આણંદ : બોરસદના કંસારી ગામની મહિલાનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેની લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરી તેના પ્રેમીને પકડી પાડ્યો હતો. આ શખસ તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ રાખતો હતો. પરંતુ મહિલાએ હવે આગળ સંબંધ ન રાખવા જણાવતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગળુ દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોરસદના ધુવારણ રોડ ઉપરથી રોડની બાજુમાં ખેતરના શેઢા નજીકની ઝાડીમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં ડીકંપોઝ હાલતની લાશ મળી આવી હતી. આ અંગે તપાસ હાથ ધરતા મહિલાનું મૃત્યુ ગળુ દબાવવાથી થયું હતું. જ્યારે લાશ જયાબેન રમેશભાઇ ઉર્ફે ટીનાભાઇ પરમાર (રહે. કસારી નજીક પૈટ્રી ફાર્મ)ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જયાબહેનને કોઇની સાથે જતા જોએલ હતા કે કેમ? તે દિશામાં તપાસ કરવા ઘરથી રસ્તામાં આવતા સી.સી.ટીવીનો અભ્યાસ કરી સર્વેલન્સની મદદથી તપાસ કરતા મરણ જનાર એક રીક્ષામાં કોઇની સાથે બેસી જતા હોવાનું દેખાયું હતું. આ ટેકનીકલ સોર્સથી તપાસ કરવામાં આવી હતી અને રીક્ષામાં બેસીને જનારી વ્યકિતના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો નહતો.
જેથી તેની ઉપર શંકા વધુ દ્રઢ બનતા તેને શોધી અટક કરવામાં આવી હતી. પૂછપરછમાં તે સંજયભાઇ ઉર્ફે ચોટલી ગણપતભાઇ પરમાર હોવાનું જણાવ્યું હતું. તેની ઉંડાણ પૂર્વક સતત પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી પોતે તથા જયાબેન બંને અવાર નવાર શરીર સબંધ બાંધતા હતા અને બનાવી રાતના પોતે જયાબહેનની સાથે રીક્ષામાં બેસીને ગયાં હતાં. તેઓ રોડની નજીક ખેતરમાં જઇ શરીર સબંધ બાંધતા હતા તે વખતે જયાબહેને આરોપી સંજયભાઇ ઉર્ફે ચોટલી ગણપતભાઇ પરમારને જણાવ્યું હતું કે, હું તારી સાથે સબંધ રાખવા માંગતી નથી અને હવે પછી તુ મારી સાથે સબંધ રાખવા પાછળ પડતો નહી અને જો તુ મારી સાથે સબંધ રાખીશ તો હું તારા વિરૂધ્ધમાં પોલીસમાં ફરીયાદ કરીશ. તેમ કહેતા સંજય એકદમ ઉશ્કેરાઇ ગયેલો અને જયાબહેનનું ગળુ દબાવી તેની હત્યા કરી લાશને ઝાડીમાં સંતાડી ઓઢણી પોતાના મોઢે બાંધી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. આ કબુલાત આધારે પોલીસે સંજય પરમારની અટક કરી તેને સાથે રાખી ઓઢણી જે જગ્યાએ ફેંકી દીધી તે ઓઢણી તથા આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ તેણે પહેરેલા કપડા જે જગ્યાએ સંતાડી દિધેલા તે જગ્યાએથી કબજે કરવામાં આવ્યા છે. હાલ વધુ પુછપરછ માટે મંગળવાર સુધીના રિમાન્ડ લેવામાં આવ્યાં છે.