સુરત(Surat): છેલ્લાં ત્રણેક વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સે નો ટુ ડ્રગ્સનું (Say No To Drugs) અભિયાન ઉપાડ્યું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા ડ્રગ્સ (Drugs) માફિયાઓને અવારનવાર પકડવામાં આવી રહ્યાં છે, ત્યારે શહેરમાં એક સંસ્થા પાછલા દસ વર્ષથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને સુધારવાનું કાર્ય કરી રહી છે.
સુરતની સંસ્થા યુથ નેશન (Youth Nation) દ્વારા પાછલા દસ વર્ષમાં 20 જેટલાં યુવાનોની ડ્રગ્સની લત છોડાવવામાં સફળતા મળી છે. જેમાં 4 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થા દ્વારા આગામી તા. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિનની સાંજે પ્રાઈમ શોપર્સથી તિરંગા સર્કલ મગદલ્લા વચ્ચે એક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડ્રગ્સની લત છોડનારા યુવકો પોતાના અનુભવો વર્ણવશે.
યુથ નેશનના વિકાશ દોશીએ કહ્યું કે, મસ્તી સાથે મેસેજ આપવાનો પ્રયાસ 26મીએ કરાશે. મગદલ્લા પર અઢી કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાશે. જેમાં રોડ શો કરાશે. સાંજે 5 વાગ્યા બાદ કાર્નિવલ યોજાશે, જેમાં રોડ પર થોડા થોડા અંતરે 11 સ્ટેજ બનાવાયા છે.
આ કાર્નિવલમાં વિવિધ આર્ટીસ્ટ પોતાના પર્ફોમન્સ રજૂ કરશે. બાઈકર્સ કરતબ દેખાડશે. ગુજરાત સ્ટેટ પોલીસ અને સુરત પોલીસના બેન્ડ તેમજ ઉડાન બેન્ડ પરર્ફોમન્સ આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
દોશીએ કહ્યું કે, અમારો હેતુ યુવાનો ડ્રગ્સની લત છોડે તે છે. પાછલા દસ વર્ષમાં અમારી સંસ્થાના સંપર્કમાં 130 ડ્રગ્સ એડિક્ટ લોકો આવ્યા છે, તેમાંથી 20ને લત છોડાવવામાં અમને સફળતા મળી છે. દોશીએ કહ્યું કે, સુરતમાં 16 વર્ષની નાની વયના કિશોર-કિશોરીઓ પણ ડ્રગ્સની લતે ચઢ્યા હોવાના કિસ્સા છે. 26મીએ ડ્રગ્સ છોડનારા પોતાની સ્ટોરી દુનિયા સામે જાહેર કરશે.