સાયણ: સુરત (surat) શહેરના નાના વરાછા ખાતે રહી સાયણમાં (Sayan) વેપાર ધંધો કરતા એક યુવાન ઉપર ભૂરો ઉર્ફે સંજય તથા એક અજાણી સ્ત્રીએ તિક્ષણ હથિયારથી હુમલો (Attack) કરતા તેને લોહી-લુહાણ હાલતમાં સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો છે.
- નાના વરાછા ચીકુવાડી ખાતેની કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા જયેશ સરવારિયા પર હુમલો
- લોહી-લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવાનને સાયણની જીવનરક્ષા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો
પ્રાપ્ત વિગત અનુસાર સુરત શહેરના નાના વરાછામાં ચીકુવાડી ખાતેની કલ્યાણ કુટીર સોસાયટી વિભાગ-૨ ના મકાન નં.131માં રહેતા જયેશ ધનશ્યામ સરવારિયા(ઉં.વર્ષ 29) ગોથાણ બ્રિજ પાસે સાયણ ખાતેની સરદાર ઇન્ડસ્ટ્રીઝની સામે ખોડલ એન્ટરપ્રાઇઝના નામથી વેપાર કરે છે.
જયેશનું ગોડાઉન ગોથાણ રોડ ઉપર આવેલું છે. અહીં ભક્તિધારા સોસાયટીમાં રહેતો દિનેશ તુકારામ ચૌધરી નામનો કારીગર નોકરી કરે છે. ગઈ તા. 11 મે ગુરુવારના રોજ રાત્રે-૮:૦૦ કલાકના સુમારે દિનેશ ચૌધરી તેના શેઠ જયેશ સરવારિયાનો છોટા હાથી ટેમ્પો (નં.જીજે-05-એયુ-૨૬૪૬) હંકારી અન્ય બે કારીગરો સાથે ભક્તિધારા સોસાયટીના તેઓના રૂમ ઉપર જઈ રહ્યો હતો ત્યારે સોસાયટીના ગેટ પાસે ભૂરો ઉર્ફે સંજય તથા એક અજાણી સ્ત્રીએ ટેમ્પો ઊભો રખાવ્યો હતો અને દિનેશને ત્રણ તમાચા ઠોકી દીધા હતા.
જેથી આ બાબતની જાણ તેણે શેઠ જયેશને કરતા શેઠ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમયે ત્યાં હાજર ભૂરો ઉર્ફે સંજયે ‘તારૂં શું કામ છે?’, તેમ કહી ઉશ્કેરાઈને જયેશ સરવારિયા ઉપર કોઈ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને માથાના ભાગે ચાર, પેટની ડાબી સાઈડ એક અને ડાબા હાથના કાંડાથી ઉપરની સાઈડે એક ઘા મારતા તે લોહી-લુહાણ થઈ ગયો હતો.
એટલું જ નહીં અજાણી સ્ત્રીએ પણ જયેશને ઢીક્કા-મુક્કીનો માર મારી કારીગરોને પણ માં-બેન સમાન નાલાયક ગંદી ગાળો આપી હતી. આ બંન્ને આરોપીઓએ તેઓને ધમકી આપી હતી કે, જો બીજીવાર અહીં દેખાયો તો જાનથી મારી નાંખીશ તેમ કહી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
જયારે જયેશ સરવારિયા ઉપર હુમલો થયાની જાણ તેના અન્ય વેપારી મિત્રોને થતાં તેઓએ ઈજાગ્રસ્ત જયેશને સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના બિછાનેથી જયેશ સરવારિયાએ ઓલપાડ પોલીસને આ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે બંન્ને આરોપીઓ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.