દારૂબંધી હોવી જ જોઈએ એમ હું દૃઢપણે માનું છું. પરંતુ ગુજરાતની દારૂબંધી ભ્રમજાળ છે. દારૂ પીનારાઓને લૂંટવાના ધંધા દારૂબંધીને કારણે ફૂલ્યાફાલ્યા છે. બોટાદ જેવા લઠ્ઠાકાંડો એનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતનાં દારૂ પીનારાં લોકો મોંઘો અને ડુપ્લીકેટ દારૂ પી ને તંદુરસ્તીને ભારે નુકસાન કરી રહ્યા છે. ગુજરાતની દારૂબંધીમાં હવે પોલીસ, પોલીટીશ્યનો, લાભ લેનારા સરકારી બાબુઓ, બુટલેગરો અને દારૂનું વહન અને વિતરણ કરનારાઓ સિવાય હવે કોઈને રસ રહ્યો નથી. ગુજરાતમાં કોઈ પણ પક્ષની સરકાર આવે, 100% દારૂબંધી શક્ય જ નથી. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં વાઈનશોપની મંજૂરી આપવી જોઈએ. સરકારને પણ રેવન્યુ મળશે. જેમાંથી લોકો દારૂ પીતા થઈ જશે એ માન્યતા સદંતર તરંગી છે.’’દારૂબંધીની ભ્રમણામાંથી આપણે ક્યારે બહાર આવીશું?
આ સાથે સમાજમાં યુવાનો તરફ નજર કરશો તો તમને સમજાશે કે ઘણા યુવાનો દારૂ નથી પીતા પરંતુ ડ્રગ્સ લે છે. જેમની પૈસા ખર્ચવાની ત્રેવડ છે એવાં ટીનેજર્સથી માંડીને યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે. ડ્રગ્સ દારૂ કરતાં પણ ખતરનાક છે. એનું ચલણ વધી રહ્યું છે. પહેલાં સેવન મોટાં શહેરોમાં જ થતું હતું, પણ હવે તો નાનાં-નાનાં શહેરો, કોલેજો, હોસ્ટેલો અને કેટલીક યુવાન ગૃહિણીઓ પણ એનું સેવન કરતી થઈ ગઈ છે. ડ્રગ્સનાં બંધાણીઓને ખબર જ છે કે તેમને જોઈતું ડ્રગ્સ ક્યાં મળે છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એ સારી વાત છે, પરંતુ કોલેજો, હોસ્ટેલોની નજીક, લારીઓ ઉપર અને કેટલાક છુટક ધંધો કરનારાઓ પણ જુદા જુદા નામે ડ્રગ્સ વેચીને યુવા પેઢીને બરબાદ કરી રહી છે. દારૂ અને ડ્રગ્સની બદીને પોલીસ કે સરકાર તો રોકી ન જ શકે એ માટે લોકોમાં જ જાગૃતિ આવવી જોઈએ. સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ યુવાનોને બચાવી શકે છે. પરંતુ તે સાથે જ ગુજરાતને દારૂબંધીની ભ્રમણામાંથી મુક્તિ મળશે ખરી?
ગણદેવી – રમેશ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.