વિરપુર: વિરપુર તાલુકાના કલસીપુરા (પાંટા)ના 26 વર્ષિય યુવક પર અજાણ્યા શખસોએ હુમલો કરો તેનું ગળુ દબાવી, બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા તેની લાશ પર બાઇક મુકી હત્યારા ભાગી ગયાં હતાં. આ અંગે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે તપાસ કરતાં મરનાર યુવકની પત્નીના પ્રેમીએ જ આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિરપુર તાલુકાના કલસીપુરા (પાંટા) ખાતે રહેતાં અને ખેતી કરતાં અર્જુનભાઈ ભુરાભાઈ પગીનો પુત્ર મુકેશ (ઉ.વ.26) 7મી જુલાઇ, 2021ના રોજ રાત્રીના સાત વાગ્યાના સુમારે પરિવાર સાથે ઘરે હાજર હતો અને જમવાની તૈયારી કરી રહ્યાં હતાં. તે સમયે મુકેશ પર આશરે સાડા સાત વાગ્યાના સુમારે કોઇ વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ ફોન પત્યા પછી તુરંત મુકેશ ઉભો થયો હતો અને હું વિરપુર જાઉં છું. હું પછી જમી લઇશ. તેમ કહી બાઇક લઇ નિકળી ગયો હતો.
બાદમાં મોડી રાત સુધીનો સમય થવા આવતા તે ઘરે પરત આવ્યો નહતો અને તે તેના પિતરાઇ ભાઈ રામાભાઈ ભુરાભાઈ પગીના ઘરે રોકાયો હોવાનું માની સુઇ ગયાં હતાં. દરમિયાનમાં બીજા દિવસે સવારના આશરે સાડા છ વાગ્યાના સુમારે પાંટા પંચાયત વિસ્તારમાં આવેલી વાવરી નદીની પેલી બાજુ આવેલા પાંટા ગામના જયદીપ લાલાભાઈ ઠાકોરએ ગાંધેલી પાંટા તરફ જવાના ત્રણ રસ્તા પાસે આવતા તેમને બાઇક નીચે દબાયેલો યુવક જોયો હતો. જેની ઓળખ કરતાં તે મુકેશ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અર્જુનભાઈને જાણ કરતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જોયું તો મુકેશ મૃત હાલતમાં હતો અને બાઇકની નીચે પડેલો હતો.
- પિતાએ એકનો એક પુત્ર, 3 દિકરીએ પિતા ગુમાવ્યા
કલસીપુરા (પાંટા)માં ખેતી કરીને ગુજનાર ચલાવતા અર્જુનભાઈ પગીને સંતાનમાં એક દિકરો મુકેશ અને નાની દિકરી શિલ્પાબહેન છે. જેમાં શિલ્પાબહેનના લગ્ન ભાટપુરા (મોતીપુરા) ગામે થયાં હતાં. જ્યારે મુકેશના લગ્ન 12 વર્ષ પહેલા ખાનપુર (બાવડીયા) ગામે હર્ષાબહેન સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને સંતાનમાં ત્રણ દિકરી પ્રિયંકાબહેન (ઉ.વ.9), નાની દીવાબહેન (ઉ.વ.6) અને સૌથી નાની પ્રિન્સાબહેન (ઉ.વ.2)ની છે. મુકેશના મોતના પગલે અર્જુનભાઈએ એકનો એક પુત્ર અને ત્રણ દિકરીએ પિતા ગુમાવ્યાં હતાં.
સુરેશે હત્યા કેવી રીતે કરી હતી ?
પોલીસે ગુનાવાળી જગ્યાની આજુ-બાજુ રહેતા રહીશોની સઘન પૂછપરછ કરી હતી. જેમાં મરનાર આજુબાજુના રહીશો તથા શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળેલ કે પાટાં ગામના સુરેશભાઇ માનાભાઇ પગીને મરણ જનારની પત્ની સાથે આડાસંબધો હોય જે આધારે સુરેશભાઇ માનાભાઇને તેના ગામથી અટકાયત કરી લઇ આવી ઝીણવટ પૂર્વક પૂછપરછ કરી તપાસ કરતા તે ગોળ-ગોળ જવાબ આપતો હોય.
જેથી યુક્તિ-પ્રયુકતીથી પુછપરછ કરતાં તે મનથી પડી ભાગેલો અને જણાવેલ કે મરણ જનાર મુકેશભાઇ પગી તેની પત્ની સાથેના આડા સંબધો અંગે વહેમ રાખી પોતાની સાથે અવાર-નવાર ઝગડો કરતો તથા મારી નાખવાની ધમકી આપી હોય તે મનદુઃખ રાખી આરોપીએ મરણ જનારને ફોસલાવીને ખેરોલીથી પાંટા જવાના રસ્તા પાસે વળાંક નજીક બસ સ્ટેશનના પાછળના ભાગે કોતર નજીક મળવાનુ નક્કી કર્યુ અને તે આવતા છળ કપટથી લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી નીચે પાડી દઇ ગળાના ભાગે સાડીથી ટુંપો આપી તેમજ દબાવીને મોતને ઘાટ ઉતારી પોતે ગુનો કરેલો હોવાની કબૂલાત કરી હતી. આ હકિકત બહાર ન આવે તે માટે મોટરસાઇકલ તથા લાશને રોડ ઉપર નાખીને અકસ્માતમાં ખપાવાની કોશીશ કરેલાની કબૂલાત કરી હતી. આ કબુલાત આધારે સુરેશભાઇ માનાભાઇ પગીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે વિરપુર પોલીસને હવાલે કર્યો હતો.