Madhya Gujarat

સેવાલિયામાં થાંભલા ખસેડવાનું કામ અટક્યું

સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયામાં દબાણને પગલે વીજથાંભલા ખસેડવાની કામગીરી ખોરંભે ચઢી છે. જેને પગલે અવારનવાર સર્જાતી ત્રિપિંગની સમસ્યાને પગલે વીજ ઉપકરણોને નુકશાન થવાનો ભય ગ્રામજનોમાં સતાવી રહ્યો છે. ત્યારે એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા વહેલીતકે વીજથાંભલા ખસેડવાની કામગીરી પૂર્ણ કરી, ત્રિપિંગની સમસ્યા સર્જાતી બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સેવાલિયા-બાલાસિનોર રોડ ઉપરના આડેધડ દબાણો વીજથાંભલા ખસેડવાની કામગીરીમાં નડતરરૂપ હોવા છતાં એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા થોડા સમય અગાઉ આ કામગીરી માટે ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું હતું. જે બાદ જે તે એજન્સી દ્વારા વીજથાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત કેટલાક થાંભલાઓ ખસેડી પણ દેવામાં આવ્યા હતાં. જોકે, બાદમાં નડતરરૂપ દબાણને પગલે વીજ થાંભલા ખસેડવાની કામગીરી અધુરી છોડી દેવામાં આવી હતી. જે બાદ આજદિન સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેને પગલે ત્રિપિંગની સમસ્યા સર્જાતી હોવાથી ગામના રહેણાંક મકાનો, દુકાનો, ઓફિસોમાં ચાલતાં વીજ ઉપકરણોને નુકશાન થાય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. આ મામલે ગામના જાગૃત નાગરીકો દ્વારા એમ.જી.વી.સી.એલ તંત્રને અનેકોવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા આ રજુઆતો ધ્યાને લેવાતી ન હોવાની બુમો ઉઠવા પામી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા વહેલીતકે યોગ્ય કામગીરી કરી, પ્રજાને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે ત જરૂરી છે.

તંત્રની અણઆવડતને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં
સેવાલિયામાં વીજથાંભલા ખસેડવાની કામગીરીમાં વચ્ચે દબાણ નડતરરૂપ થનાર હોવાની જાણ હોવા છતાં એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા આ કામ માટે ટેન્ડર ફાળવી દેવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં થોડી ઘણી કામગીરી થયાં બાદ, દબાણો નડતરરૂપ બન્યાં હતાં. જેથી કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે. આમ, તંત્રની અણઆવડતને પગલે હાલ, ગામની પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે.

દબાણ હટ્યાં બાદ કામગીરી પુન: શરૂ કરાશે
આ બાબતે એમ.જી.વી.સી.એલના ડેપ્યુટી એન્જિનીયર નલવયાને પુછતાં, તેમણે જણાવ્યું હતું કે, ત્રિપિંગ બાબતે કામ ચાલુ છે, દબાણને પગલે વીજથાંભલા હટાવવાની કામગીરી અટકી છે, જેથી દબાણ હટાવવા બાબતે ડાકોરના ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરી દેવામાં આવી છે, દબાણ હટ્યાં બાદ વીજથાંભલા ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.
અંડરગ્રાઉન્ડ વીજ વાયરીંગ કરવાની માંગ
સેવાલિયામાં વીજથાંભલા ખસેડવાની કામગીરી છેલ્લાં કેટલાક સમયથી અધૂરી છોડી દેવામાં આવી છે. જેને પગલે ત્રિપિંગની સમસ્યા સર્જાવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આવનાર સમયમાં આવી કોઈ સમસ્યા ન સર્જાય તે હેતુસર અંડરગ્રાઉન્ડ વીજ વાયરીંગ કરવામાં આવે તેવી ગામના કેટલાક જાગૃતજનો દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top