સુરત(Surat) : સુરત શહેરમાં પોલીસનો (SuratCityPolice) કોઈ જ ધાક રહ્યો નથી. હજુ મંગળવારે રાત્રે અઠવાગેટના મહાવીર હોસ્પિટલની સામે જાહેર માર્ગ પર સરેઆમ એક યુવકની નિર્મમ હત્યાની ઘટના બની હતી અને હવે સુરત મનપાની (TheftInSuratMunicipalOffice) કચેરીમાં જ ચોરી થઈ છે.
વરાછા ઝોનની કચેરીમાં ચોરી, મગોબ વોર્ડ ઓફિસમાં ચોરી થઈ
તાળું તોડી ચોર ઈસમો કોમ્પ્યુટર સહિતનો સામાન ચોરી ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે રાત્રે સુરત મહાનગરપાલિકાના વરાછા (Varacha) ઝોનની વોર્ડ ઓફિસમાં ચોરી થઈ છે. વોર્ડ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી છે. તાળાં તોડીને તસ્કરોએ અંદર ઘુસી કોમ્પ્યુટર સહિતનો સામાન ચોરી લીધો છે.
સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનમાં આવેલી મગોબ વોર્ડ ઓફિસમાં બુધવારે રાત્રે તસ્કરોએ હાથ સાફ કર્યો છે. રાત્રિના સમયે જ્યારે કચેરી બંધ હતી ત્યારેતાળાં તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ઓફિસની અંદરથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને કેમેરા સહિતનો સામાન ચોરીને ભાગી ગયા હતા.
આજે ગુરુવારે સવારે પાલિકાના કર્મચારીઓ વોર્ડ ઓફિસ ખોલવા પહોંચ્યા ત્યારે તાળું તૂટેલું જોઈ ચોંકી ઉઠ્યા હતા. વોર્ડ ઓફિસના તાળાં તૂટેલા જોઈ કર્મચારીઓ પામી ગયા કે કંઈક ખોટું થયું છે. તેથી કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને અને પોલીસને જાણ કરી હતી.
પાલિકાના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ વોર્ડ કચેરીમાં ચોરી થઈ હોવાની ફરિયાદ આપવા તજવીજ શરૂ કરી હતી. દરમિયાન પાલિકાની કચેરીમાં જ ચોરી થતા તરેહ તરેહની ચર્ચા ઉઠી છે. ખાસ કરીને પોલીસ પેટ્રોલિંગ સામે પ્રશ્નો ઉઠ્યા છે. એવા પણ અહેવાલ છે કે પોલીસે પાલિકાના કર્મચારીઓને શરૂઆતમાં દાદ જ દીધી નહોતી અને ધક્કે ચઢાવ્યા હતા. જોકે, આખરે પોલીસે ફરિયાદ લીધી હોવાનું જાણવા મળ્યું છે.