ડૉ. મફતલાલ ઓઝા લિખિત ‘ઈઝરાઈલ’ નામનું પુસ્તક વાંચવા મળ્યું. ત્યાંની શિક્ષણવ્યવસ્થા એવી ઉત્તમ છે કે દુનિયાના 60 દેશોના વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવે છે. આપણી સ્થિતિ શી છે? આપણને આપણા નબળા નેતાઓ સહિત ભ્રષ્ટાચારનો માહોલ સદી ગયો છે. આપણી અણસમજુ પ્રજા હવાલા કૌભાંડમાં પકડાયેલા નેતાઓ પોલીસવાનમાં બેસે ત્યારે તેમની સામે પણ હાથ જોડીને ઊભી રહે છે.
અમેરિકાની વાત કરીએ તો ત્યાંના અદભુત વિકાસમાં તેમનો સખત પરિશ્રમ, પ્રામાણિક્તા અને વૈજ્ઞાનિક અભિગમનો ફાળો અતિ મહત્ત્વનો છે. ઈઝરાઈલ, અમેરિકા અને કેનેડાની જેમ ત્યાં રેશનલ અભિગમ આમ સમાજની સાર્વત્રિક બાબત છે. ત્યાં બાળકોને એવી બાબતો અભ્યાસકાળ દરમિયાન જ શીખવવામાં આવે છે. આપણે ત્યાં પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશોમાં સપ્તાહના અમુક દિવસોમાં વિદ્યાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં સ્કૂલોમાં જેતે ક્ષેત્રોના તજજ્ઞો જેવા કે ટ્રાફિક ઈન્સ્પેકટર, ડૉક્ટર, પોલીસ અધિકારી, ખેડૂત, વાયરમેન, ફોટોગ્રાફર, બેંક મેનેજર, ટેલિફોન ઓપરેટર, મેયર, પાયલોટ સ્કૂટર મિકેનિક, ટપાલ અધિકારી જેવા અનેક નિષ્ણાતોને બોલાવવામાં આવે છે અને તેમના ડિપાર્ટમેન્ટનું નોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ એટલા માટે અદભુત વ્યવસ્થા છે કે આજે નહીં ને આવતી કાલે વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરી જેતે સામાજિક બાબતોનો સામનો કરવાનો છે તેની જાણકારી તેમને અગાઉથી જ મળી શકે તો તેઓ સંસારમાં ઠીક રીતે સેટ થઈ શકે. જેમ છોકરીઓ માટે હોમ સાયન્સ હોય છે તેમ સમગ્ર યુવા પેઢી માટે ‘લાઈફ સાયન્સ’ હોવું જોઈએ.
દુનિયા વચ્ચે રહેતા હોવા છતાં દુન્યવી વ્યવહારોથી અજાણ રહી જતા આપણા યુવાનો 25 વર્ષ સુધી કેવળ પુસ્તકીયું જ્ઞાન જ મેળવતા રહે છે. તેમને જીવનલક્ષી પાઠો શીખવાના મળતા નથી. એવા એક બે નહીં કરોડો અણઘડ વિદ્યાર્થીઓ જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ સેંકડો છબરડાઓ વાળે છે. આપણે ભલે અમેરિકાની જેમ યુવાનોને 18 વર્ષે અલગ ઘર ન વસાવી આપીએ પણ રોજબરોજના કામમાં ખપ લાગે એવી નાની નાની દરેક બાબતોનું જ્ઞાન તેમને અભ્યાસકાળ દરમિયાન જ મળે એવી વ્યવસ્થા જરૂર કરી શકીએ. અમેરિકન સમાજની વ્યવસ્થા મુજબ ત્યાં 18 વર્ષે યુવાનોએ પિતાનું ઘર છોડી પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે. ત્યાં શિક્ષણની પણ વિપુલ સુવિધાઓ છે. ભણતા વિદ્યાર્થીઓને સરકાર પાર્ટ ટાઈમ નોકરી આપે છે. ઘર માટે લોન પણ આપે છે. એથી અમેરિકન યુવાન સરકારી સુવિધાઓ વડે નોકરી કરે, ભણે ય ખરો અને પોતાનું ઘર પણ વસાવે. એક આમ આદમીને ઠરીઠામ થવા માટે બધી જ સુવિધા ત્યાંની સરકાર પૂરી પાડે છે. (આપણે ત્યાં સરકાર જ ઠરીઠામ નથી હોતી!)
