સુરત: શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી ગઈ છે. શહેરના અડાજણ પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે કારના કાચ તોડી ચોર લાખો રૂપિયાની મત્તા ચોરી ગયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસ દોડતી થઈ છે.
- પાલનપુર પાટિયાની શાંતિ સદન સોસાયટીમાં બે કારના કાચ તૂટ્યા
- મળસ્કે ચાર વાગ્યે ચોર ઈસમે બે કારના કાચ તોડી લાખોની મત્તા ચોરી
- એક કારમાંથી 5 લાખ રોકડા અને બીજી કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી
- સીસીટીવી ફૂટેજની મદદથી રાંદેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર પાટિયા બજાર પાસે સંસ્કાર ભારતી સ્કૂલની સામે આવેલી શાંતિ સદન સોસાયટીમાં કારના કાચ તૂટ્યા છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ બિલ્ડિંગ આવેલી છે. તે પૈકી બે બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તૂટ્યા છે. એક કારમાંથી પાંચ લાખ રોકડા અને બીજી કારમાંથી મ્યુઝિક સિસ્ટમ ચોરાઈ છે.
કારના કાચ તૂટ્યા હોવાની ઘટના અંગે સવારે સોસાયટીના રહીશો અને કારચાલકોને જાણ થઈ હતી. ત્યાર બાદ સોસાયટીના રહીશોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે બિલ્ડિંગની નીચે સીસીટીવી કેમેરા નહોતા ત્યાં જ કારના કાચ તોડવામાં આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શર્ટ પહેર્યા વિના રખડતો એક ઈસમ મળસ્કે 4 વાગ્યે સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને બે કારના કાચ તોડી બિન્ધાસ્ત રોકડા અને મ્યુઝિક સિસ્ટમ ચોરી ગયો હતો.
કાર ચાલક અને સોસાયટીના રહીશોએ આ મામલે રાંદેર પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, મુખ્ય માર્ગ પર આવેલી સોસાયટીમાં ચોર ઈસમ બિન્ધાસ્ત અંદર ઘુસીને કારના કાચ તોડી ચોરી કરી ગયો છે. આ ખૂબ જ ગંભીર બાબત છે.