાડીના SPને મળી કાર્યવાહીની માંગ કરશે.

Most Popular

To Top