અમેરિકન યુવાન 18 વર્ષની કાચી વયથી જ માબાપથી અલગ થઈ સમાજ વચ્ચે સ્વતંત્રપણે જીવતો થઈ જાય છે. એ કારણે તેનો વ્યક્તિગત વિકાસ ઝડપથી થાય છે. નાની વયે તેમના શિરે આવી પડતી જવાબદારીઓને કારણે જીવનની તમામ તડકીછાંયડીનો તેમને અનુભવ થાય છે અને એ સર્વ પ્રતિકૂળતાઓનો સામનો કરતાં તે જીવનના તમામ દાવપેચો શીખી વ્યવહારકુશળ બની શકે છે.
એની તુલનામાં આપણે ત્યાં યુવાન 26-27 વર્ષ સુધી માબાપના આશ્રિત તરીકે જીવે છે. એથી પુખ્ત બન્યા પછી ય તે જીવનની આંટીઘૂંટી અને દુન્યવી વ્યવહારોમાં અપરિપક્વ રહી જાય છે. બીજી તરફ વડીલો પણ તેમની એકહથ્થુ સત્તામાં યુવાનોને હસ્તક્ષેપ કરવા દેતા નથી. યુવાનો પોતાના પગારમાંથી અમુક હિસ્સો ઘરમાં આપીને છૂટી જાય છે. પોતાના જ ઘરમાં ‘પેઈંગ ગેસ્ટ‘ તરીકે જીવતા ઘણા એવા યુવાનોને અમે ઓળખીએ છીએ જેમને ઘરનો વેરો કે લાઈટબિલ કેટલું આવે તેની ય ખબર હોતી નથી. અરે! ઘર કોના નામે છે તે પણ તેઓ જાણતા નથી!
આપણી આવી જવાબદારવિહીન સમાજવ્યવસ્થાને કારણે યુવાનોને દુન્યવી વ્યવહારનું કશું પ્રશિક્ષણ પ્રાપ્ત થતું નથી. સ્થિતિ એવી થઈ છે કે B.Com. થયેલા યુવાનને બેંકમાં પૈસા ઉપાડવાનું વિડ્રોલ ફોર્મ ભરતાં નથી આવડતું. ઈન્કમટેક્સની ઓફિસમાં એ અટવાઈ જાય છે. જકાત ભરી પાર્સલ છોડાવવાનું હોય ત્યાં એને પરસેવો વળી જાય છે. TV એન્ટેનાનો કેબલ બદલવા માટે એણે TV મિકેનિકની દાઢીમાં હાથ નાંખવો પડે છે. અમારા એક પરિચિતે કહ્યું: “મારા M.Sc. થયેલા દીકરાના ફાળે એક દિવસ ગેસનું સિલિન્ડર બદલવાનું આવ્યું. ત્યારે તેને એવું લાગ્યું જાણે એના અભ્યાસક્રમની બહારનો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો છે કેમ કે એણે 25 વર્ષથી કેવળ ભણ ભણ જ કર્યા કર્યું હતું.” આપણા યુવાધનની આવી સ્થિતિ માટે કોણ જવાબદાર છે? ચાલો વિચારીએ.
ધૂપછાંવ
બચુભાઈ કહે છે: ‘જે દેશના લોકો કામધંધો ખોટી કરીને કલાકો સુધી નેતાઓના દર્શનાર્થે ગરમીમાં ઊભા રહે છે એવા દેશમાં માણસ તરીકે જન્મવા કરતાં ભ્રષ્ટાચારી નેતાઓ પર જે પ્રજા પથ્થરમારો કરતી હોય એવા દેશમાં પથ્થર બનવાનું હું વધુ પસંદ કરીશ!’