પેન્ડોરા પેપર્સના (Pandora papers leak) એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા કંપનીઓના નામે ચલાવાતી પેઢીઓની મદદથી તેમના ધનવાન ગ્રાહકો માટે વિદેશોમાં ઓછામાં ઓછી ૩૯૨૬ ઓફશોર કંપનીઓ સ્થાપી આપી છે. આવા કૃત્યોમાં સહાય કરતી અલ્કોગલ કંપનીનું મૂળ નામ ધ લ ફર્મ છે અને તે એક પનામીયન કંપની છે અને પનામાના અમેરિકા ખાતેના એક ભૂતપૂર્વ રાજદૂત તેનું સંચાલન કરે છે!
આવી કંપનીઓ ન્યૂઝીલેન્ડ, ઉરુગ્વે અને સંયુક્ત આરબ અમીરાત સહિતના એક ડઝન દેશોમાં પોતાની એફિલિયેટેડ ઓફિસો ધરાવે છે. પેન્ડોરા પેપર્સના સર્ચ રેકર્ડોમાં સૌથી વધુ વિગતો આલ્કોગલ ઉપરાંત બ્રિટિશ વર્જિન આઇલેન્ડની ટ્રિડેન્ટ ટ્રસ્ટ કંપનીના તથા સિંગાપોરના એસિયાસીટી ટ્રસ્ટના દસ્તાવેજોમાંથી બહાર આવી છે.
સંશોધનાત્મક પત્રકારોના આંતરરાષ્ટ્રીય જૂથ(ICIJ) દ્વારા પેન્ડોરા પેપર્સના નામે વિશ્વભરના ધનાઢ્યોની છૂપી મિલકતોની સંવેદનશીલ માહિતી બહાર લાવવામાં આવી છે. આ જ પત્રકાર જૂથ દ્વારા ૨૦૧૬માં પનામા પેપર્સના નામે આવી માહિતી બહાર આણવામાં આવી હતી અને આ વખતનું તેમનું કાર્ય પનામા પેપર્સના ફોલો-અપ જેવું છે પણ પનામા પેપર્સ કરતા ઘણા વધુ પ્રમાણમાં માહિતી બહાર લાવવામાં આવી છે.
પેન્ડોરા પેપર્સ લીકમાં ૧૧૭ દેશોના ૧૫૦ મીડિયા જૂથોના ૬૦૦ પત્રકારો સંકળાયા છે અને તેમણે વિશ્વભરના ધનવાનો કથિત લૉ અને ફાયનાન્સ કંપનીઓની મદદથી કરમુક્ત દેશોમાં કઇ રીતે પોતાની બનાવટી કંપનીઓ અને ટ્રસ્ટો વગેરે સ્થાપે છે અને કઇ રીતે પોતાની બે નંબરની મિલકતો સંતાડે છે તેની માહિતી આવા ગોરખધંધાઓની સગવડ કરી આપતી લૉ કે ફાયનાન્સ કંપનીઓના દસ્તાવેજો મેળી લઇને આબાદ રીતે જાહેર કરી છે.
દેશમાં કર નહીં ભરવો પડે તે માટે થાય છે બધો ખેલ
આ માહિતી પરથી જાણવા મળે છે કે વિશ્વભરના અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ખેલાડીઓ, ફિલ્મી હસ્તીઓ વગેરે પોતાના દેશમાં કર ચુકવવો નહીં પડે તે માટે વિદેશોમાં બનાવટી કંપનીઓ કે ટ્રસ્ટો સ્થાપે છે અને તેમાં પોતાની મિલકતોનું રોકાણ કરે છે. આ રોકાણ તેઓ મોટે ભાગે સમોઆ, પનામા, બહામાસ, વર્જિન આઇલેન્ડ જેવા ટેક્સ હેવન દેશોમાં કરે છે. આ જ દેશોમાં તેઓ મકાનો, વૈભવી યોટ્સ વગેરે પણ ખરીદીને રાખે છે. આને પેન્ડોરા પેપર્સ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે અગાઉ જે ધનવાનોના ભ્રષ્ટ વ્યવહારો સંતાઇ પર પ્રકાશ ફેંકી શકાયો ન હતો તે વ્યવહારોની વિગતો હવે આમાં બહાર આવી છે.