વડોદરા : શહેરના દાંડિયાબજારમાં ખારીવાવ રોડ ઉપર આવેલ સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા દંપતી મુંબઈની હોસ્પિટલમાં દાખલ સાસુની ખબર જોવા જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો તાળા તોડી મકાન સ્થિત તિજોરીમાંથી 20 તોલા વજનના સોના-ચાંદીના દાગીના તેમજ 12,000 રોકડ મળી રૂપિયા 5.05 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના દાંડિયાબજારમાં ખારીવાવ રોડ ઉપર આવેલ સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે સન્ની રવિન્દ્રભાઈ રાજગીરી પરિવાર સાથે રહે છે. તેઓ સુભાનપુરા સ્થિત ટીસીએસ કંપનીમાં નોકરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 25 સપ્ટેમ્બરના રોજ ભાવેશભાઈ રાજગીરી તેમની પત્ની સંજીવનીને લઈને મુંબઈની હોસ્પિટલમાં દાખલ સાસુની ખબર કાઢવા માટે ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરી કરીને નાસી છૂટ્યા હતા.
દરમિયાન તેઓના મકાનની સામે રહેતા સ્મીતાબેન પટેલે આ ચોરી અંગેની જાણ ભાવેશભાઈને કરતા તેઓ તાત્કાલિક મુંબઈથી પરત દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં મકાનમાં સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેમજ તસ્કરો મકાનના બેડરૂમમાં મુકેલી લોખંડની ત્રણ તિજોરી તોડીને 20 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ, 12,000 મળી કુલ રૂપિયા 5,05,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ભાવેશભાઈ ઉર્ફ સન્ની રાજવીએ રાવપુરા પોલીસ મથકમાં તસ્કરો બે સોનાના મંગલસૂત્ર, ચાર સોનાની ચેન, એક મંગળસૂત્ર, છ સોનાની વિટી, વગેરે દાગીના તેમજ રોકડ રૂપિયા 12000 મળી કુલ રૂપિયા 5,05,000નો મુદ્દામાલ ચોરી કરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.