હીરા ઉદ્યોગ ક્ષેત્રે જાણીતી કંપની શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટના માલિકો ધોળકીયા પરિવારની નવી યુવા પેઢીએ પરંપરાગત હીરા ઉદ્યોગને બદલે અન્ય ક્ષેત્રને વ્યવસાય તરીકે પસંદ કર્યું છે. ડાયમંડ કિંગ તરીકે જાણીતા ગોવિંદ ધોળકીયાના પૌત્ર તેજ ધોળકીયાએ ફાર્મા કંપની શરૂ કરી છે. આજે તા. 11 સપ્ટેમ્બરના રોજ તેજ ધોળકીયાની ક્રિયમ ફાર્મા કંપનીનો શુભારંભ થયો છે.
- ગોવિંદ ધોળકીયાના પૌત્ર તેજ ધોળકીયાએ ક્રિયમ ફાર્મા કંપની શરૂ કરી, ગરીબોને સસ્તી દવા ઉપલ્બ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય
સુરતમાં આયોજિત લોન્ચિંગ ઈવેન્ટમાં ‘આરોગ્યમ- આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન’ થીમ હેઠળ ક્રિયમ ફાર્મા શરૂ કરાઈ હતી.
આ પ્રસંગે ગોવિંદ ધોળકીયાએ પૌત્ર તેજને સલાહ આપતા કહ્યું હતું કે, કિંમત નહીં મૂલ્ય વધે તેવું કાર્ય કરજો. કારણ કે કિંમત ઘટતી હોય છે પરંતુ મૂલ્ય ક્યારેય ઘટતું નથી. પૈસા કમાવાનો હેતુ રાખશો નહીં. સેવાનો હેતુ રાખશો. ઉત્તમ સર્વિસ આપવાનો હેતુ રાખશો તો પૈસા આપોઆપ કમાશો.
તેજ ધોળકીયાએ કહ્યું કે, લોકોને ઉત્તમ ગુણવત્તાની દવાઓ સસ્તી કિંમતમાં મળે તે હેતુથી ક્રિયમ ફાર્મા શરૂ કરવામાં આવ્યું છે. હાલ અમારી પાસે 200 પ્રોડક્ટ છે. ભવિષ્યમાં તે વધારીશું. 2030 સુધીમાં દેશના પ્રત્યેગ ગામ, શહેરમાં ક્રિયમ ફાર્માની દવા ઉપલ્બ્ધ કરાવવાનો ટાર્ગેટ છે.