આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે નવું આંતરરાષ્ટ્રીય વર્ષ શરૂ થયાને ત્રણ દિવસ થઇ પુરા થઇ ચુક્યા હશે. વીતેલું ૨૦૨૧નું વર્ષ પણ તેની અગાઉના ૨૦૨૦ના વર્ષની જેમ જ રોગચાળાનું વર્ષ રહ્યું. ૨૦૨૦માં વૈશ્વિક રોગચાળાની શરૂઆત થઇ, આમ તો ચીનમાં રોગચાળો ૨૦૧૯માં શરૂ થઇ ગયો હતો, પણ વિશ્વભરમાં ૨૦૨૦માં ફેલાયો, અને થોડા મહિનાઓમાં તો તેણે હાહાકાર મચાવી દીધો. ભારત સહીત દુનિયાના અનેક દેશોમા લૉકડાઉન સહિતના નિયંત્રણો મૂકવામાં આવ્યા અને તેનાથી આખી દુનિયાની અર્થ વ્યવસ્થા હચમચી ગઇ. ૨૦૨૧માં પણ રોગચાળો તો ચાલુ રહ્યો, પરંતુ રસીકરણ પણ શરૂ થઇ ગયું હતું. જો કે રસીકરણ શરૂ થવા છતાં અનેક દેશોમાં મોટા પાયે કોવિડના કેસો તો નિકળ્યા જ. ભારતમાં તો રસીકરણ શરૂ થયાના શરૂઆતના મહિનાઓમાં જ કોરોનાવાયરસના રોગચાળાનું બીજું અને ભયંકર મોજું આવ્યું અને તેણે દેશમાં હાહાકાર મચાવી દીધો.
ઓક્સિજનનો અભાવ, હોસ્પિટલોમાં અંધાધૂંધીની જે ઘટનાઓ બની અને દેશના અનેક રાજ્યોમાં મોતનું જે તાંડવ મચ્યું તે તો ક્યારેય ભૂલાય તેમ નથી. જો કે પછી આ મોજુ શમી ગયું, અનેક દેશોમાં કેસો ધીમા પડી ગયા અને રોગચાળો શમતો લાગ્યો, પરંતુ વર્ષના છેલ્લા મહિનાઓમાં કોરોનાવાયરસનો ઓમિક્રોન નામનો નવો વેરિઅન્ટ ઉદભવ્યો. આના કારણે કેસો વધવા માંડ્યા અને નવા વર્ષમાં પણ આ વેરિઅન્ટ ચિંતા જન્માવી રહ્યો છે, પરંતુ અહીં આપણે જે વાત કરવી છે તે ૨૦૨૧ વિશે થયેલી કેટલીક ભયંકર આગાહીઓની. નોસ્ટ્રાડેમસ અને બાબા વાંગા જેવા કેટલાક જૂના અને વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષોને ટાંકીને એવી આગાહીઓ કરવામાં આવી હતી કે ૨૦૨૧નું વર્ષ એટલું ભયંકર હશે કે ૨૦૨૦ની ભયાનકતાઓ ભૂલાઇ જશે. ૨૦૨૧માં એવો નવો રોગચાળો ફેલાશે કે કોવિડનો રોગચાળો તો ક્યાંય ભૂલાઇ જશે. ૨૦૨૧માં કોઇ મોટા નેતાની હત્યા થશે અને ભયંકર યુદ્ધ ફાટી નિકળશે અને તેમાં દુનિયામાં ઘણી તબાહી થશે એવી આગાહીઓ થઇ હતી. ૨૦૨૧ પુરું થયું છે ત્યારે આપણે વિચારીએ કે આમાંથી કેટલી આગાહીઓ સાચી પડી?
૨૦૨૧ના વર્ષમાં અલબત્ત, રોગચાળો ચાલ્યો ખરો અને તેમાં ઘણા બધા મૃત્યુઓ પણ થયા, પરંતુ ૨૦૨૦ને સારું કહેવડાવે છેક તેવી સ્થિતિ તો સર્જાઇ નહીં. કોવિડને સારો કહેવડાવે તેવો નવો રોગચાળો શરૂ થયો નહીં. ભયાનક યુદ્ધની આગાહીઓ તો સદંતર ખોટી પડી. કોઇ મોટા નેતાની હત્યા થઇ નહીં કે કોઇ ભયાનક યુદ્ધ ફાટ્યું નહીં. નાના છમકલાઓ થયા તે જુદી વાત છે. ૨૦૨૧ વિશે એક સારી આગાહી પણ હતી પરંતુ તે પણ ખોટી પડી છે. ૨૦૨૧ના વર્ષમાં કેન્સરની દવા શોધાઇ જશે તેવી આગાહી હતી પરંતુ આ આગાહી પણ ખોટી પડી છે. કેન્સરનો કોઇ અકસીર ઇલાજ હજી શોધાયો નથી. ભારતમાં શું કે વિશ્વમાં અન્યત્ર શું?
એક યા બીજા પ્રકારના જ્યોતિષો પર અંધ વિશ્વાસ કરનારા ઘણા બધા લોકો છે અને જ્યારે આ જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે ત્યારે તેઓ મૌન થઇ જાય છે અથવા તો જ્યોતિષોના લૂલા પાંગળા બચાવો કરવા લાગી જાય છે. વળી, ૨૦૨૧ વિશે જે આગાહીઓ કરવામાં આવી હતી તે જૂના જ્યોતિષો કે આગાહીકર્તાઓની વાણીનું હાલના તેમના ચાહકોએ વિશ્લેષણ કરીને કરી હતી અને આ આગાહીઓ પાછળ જાણી જોઇને વેદના ઉભી કરવાની કે ઉત્તેજના ઉભી કરવાની માણસની વૃત્તિ પણ કામ કરી જતી હોય છે. જો કે સદભાગ્યે ઘણી ભયાનક આગાહીઓ ખોટી પડી છે અને કુલ મળીને જોઇએ તો ૨૦૨૦ના વર્ષ કરતા ૨૦૨૧નું વર્ષ એકંદરે સારું જ ગયું છે.
૨૦૨૧ના વર્ષમાં ઘણુ બધુ બન્યું છે. રોગચાળામાં ઘણા બધા મૃત્યુઓ ૨૦૨૧માં પણ થયા. રાબેતા મુજબ માંદગીઓ, અકસ્માતો વગેરેને કારણે થતા મૃત્યુઓ તો ખરા જ. રોગચાળાને કારણે લાખો લોકોના મૃત્યુઓ છતાં દુનિયાની વસ્તીમાં ૭ કરોડ કરતા વધુ લોકોનો ઉમેરો થયો છે જ્યારે કે રોગચાળો હજી ચાલુ છે. રસીકરણ તો કયારનું શરૂ થઇ ગયું છે અને રસીકરણના ત્રીજા ડોઝ પણ કેટલાક સ્થળે મૂકાવાનું શરૂ થઇ ગયું છે તો ઇઝરાયેલ જેવા દેશે તો ચોથો ડોઝ આપવાનું પણ શરૂ કરી દીધું છે. ઘણા દેશો આર્થિક ખાનાખરાબીમાંથી બેઠા થયા છે તો ઓમિક્રોન નવી ચિંતાઓ ઉભી કરી રહ્યો છે. ૨૦૨૨ના વર્ષ માટે કોઇ ભયંકર આગાહીઓ હજી સુધી તો સાંભળવામાં આવી નથી અને આ વર્ષ ૨૦૨૧ના વર્ષ કરતા સારુ રહે તેવી આશા રાખવામાં કશું ખોટું નથી..