નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં સ્થાનિક તંત્રની નબળી અને ભ્રષ્ટ નેતાગીરીને વાંકે નગરમાં અનેક વિકાસલક્ષી કામો ટલ્લે ચડ્યાં છે. નગરમાં રૂપિયા ૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક ટાઉનહોલનું દોઢ વર્ષ પૂર્વે ખાતમુર્હૂત કર્યાં બાદ એક ઈંટ પણ મુકવામાં આવી નથી. કામગીરીના નામે દોઢ વર્ષમાં માત્ર એક ખાડો ખોદી કામ પડતુ મુકવામાં આવ્યું છે. તંત્રની આવી ઘોર લાપરવાહીને કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં પુનિત આશ્રમ નજીક આવેલ ઓપન થિયેટર જર્જરિત બનતાં તેમાં પાલિકાતંત્ર દ્વારા ભંગાર ખડકી દેવામાં આવ્યો હતો. ભંગારખાનામાં ફેરવાયેલા આ ઓપન થિયેટરનું સમારકામ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવાની માંગ સાથે નગરના જાગૃત નાગરિકો ઉપરાંત કલાજગત સાથે સંકળાયેલા લોકોએ પાલિકામાં રજુઆતો કરી હતી.
જોકે, તેમની રજુઆતો ધ્યાને લેવાતી ન હતી. જેથી તેઓએ આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો હતો. દરમિયાન ઓપન થિયેટરનું જર્જરિત મકાન તોડી તે જ જગ્યા પર રૂપિયા ૩ કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવાનું મંજુર થયું હતું અને તા.૧૬-૭-૨૦ ના રોજ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય સંચાર મંત્રી) ના હસ્તે ખાતમુર્હૂત પણ કરવામાં આવ્યું હતું. જેને પગલે નગરજનોમાં ખુશીની લહેર છવાઈ હતી. જોકે, ખાતમુર્હૂત કર્યાં બાદ ટાઉનહોલ બનાવવાની કામગીરી બાબતે તંત્રએ રસ દાખવ્યો ન હતો. જેને પગલે ખાતમુર્હૂત કર્યાંના દોઢ વર્ષ બાદ આજદિન સુધી ટાઉનહોલ બનાવવાની કોઈ કામગીરી થઈ નથી. તંત્રની આવી ઘોર લાપરવાહીને કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે ટાઉનહોલ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ખાતમૂહ્રર્તમાં ફોટા પડાવવામાં રસ દાખવનાર નેતાઓએ ટાઉનહોલની કામગીરી બાબતે રસ ન દાખવ્યો
ટાઉનહોલના ખાતમૂહ્રર્ત વખતે ઉપસ્થિત રહેલાં એકપણ રાજકીય કે સામાજીક અગ્રણીએ બાદમાં ટાઉનહોલની કામગીરી બાબતે રસ દાખવ્યો નથી. ડાકોરના કહેવાતા રાજકીય નેતાઓએ ટાઉનહોલના ખાતમૂહ્રર્તમાં ફોટા પડાવી, સોશ્યલ મિડીયામાં મુકી વાહવાહી લુંટી હતી. આવા નેતાઓ આજદિન સુધીમાં ટાઉનહોલની જગ્યા આગળથી કેટલીયે વાર પસાર થયાં છે. પરંતુ કોઈએ આ કામ કેમ અટક્યું છે ? તે જાણવા તેમજ ટાઉનહોલનું કામ શરૂ કરાવવા માટેની તસ્દી લીધી નથી. જેને પગલે ખાતમૂહ્રર્તના દોઢ વર્ષ બાદ પણ ડાકોરને ટાઉનહોલની સુવિધા મળી નથી.
પાલિકાતંત્રના વાંકે ડાકોરમાં રંગમંચના કાર્યક્રમો બંધ થયાં
ડાકોરમાં પુનિત આશ્રમ નજીક ઓપન થિયેટર આવેલું હતું. ભવ્ય સ્ટેજની સામે વિશાળ ખુલ્લી જગ્યા ધરાવતાં આ થિયેટરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત નાટકો, ડાન્સ સ્પર્ધા, ગરબા સ્પર્ધા, ડાયરો, કવિ સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતાં હતાં. તદુપરાંત ઓપન થિયેટરની ખુલ્લી જગ્યામાં રમત સ્પર્ધાઓ પણ કરવામાં આવતી હતી. જોકે, નગરજનોનું આ સુખ પાલિકાતંત્રની આંખોમાં ખુંચતું હોય તેવી ભાવનાથી પાલિકાએ ઓપન થિયેટરની જાળવણી કરવામાં લાપરવાહી દાખવી હતી. જેને પગલે ઓપન થિયેટર જર્જરિત બન્યું હતું અને તેમાં યોજાતાં કાર્યક્રમો પણ બંધ થઈ ગયાં હતાં. જોકે, ઓપન થિયેટરની ખુલ્લી જગ્યામાં ગામના બાળકો ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમતાં હતાં. ત્યારે પાલિકાએ આ જગ્યામાં ભંગારનો ખડકલો કરે બાળકોની રમતની જગ્યા પણ છિનવી લીધી હતી.
દોઢ વર્ષ પૂર્વે દેવુસિંહ ચૌહાણના હસ્તે ટાઉનહોલનું ખાતમૂહ્રર્ત કરવામાં આવ્યું હતું
ડાકોરમાં દોઢ વર્ષ અગાઉ તારીખ ૧૬-૭-૨૦ ના રોજ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય સંચાર મંત્રી) ના હસ્તે આધુનિક ટાઉનહોલનું ખાતમૂહ્રર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત બિનઅનામત નિગમના અધ્યક્ષ વિમલ ઉપાધ્યાય, ડાકોર નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ પટેલ (રાધી) ઉપરાંત ડાકોર નગરના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અનેક રજુઆતો બાદ મંજુર થયેલ ટાઉનહોલની કામગીરી શરૂ ન કરાતાં લોકોમાં રોષ
જર્જરિત બનેલાં ઓપન થિયેટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાલિકાનો ભંગાર મુકવા થતો હોવાથી જગ્યા વેરાન બની હતી. વર્ષો સુધી વેરાન પડી રહેલી ઓપન થિયેટરની જગ્યા ઉપયોગમાં લેવા માટે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજુઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જે બાદ આખરે ઓપન થિયેટરનું જર્જરિત બાંધકામ તોડી તે જ જગ્યા પર ટાઉનહોલ બનાવવાનું મંજુર થયું હતું. દોઢ વર્ષ અગાઉ ટાઉનહોલનું ખાતમૂહ્રર્ત પણ કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં ટાઉનહોલ બનાવવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.