બહુ ઓછાં લોકોને ખબર હશે કે વેશ્યા શબ્દ વ્યવસાય ઉપરથી બન્યો છે. જે વ્યવસાય કરે તે વેશ્યા. વૈશ્ય શબ્દની ઉત્પત્તિ પણ વેશ્યા શબ્દની ઉત્પત્તિ જેવી છે. વૈશ્ય શબ્દને સમાજમાં સન્માન પ્રાપ્ત થયું; પણ વેશ્યા શબ્દ સદાય તિરસ્કૃત રહ્યો તે માટે આપણા સમાજની દંભી માનસિકતા જવાબદાર છે. લાખો પુરુષો વેશ્યાગમન કરે છે, માટે મોટાં કે નાનાં શહેરોમાં હજારો વેશ્યાઓ હયાત છે. વેશ્યાગમન કરનારા પુરુષો સમાજમાં ઇજ્જતભેર રહી શકે છે, પણ વેશ્યાઓને હલકી માનવામાં આવે છે. વેશ્યાઓનાં જે સંતાનો હોય છે, તેઓ સમાજના સન્માનનીય પુરુષોનાં ફરજંદ હોય છે, તેમ છતાં તેઓ પોતાના નામની પાછળ પોતાના પિતાનું નામ લખાવી શકતાં નથી.
મોટા ભાગના કિસ્સાઓમાં તો તેમને પોતાના બાપનું નામ પણ ખબર હોતી નથી. જૂના જમાનામાં વેશ્યાઓને નગરવધૂનો સન્માનનીય દરજ્જો આપવામાં આવતો હતો. તેમને ગણિકા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. નગરની બહાર તેમની ભવ્ય હવેલીઓ રહેતી, જ્યાં સૂર્યાસ્ત પછી ગીત, સંગીત અને નૃત્યની મહેફિલ જામતી હતી. નગરવધૂઓ પોતાનાં ઘરોમાં ગામની સ્ત્રીઓને સ્ત્રીઓની ૬૪ કળાઓ ભણાવતી, જેમાં પતિદેવને કેમ પ્રસન્ન રાખવા? તેની કળાનો પણ સમાવેશ થઈ જતો.
ભારતના કાનૂની તંત્રમાં વેશ્યાવ્યવસાય ગુનાખોરી સાથે સંકળાઈ ગયો છે. દારૂ, જુગાર અને ચોરી જેવા તિરસ્કૃત ધંધાઓ સાથે પોલીસ તંત્ર દ્વારા વેશ્યાવ્યવસાયને પણ ગુનાઈત ગણવામાં આવે છે. વેશ્યાગૃહો પાસેથી ઉઘરાવવામાં આવતા હપ્તાઓ પોલીસની આવકનો મહત્ત્વનો સ્રોત હોય છે. વેશ્યાઓની પજવણી કરવામાં હવાલદારો બહાદુરી સમજે છે. વેશ્યાગૃહોના માલિકો પણ ગરીબ અને લાચાર સ્ત્રીઓનું શોષણ કરે છે, કારણ કે તેમને કોઈ કાનૂની સંરક્ષણ આપવામાં આવ્યું નથી. સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને વેશ્યા વ્યવસાયને કાનૂની દરજ્જો આપ્યો છે, પણ વેશ્યાઓ સમાજમાં શોષણરહિત જિંદગી જીવી શકે તે માટે લાંબી મજલ કાપવાની બાકી છે.
ભારતના કાયદાઓ મુજબ કોઈ સ્ત્રી પોતાનો જીવનનિર્વાહ કરવા માટે પોતાનું શરીર વેચીને વેશ્યાવ્યવસાય કરે, તો તેને ગુનો માનવામાં નથી આવતો; પણ વેશ્યાવ્યવસાય કરતી સ્ત્રીઓની દલાલી કરવી, તેમની કમાણીમાં ભાગ પડાવવો, કોઈ સ્ત્રીને બળજબરીથી વેશ્યા વ્યવસાયમાં ધકેલવી, સગીર કન્યાઓ પાસે વેશ્યા વ્યવસાય કરાવવો, વગેરે ગુનાઓ ગણાય છે. પરંતુ વ્યવહારમાં તો પોલીસ તંત્ર વેશ્યાઓ સાથે ગુનેગારો જેવું વર્તન જ કરે છે. પોલીસ દ્વારા વેશ્યાગૃહો પર દરોડા પાડવામાં આવે ત્યારે વેશ્યાઓની ધરપકડ કરીને તેમને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવતી હોય છે.
હકીકતમાં જો કોઈ પુખ્ત વયની મહિલા પોતાની મરજીથી વેશ્યાવ્યવસાય કરતી હોય તો પોલીસને તેની ધરપકડ કરવાનો જ અધિકાર નથી. તેમ છતાં પોલીસો દરોડા દરમિયાન તેમની અટકાયત કરે છે, મોટી રકમનાં તોડપાણી કરે છે અને પછી તેમને છોડે છે. જો વેશ્યાગૃહના માલિકો વેશ્યાની આવકમાં ભાગ પડાવવા બદલ ગુનેગાર ગણાતા હોય તો પોલીસ કર્મચારીઓ પણ ગુનેગાર ગણાવા જોઈએ, પણ તેમના પર કોઈ કેસ દાખલ કરવામાં આવતો નથી. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે પોલીસે દરોડા દરમિયાન કોઈ વેશ્યાની ધરપકડ કરવી નહીં. જો વેશ્યા સગીર વયની છે, તેવી શંકા હોય તો તેનું તબીબી પરીક્ષણ કરાવીને તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવી જોઈએ. નારી સંરક્ષણ ગૃહમાં પણ નારીઓ સુરક્ષિત હોતી નથી. તેના સંચાલકો જ તેમના પર બળાત્કાર કરતા હોય છે. તે પરિસ્થિતિમાં પણ સુધારો થવો જોઈએ.
સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ વેશ્યાઓને પણ દેશના તમામ ફોજદારી કાયદાઓનું સંરક્ષણ મળવું જોઈએ. દાખલા તરીકે કોઈ ગ્રાહક વેશ્યાની ઇચ્છાથી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધે કે ઠરાવ્યા મુજબનું મહેનતાણું ન ચૂકવે તો વેશ્યાને તેની સામે બળાત્કાર કે છેતરપિંડીની ફરિયાદ કરવાનો અધિકાર છે અને પોલીસે તેવી ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરવો જોઈએ નહીં. વેશ્યાગૃહના માલિક દ્વારા કોઈ વેશ્યા સાથે મારપીટ કરવામાં આવે કે તેની પાસે બળજબરીથી ધંધો કરાવવામાં આવે તો પણ પોલીસે તેની ફરિયાદ સાંભળવી જોઈએ. યાદ રહે કે સુપ્રિમ કોર્ટે વ્યક્તિગત વેશ્યાવ્યવસાયને કાનૂની માન્યતા આપી છે, પણ તેને ઉદ્યોગ તરીકે ચલાવવાની સ્વીકૃતિ આપી નથી. સિંગાપોર, હોંગકોંગ અને બેંગકોકમાં જે રીતે ફાઇવ સ્ટાર વેશ્યાગૃહો ચલાવવામાં આવે છે, તેવાં વેશ્યાગૃહો ભારતમાં ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. આ વેશ્યાગૃહોમાં ભોળી મહિલાઓને ફસાવીને જોડવામાં આવે છે, તેની પરવાનગી સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં નથી આવી.
કોઈ પણ પુખ્ત વયનાં બે સ્ત્રીપુરુષો બંધ બારણે પરસ્પરની સંમતિથી સેક્સ કરતાં હોય તો તેમને તેમ કરવાનો કાનૂની અધિકાર છે. પોલીસને તેમની સામે કેસ દાખલ કરવાનો અને તેમની ધરપકડ કરવાનો કોઈ અધિકાર નથી, પણ પોલીસ તેવું કરતી હોય છે અને તેના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ કરવા માટે પણ મોકલી આપતી હોય છે. પોલીસ દ્વારા હોટેલો પર પાડવામાં આવતા મોટા ભાગના દરોડાઓ બોગસ હોય છે, કારણ કે પોલીસને ખાનગી જગ્યાઓ પર દરોડા પાડવાનો અધિકાર જ નથી.
આ દરોડામાં મળી આવતી કોઈ મહિલા વેશ્યા કે કોલ ગર્લ હોય તો પણ પોલીસને તેની ધરપકડ કરવાનો અધિકાર મળી જતો નથી. આ કારણે જ પોલીસ અમલદારો વેશ્યાઓ ઉપર જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવાનો બોગસ કેસ દાખલ કરતા હોય છે. કોઈ સ્ત્રીપુરુષ ખાનગીમાં કોઈ અંગત ક્રિયાઓ કરી રહ્યા હોય તેને જાહેરમાં બિભત્સ ચેનચાળા કેમ કહેવાય? મોટાં શહેરોમાં ચાલતાં મસાજ પાર્લરો કે સ્પા પર પાડવામાં આવતા દરોડાઓ પણ ગેરકાયદે છે. જો તેમાં કામ કરતી મહિલાઓ પર કોઈ બળજબરી ન થતી હોય તો દરોડા પાડી શકાય નહીં. સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી હોટેલો કે મસાજ પાર્લરો પર પાડવામાં આવતા બોગસ દરોડાઓ બંધ થઈ જવા જોઈએ.
પોલીસ દ્વારા જ્યારે કોઈ પણ કૂટણખાના પર દરોડા પાડવામાં આવે છે ત્યારે મીડિયાના રિપોર્ટરો, ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોની ટીમ અચૂક તેમની સાથે હોય છે. તેઓ વેશ્યાઓની અને તેમના ગ્રાહકોની તસવીરો ઝડપીને તેને અખબારોમાં ચમકાવવામાં બહાદુરી સમજે છે. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં મીડિયાની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મીડિયાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવી મહિલાઓની ઓળખ છતી થઈ જાય તેમ તેમની તસવીર છાપવી જોઈએ નહીં. જો મીડિયાવાળા તેવી ગુસ્તાખી કરે તો તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૫૪-સી હેઠળ કેસ દાખલ કરવાની સૂચના પણ સુપ્રિમ કોર્ટે આપી છે.
આ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલાની અંગત પળોની તસવીર તેની મરજી વિરુદ્ધ લે તો તેને ઓછામાં ઓછા એક વર્ષની અને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદા પછી મીડિયાવાળાએ કૂટણખાનાના દરોડા વખતે પોલીસ સાથે દોડી જવાનું બંધ કરવું જોઈએ. તેને બદલે જો પોલીસો મસાજ પાર્લરના માલિકો પર જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવાનો કેસ દાખલ કરે તો મીડિયાવાળાએ તેમને સાચી સમજણ આપવી જોઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદાથી રાતોરાત વેશ્યાઓની હાલત સુધરી નથી જવાની; સમાજે પણ તેની માનસિકતા બદલવી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.