Dakshin Gujarat

બલેશ્વરની બેન્ક દ્વારા સીલ કરાયેલી મિલમાં ત્રીજી વાર આવી ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ

પલસાણા: પલસાણાના (Palsana) બલેશ્વરમાં (Baleshwar) આવેલા ગુજરાત ઈકો પાર્કમાં (Gujarat Eco Park) એક મિલને (Mill) બેન્ક દ્વારા સીલ (Seal) કરાયેલી છે. આ મિલમાં ત્રણ ત્રણ વાર એક જેવી જ ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બંધ મિલમાં થતી ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો.

  • પલસાણાના બલેશ્વરના ગુજરાત ઈકો પાર્કમાં આવેલી બંધ નિરામય મિલમાંથી ભંગારની ચોરી
  • 24 કલાક સિક્યુરીટી હોવા છતાં તસ્કરો પાછળનો ગેટ તોડી ભંગાર ચોરી ગયા
  • પોલીસે ચોરેલો માલ વેચવા જઈ રહેલા 6 ને દબોચી લીધા

મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ પલસાણાના બલેશ્વર ખાતે આવેલ ગુજરાત ઇકો પાર્કમાં નિરામય મિલને છેલ્લા કેટલાક સમયથી SBI બેંકે સીલ કરી છે. તેથી આ મિલ બંધ હાલતમાં છે. બંધ હોવા છતાં મિલની બહાર 24 કલાક સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે.

દરમિયાન ગઈ તા. 1 થી 2 એપ્રિલના રોજ અજાણ્યા તસ્કરો દ્વારા મિલની પાછળનો ગેટ તોડી મિલમાં રહેલો લોખંડનો ભંગાર (Scrap Theft) ઉઠાવી ગયા હતા. અંદાજીત 540 કિલોથી વધુ 24,300/-ની કિંમતનો લોખંડના ભંગાર ચોરાઈ જવા અંગેની ફરિયાદ પલસાણા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

દરમિયાન પલસાણા પોલીસ પી.આઈ.અજિતસિંહ ચાવડા તેમજ અ. હે.કો.મેરુભાઈ રમેશભાઈનાઓએ ખાનગી રાહે બાતમી મળી હતી કે મિલમાં ચોરી કરનાર ઈસમો ચોરેલો માલ વેચવા માટે અતુલ શક્તિ ટેમ્પોમાં ભરી ને.હા. 48 પર બલેશ્વર ગામની મારુતિ હોટલ પર આવનાર છે.

બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી હતી અને અતુલ શક્તિ ટેમ્પો GJ 19 T 5793 આવતા તેને અટકાવી તપાસ કરી હતી. ટેમ્પોના પાછળના ભાગે ભંગાર મળી આવ્યો હતો. ટેમ્પા સાથે એક્ટિવા મોપેડ GJ 05 KS 6751 અને બજાજ વિક્રાંત પર GJ 05 NE 6634 મળી ત્રણ ગાડીઓ પરથી 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે આરોપી પાસેથી ત્રણ વાહન 6 મોબાઈલ અને ભંગાર મળી કુલ 2,88,300/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નિરાયમ મિલમાં ત્રીજી વખત ચોરીનો બનાવ સામે આવ્યો હતો. પકડાયેલા આરોપી તમામના કડોદરા અને પલસાણા પોલીસ મથકમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top